News of Sunday, 9th February 2025
છત્તીસગઢમાં સુરક્ષાદળોનું મોટું ઓપરેશન: એન્કાઉન્ટરમાં 31 નક્સલી ઠાર: 2 જવાન શહીદ
સર્ચ ઓપરેશન શરૂ:ભારે માત્રામાં શસ્ત્રો જપ્ત

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં રવિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 31 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોના ચાર જવાન પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં બે જવાનોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બીજાપુર અને નારાયણપુર સાથેની મહારાષ્ટ્ર સરહદ પર ઈન્દ્રાવતી નેશનલ પાર્ક વિસ્તારના જંગલમાં રવિવારે સવારે જ્યારે સુરક્ષાકર્મીઓની એક ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં હતી ત્યારે એન્કાઉન્ટર શરૂ થયું હતું. બસ્તર પોલીસે જણાવ્યું કે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
બસ્તર પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા વધુ હોઈ શકે છે. એન્કાઉન્ટર સ્થળ પરથી ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા છે. છત્તીસગઢમાં સુરક્ષા દળો સતત નક્સલવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે. ડીઆરજી બીજાપુર, એસટીએફ, સી-60ના જવાનો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. બીજાપુરમાં જ 1 ફેબ્રુઆરી, 2025ના રોજ ગંગાલુર વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં 8 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. ગયા મહિને 20-21 જાન્યુઆરીએ, છત્તીસગઢ અને ઓડિશાની સરહદ પર આવેલા ગારિયાબંદ જિલ્લાના જંગલોમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 16 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. આમાં 90 લાખનું ઈનામ ધરાવનાર નક્સલવાદી ચલાપતિનો પણ સમાવેશ થાય છે.
બસ્તરના આઈજી સુંદરરાજ પીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, 1 ફેબ્રુઆરી 2025 સુધી રાજ્યમાં અલગ-અલગ એન્કાઉન્ટરમાં 50થી વધુ નક્સલવાદીઓ માર્યા ગયા છે. છત્તીસગઢ પોલીસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ભાજપની સરકાર બની ત્યારથી સુરક્ષા દળોએ અલગ-અલગ એન્કાઉન્ટરમાં 219 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. તમને જણાવી દઈએ કે નવેમ્બર 2023માં છત્તીસગઢમાં બીજેપીની સરકાર બની હતી અને વિષ્ણુ દેવ સાંઈ મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારથી રાજ્યમાં નક્સલ વિરોધી અભિયાને ખાસ્સું વેગ પકડ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માર્ચ 2026 સુધીમાં રાજ્યને નક્સલ મુક્ત બનાવવાની જાહેરાત કરી છે.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
