તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
દિલ્હીની 11 બેઠકો પર કોંગ્રેસે કેજરીવાલનો ખેલ બગાડ્યો : જો ગઠબંધનમાં લડ્યા હોત તો AAPની બનત સરકાર !
રસાકસીભરી 11 બેઠકો પર કોંગ્રેસે વોટ કાપતા આમ આદમી પાર્ટી ત્રીજા ક્રમે ધકેલાઈ

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું મોટાભાગનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં 27 વર્ષ બાદ ભાજપ સત્તાના સિંહાસન પર બેસવા જઈ રહ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીના સૂપડા સાપ થઈ ગયા છે. પાર્ટીની હાલત એટલી ભૂંડી થઈ ગઈ છે કે, અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા સહિત પાર્ટીના અનેક મોટા ચહેરાઓને હારનો સ્વાદ ચાખવાનો વારો આવ્યો છે. જો કે કેટલીક એવી બેઠકો છે, જ્યાં કોંગ્રેસના કારણે આપના ઉમેદવાર હાર્યા છે.
દિલ્હી વિધાનસભામાં બહુમતનો જાદુઈ આંકડો 36નો હતો. જો કે અત્યાર સુધીના પરિણામમાં આમ આદમી પાર્ટી માંડ 22 બેઠકો પર જીત મેળવી રહી છે. એટલે કે બહુમતના જાદુઈ આંકડાથી હજુ 14 બેઠકો દૂર જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીએ દિલ્હી ચૂંટણીમાં પોતાની હાર પણ સ્વીકારી લીધી છે.
દિલ્હીમાં 11 વિધાનસભા બેઠકો એવી છે, જ્યાં ભાજપને મળેલી જીતનું અંતર કોંગ્રેસને મળેલા મત કરતાં પણ ઓછું છે. એટલે કે, જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકસાથે ગઠબંધનમાં ભાજપ વિરુદ્ધ ચૂંટણીના જંગમાં ઉતર્યા હોત, તો AAPના ફાળે વધુ 11 બેઠકો આવી ગઈ હોત. આ રીતે આમ આદમી પાર્ટી બહુમતની નજીક તો પહોંચી ગઈ હોત
એવી કઈ-કઈ બેઠકો છે, જ્યાં કોંગ્રેસના કારણે આપની હાર થઈ?
નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી અરવિંદ કેજરીવાલ 4000 મતે હાર્યા છે. જ્યારે આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સંદિપ દીક્ષિતને 4500 મત મળ્યા છે.
ગ્રેટર કૈલાસ બેઠક પર AAP નેતા સૌરભ ભારદ્વાજ 3188 મતે હાર્યા છે, જ્યારે અહીં કોંગ્રેસના ઉમેદવારને 6711 મત મળ્યા છે.
જંગપુરા બેઠક પર મનિષ સિસોદિયા માત્ર 675 મતે હાર્યા, જ્યારે આ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ફરહાદ સુરીને 7350 મત મળ્યા છે.
સંગમ વિહાર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ મોહનિયા 675 મતે હાર્યા, જ્યારે આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને 15,863 મત મળ્યા. આમ આ બેઠક પર ભાજપના ચંદનકુમાર ચૌધરીની જીત થઈ ચે.
આવી જ રીતે રજીન્દરનગરની બેઠક પર ભાજપના ઉમેદવાર ઉમંગ બજાજ વિજયી થયા છે. જેમણે AAP ઉમેદવાર દુર્ગેશ પાઠકને 1231 મતે હરાવ્યા હતા. જ્યારે આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિનીત યાદવને 4015 મત મળ્યા હતા
છતરપુર વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર બ્રહ્મસિંહ તંવર 6239 મતે હાર્યા છે. જ્યારે આ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્રસિંહ તંવરને 6601 મત મળ્યા છે.
નાંગલોઈ જાટ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર રઘુવિંદરસિંહ શૌકિન 26 હજાર મતે હાર્યા છે. જ્યારે આ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર રોહિત ચૌધરીને 32,028 મત મળ્યા છે. અહીં ભાજપ ઉમેદવાર મનોજ શૌકીન વિજયી થયા છે.
મદિપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર કૈલાશ ગંગવાલે આમ આદમી પાર્ટીની રાખી બિડલાન સામે 10 હજારથી વધુ મતે વિજય મેલવ્યો છે. જ્યારે આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને 18 હજાર જેટલા મત મળ્યા છે.
દિલ્હીની માલવિયનગર બેઠક પર ભાજપના સતિષ ઉપાધ્યાયે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ નેતા સોમનાથ ભારતીને હરાવ્યા છે. આ બેઠક પર AAP 2100 મતે હાર્યું છે. જ્યારે અહીં કોંગ્રેસ ઉમેદવારને 7 હજાર કરતાં વધુ મત મળ્યા છે.
ત્રિલોકપુરી બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર 400 મતે હાર્યા છે. જ્યારે અહીં કોંગ્રેસને લગભગ 6 હજાર મત મળ્યા છે. આવી જ રીતે બાદલી બેઠક પર આમ આદમી પાર્ટી 13 હજાર મતે હારી છે. જ્યારે અહીં કોંગ્રેસ ઉમેદવારને 38 હજારથી વધુ મત મળ્યા છે.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
