<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

જમ્મુ-કાશ્મીર: LoC નજીક IED વિસ્ફોટ:બે જવાન શહીદ: એક ઘાયલ

ભારે માત્રામાં શસ્ત્રો જપ્ત:સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ અને કાશ્મીરમાં LoC નજીક IED વિસ્ફોટમાં સૈનિકો શહીદ થયા હતા, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, જમ્મુ જિલ્લાના ખૌર પોલીસ સ્ટેશન હેઠળના કેરી બટ્ટલ વિસ્તારમાં નિયંત્રણ રેખા નજીક એક IED વિસ્ફોટ થયો હતો. આમાં ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા, જેમને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી બેના સારવાર દરમિયાન મોત થયા હતા, જ્યારે એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેનાની ટીમ અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન આતંકવાદીઓએ IED બ્લાસ્ટ કર્યો. તેનાથી ત્રણ સૈનિકો ઘાયલ થયા. માહિતી મળતા જ, વધારાના સૈન્ય દળો ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં લઈ ગયા બાદ, આતંકવાદીઓ માટે શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું.

પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટ એક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) ના વિસ્ફોટને કારણે થયો હતો, જે શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા લગાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ પછી તરત જ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો.

આના એક દિવસ પહેલા, રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર ગોળીબારમાં સેનાનો એક સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જવાન નૌશેરા સેક્ટરના કલાલ વિસ્તારમાં એક ફોરવર્ડ પોસ્ટ પર તૈનાત હતો ત્યારે તેને ગોળી વાગી હતી અને તેને તાત્કાલિક લશ્કરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પ્રારંભિક માહિતી મુજબ બપોરે લગભગ 2.40 વાગ્યે નિયંત્રણ રેખા પારથી ગોળીબાર થયો હતો.


અગાઉ 8 ફેબ્રુઆરીના રોજ, કેરી સેક્ટરમાં નિયંત્રણ રેખાની પેલે પારના જંગલમાંથી આતંકવાદીઓએ સેનાની પેટ્રોલિંગ ટુકડી પર ગોળીબાર કર્યો હતો, જેઓ આ બાજુ પ્રવેશવાની તક શોધી રહ્યા હતા. ભારતીય સૈનિકોએ પણ જવાબી કાર્યવાહીમાં થોડા રાઉન્ડ ગોળીબાર કર્યો અને ત્યારબાદ વિસ્તારમાં કડક નજર રાખવા માટે ઘૂસણખોરી વિરોધી ગ્રીડને મજબૂત બનાવવામાં આવી.

 

(9:03 PM IST)