<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

ટ્રમ્પના ટેરિફ વૉરથી સોનામાં આગ ઝરતી તેજી: સોનું રૂપિયા 2,400 ઉછળ્યું: નવી ટોચે પહોંચ્યું

દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 2,430 ઉછળી અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી 88,500ને સ્પર્શી ગયા

નવી દિલ્હી : અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકામાં આયાત થઈ રહેલા તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર નવેસરથી 25 ટકા ટેરિફ (Tariff) લાગૂ કરવાની ધમકી આપતા વિશ્વ બજારમાં સોનાના ભાવમાં આગ ઝરતી તેજી ફાટી નિકળી છે.

તેને પગલે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 2,430 ઉછળી અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી 88,500ને સ્પર્શી ગયા છે. જ્યારે સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂપિયા 2,430 વધી રૂપિયા 88,100 થયા છે. દિલ્હી ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 1,000 ઉછળી રૂપિયા 97,500 થયા છે.

MCX ખાતે સોનાના ભાવ 85,000ની સપાટી કુદાવી ગયા છે. સોનાનો ભાવ રૂપિયા 940 વધી રૂપિયા 85,828 થયા છે.જૂન મહિનાની ડિલિવરી માટેનો કોન્ટ્રેક્ટ રૂપિયા 1,015 એટલે કે 1.18 ટકા ઉછળી રૂપિયા 86,636 થયો છે.જ્યારે માર્ચ મહિના માટેનો ચાંદીનો વાયદો રૂપિયા 632 વધી રૂપિયા 95,965 થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 45.09 ડોલર એટલે કે 1.56 ટકા ઉછળી 2,932.69 ડોલર થયા છે. આ સાથે જ સોનાએ મનોવૈજ્ઞાનિક રીતે મહત્વની 2,900 સપાટી કુદાવી લીધી છે. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 32.76 ડોલર થયા છે.અમદાવાદ ખાતે શુદ્ધ સોનુ (99.9) 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 1100 વધી રૂપિયા 88,600 જ્યારે અમદાવાદ સ્ટાન્ડર્ડ સોનુ (99.5) રૂપિયા 1100 વધી રૂપિયા 87,200 થયો છે. જ્યારે અમદાવાદ ચાંદી રૂપિયા 500 વધી રૂપિયા 94,500 થઈ છે.

(9:34 PM IST)