News of Tuesday, 11th February 2025
ઇલેક્ટોરલ ટ્રસ્ટને મળેલા ૧૨૧૮ કરોડના દાનમાંથી સૌથી વધુ ભાજપને ૮૫૬ કરોડ
વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ગુજરાતની કોર્પોરેટ કંપનીઓ દ્વારા ૧૨૩ કરોડનું દાન

નવી દિલ્હી,તા.૧૧: લોકસભાની ચૂંટણીના વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ઇલેક્ટોરલ ટ્રસ્ટોને કુલ ૧૨૧૮ કરોડ રૂપિયાનું દાન કંપનીઓ અને વ્યક્તિગત દાતા તરફથી મળ્યું હતું. તેમાંથી સૌથી વધુ ભાજપને કુલ ૮૫૬.૪૫ કરોડ રૂપિયાનું દાન અપાયું હતું. તે પછી કોંગ્રેસ પક્ષને ૧૫૬.૪૦ કરોડ અને બીઆરએસને ૮૫ કરોડ રૂપિયાનું દાન અપાયું હતું. ગુજરાતમાંથી કોર્પોરેટ કંપનીઓ દ્વારા કુલ ૧૨૩ કરોડ રૂપિયાનું દાન ઇલેક્ટોરલ ટ્રસ્ટને મળ્યું હતું. આ ૧૨૩ કરોડ રૂપિયાનું દાન સુરતની આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા, વડોદરાની એલેમ્બિક ફાર્માસ્યુટિકલ અને અમદાવાદની ટોરેન્ટ કંપની દ્વારા આપવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ચૂંટણી પંચના વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૧૯માંથી ૬ ઇલેક્ટોરલ ટ્રસ્ટના વાર્ષિક હિસાબો અંગે એડીઆર-ઇન્ડિયા દ્વારા વિશ્લેષણ અહેવાલ બહાર પડાયો છે. તે મુજબ કુલ ૧૨૧૮ કરોડમાંથી પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટને સૌથી વધુ ૧૦૭૫ કરોડ, ટ્રાયમ્ફ ઇલેક્ટોરલ ટ્રસ્ટને ૧૩૨.૫૦ કરોડ, જયભારત ટ્રસ્ટને ૯ કરોડ, પરિવર્તન ટ્રસ્ટને ૧ કરોડ અને અન્ય બે ઇન્ઝીગાર્ટીંગ અને સ્વદેશી ટ્રસ્ટને પણ ઓછી માત્રામાં દાન અપાયું હતું. વિવિધ રાજ્યમાંથી મળેલા દાનમાંથી તેલંગાણામાંથી સૌથી વધુ ૧૭૦ કરોડ રૂપિયાનું દાન ઇલેક્ટોરલ ટ્રસ્ટને મળ્યું હતું. કોર્પોરેટ ડોનેશનમાં સૌથી વધુ આર્સેલર મિત્તલ સ્ટીલ ઇન્ડિયા અને ડીએલએફ લિમિટેડ દ્વારા સૌથી વધુ ૧૦૦-૧૦૦ કરોડ રૂપિયાનું દાન અપાયું છે. તે પછી માથા પ્રોજેક્ટસ એલએલપી દ્વારા ૭૫ કરોડ તેમજ સીઇએસસી લિમિટેડ અને મારૂતિ સુઝુકી ઇન્ડિયા દ્વારા ૬૦ કરોડ રૂપિયા વિવિધ ટ્રસ્ટને અપાયા હતા. તે ઉપરાંત એપોલો ટાયર્સ, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સ કંપની તેમજ હેટ્રો લેબ્સ, ટીવીએસ મોટર કંપની અને સિપ્લા દ્વારા પણ પ્રુડન્ટને ડોનેશન અપાયું હતું.
પ્રુડન્ટ દ્વારા ૮ પક્ષને દાન અપાયું તેમાંથી સૌથી વધુ ૭૨૩ કરોડ તેણે ભાજપને આપ્યા હતા. ગત વર્ષે પણ ભાજપને પ્રુડન્ટ દ્વારા ૨૫૬ કરોડ અપાયા હતા. જ્યારે ટ્રાયમ્ફને ૧૨૭ કરોડ રૂપિયાનું મળેલું દાન ભાજપને અપાયું હતું. ભાજપને કુલ ડોનેશનના ૭૦ ટકા દાન જ્યારે કોંગ્રેસને ૧૨.૮૪ ટકા દાન મળ્યું હતું.
ગુજરાતમાંથી ઇલેક્ટોરલ ટ્રસ્ટને ડોનેશન, આર્સેલર મિત્તલ નિપ્પોન ૧૦૦ કરોડ, એલેમ્બિક ફાર્મા, વડોદરા ૪ કરોડ, ટોરેન્ટ પાવર, અમદાવાદ ૧૧.૫૦ કરોડ, ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ ૭.૫૦ કરોડ
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
