News of Tuesday, 11th February 2025
એપ્રિલ સુધીમાં આઠમા વેતન આયોગના ગઠનની સંભાવના
કર્મચારીઓના પગાર, ભથ્થાં અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરશે

નવી દિલ્હી : સંસદમાં સામાન્ય બજેટની રજૂઆતના થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્રીય કેબિનેટે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. આ જાહેરાત બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો એ જાણવાની રાહ જોઈ રહ્યા છે કે નવું પગાર પંચ ક્યારે બનશે.
આઠમું પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થા અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરશે. આનાથી પગારમાં સંભવિત વધારો થઈ શકે છે. કેન્દ્ર સરકારના એક કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને તેનો લાભ મળશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નવું પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર 2.57ના આધારે પગાર વધારાની ભલામણ કરી શકે છે.
આઠમા પગાર પંચ અંગે વાત કરતા એક્સેન્ડીચર સેક્રેટરી મનોજ ગોવિલે જણાવ્યું હતું કે, આગામી નાણાકીય વર્ષ 2025-26માં પગાર પંચની કોઈ નાણાકીય અસર થશે નહીં. તેમણે કહ્યું કે 1 એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષમાં પગાર પંચને કારણે સરકાર પર કોઈ વધારાનો નાણાકીય બોજ નહીં આવે. કમિશનની રચના બાદ તેનો રિપોર્ટ તૈયાર કરવામાં સમય લાગશે, જેના પર સરકાર દ્વારા પ્રક્રિયા કરવાની રહેશે. તેથી નાણાકીય અસર વર્ષ 2026-27ના બજેટમાં જોવા મળશે.
મનોજ ગોવિલના જણાવ્યા અનુસાર, આઠમા પગાર પંચની રચના આગામી બે મહિનામાં એટલે કે એપ્રિલ 2025 સુધીમાં થઈ શકે છે. આ માટે ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT) પાસેથી મંતવ્યો માંગવામાં આવ્યા છે. આ વિભાગો પાસેથી સૂચનો મેળવ્યા પછી, કમિશનના કાર્યનો વિસ્તાર (સંદર્ભની શરતો - TOR) નક્કી કરવામાં આવશે અને કેબિનેટ પાસેથી મંજૂરી લેવામાં આવશે.
કેન્દ્રીય પગાર પંચની રચના દર 10 વર્ષમાં એકવાર થાય છે. તેનો હેતુ કર્મચારીઓના પગાર, ભથ્થાં અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરવાનો છે. આ માટે મોંઘવારી દર, આર્થિક સ્થિતિ અને સરકારી નાણાકીય સ્થિતિ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.
અગાઉ તત્કાલિન વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન 28 ફેબ્રુઆરી 2014ના રોજ 7માં પગાર પંચની રચના કરવામાં આવી હતી. કમિશને તેનો અહેવાલ 19 નવેમ્બર 2015ના રોજ સુપરત કર્યો હતો, જે 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવ્યો હતો.
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આશા છે કે 8મા પગાર પંચ દ્વારા તેમના પગાર અને અન્ય ભથ્થાઓમાં સુધારો થશે. જો કમિશન એપ્રિલ 2025 સુધીમાં રચાય છે, તો નવું પગાર માળખું 2026-27માં લાગુ થવાની સંભાવના છે.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
