તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
અલીગઢ મુસ્લિમ યુનિ.ના મેનુમાં ‘બીફ બિરયાની'ના ઉલ્લેખથી વિવાદ
પોલીસે ત્રણ લોકો સામે FIR નોંધીઃ ‘ટાઇપિંગ એરર' હોવાનું જણાવી યુનિવર્સિટીએ હાથ અદ્ધર કર્યા

નવી દિલ્હી, તા.૧૧: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)ના સર શાહ સુલૈમાન હોલના લંચમાં ‘બીફ બિરયાની' પીરસવામાં આવવાની છે તે પ્રકારની એક નોટિસ લાગતાં ભારે વિવાદ સર્જાયો છે. આ નોટિસ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જતાં લોકોએ તેની ટીકા કરી હતી અને હોબાળો મચતાં યુનિવર્સિટીએ તેને મેન્યુ ટાઇપ કરવામાં ભૂલ થઇ છે તેમ કહીને હાસ્યાસ્પદ ખુલાસો કર્યો છે. જોકે પોલીસે બે વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના ચીફ પ્રોવોસ્ટ સહિત ત્રણ લોકો સામે એફઆઇઆર નોંધાવી છે.
બે સત્તાવાર વ્યક્તિઓ દ્વારા કથિતરીતે જારી કરાયેલી નોટિસમાં જણાવાયું હતું કે ‘રવિવારના લન્ચનું મેન્યુ બદલાયું છે અને હવે લોકોની માગણીના અનુસંધાનમાં ચિકન બિરયાનીને બદલે બીફ બિરયાની પીરસવામાં આવશે.' આ જાહેરાતને પગલે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને ઓનલાઇન આકરા પ્રતિસાદો મળ્યા હતા. હોબાળા પછી એએમયુ વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે નોટિસમાં ટાઇપિંગ એરર છે. જોકે તેણે ખાતરી આપી હતી કે આ માટે જવાબદારોને શો-કોઝ નોટિસ આપવામાં આવશે. આ મામલો અમારા ધ્યાનમાં આવ્યો છે. આ નોટિસ તત્કાળ પાછી ખેંચી લેવામાં આવી છે. તેની પર કોઇ સત્તાવાર હસ્તાક્ષર પણ નથી તેમ યુનિવર્સિટીના એક અધિકારીનું કહેવું છે. જોકે શરૂઆતમા તો યુનિવર્સિટી આ મામલે ટિપ્પણી કરવાથી દૂર રહ્યું હતું. પરંતુ વિવાદ વધતાં તેને અજાણતામાં થયેલી ભૂલ ગણાવી નોટિસથી પોતાની જાતને અલગ કરી લીધી છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
