News of Sunday, 9th February 2025
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ: ઉત્તર ભારતમાં ઠંડી વધશે
આજથી ઉત્તર ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં હવામાન બદલાશે જેના કારણે દેશના 10થી વધુ રાજ્યોમાં વરસાદની શક્યતા

નવી દિલ્હી : હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ચક્રવાતની ચેતવણી જારી કરી છે. જેના કારણે દેશના 10 રાજ્યોમાં વરસાદ સાથે શીત લહેર જોવા મળી શકે છે. દિલ્હીથી અરુણાચલ પ્રદેશ સુધી વરસાદ અને હિમવર્ષાની અસર જોવા મળશે. લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પર્વતોમાં હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી છે. દેશના ત્રણેય પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તરાખંડમાં પર્વતો પર હિમવર્ષા થઈ રહી છે. તેની અસરથી ઠંડા પવનોએ ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો કર્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે દેશના 10થી વધુ રાજ્યોમાં પવન સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 ફેબ્રુઆરીની રાત્રે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં આજે ઉત્તર ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં હવામાન બદલાઈ શકે છે. પાકિસ્તાન ઉપર રચાયેલી પ્રેશર પૂર્વ તરફ આગળ વધશે, જેના કારણે ભારતમાં હવામાન બદલાશે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં અને તેની આસપાસ દોઢ કિલોમીટર ઉપર એક ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે.
ઉત્તરપશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 12 ફેબ્રુઆરી સુધી પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં છૂટાછવાયા વરસાદ અને હિમવર્ષા પડવાની શક્યતા છે. સિક્કિમ, ઉત્તરપૂર્વ આસામ, અરુણાચલ પ્રદેશમાં છૂટાછવાયા ઝાપટાની શક્યતા છે. 11 અને 12 ફેબ્રુઆરીએ અરુણાચલ પ્રદેશમાં વરસાદની શક્યતા છે. 10 ફેબ્રુઆરી સુધી ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઓડિશાના છૂટાછવાયા ભાગોમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. પશ્ચિમ મધ્યપ્રદેશના છૂટાછવાયા વિસ્તારોમાં ઠંડીની સ્થિતિ રહેવાની શક્યતા છે.
દિલ્હીમાં 20 કિલોમીટર પ્રતિ કલાક અને મધ્યપ્રદેશમાં 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં પણ ઠંડીનો માહોલ જોવા મળ્યો છે. જેના કારણે સવારે અને સાંજે સૂકી ઠંડીનો અનુભવ થાય છે. રાજસ્થાનમાં પણ ઠંડીના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો. શનિવારે જમ્મુ-કાશ્મીરમાં પણ ઠંડીની અસર જોવા મળી હતી. હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાને કારણે ઠંડીમાં વધારો થયો છે. રાજ્યના ચંબા, કાંગડા, કુલ્લુ, લાહૌલ-સ્પિતિ અને કિન્નૌર જિલ્લામાં 12 ફેબ્રુઆરી સુધી વરસાદ અને હિમવર્ષાની શક્યતા રહેશે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
