<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

જ્‍યાં સુધી ન કહીએ ત્‍યાં સુધી EVM ડેટાનો નાશ ન કરશો

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આપ્‍યો મોટો આદેશ

નવી દિલ્‍હીઃ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને EVMમાં સંગ્રહિત ચૂંટણી સબંધિત ડેટાનો નાશ ન કરવા આદેશ આપ્‍યો છે. ચૂંટણીબાદ ઇલેક્‍ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની ચકાસણી સંબંધિત કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે મહત્‍વપૂર્ણ આદેશ આપ્‍યો છે. ચીફ જસ્‍ટિસ (CJI) જસ્‍ટિસ સંજીવ ખન્નાની અધ્‍યક્ષતાવાળી બેન્‍ચે જણાવ્‍યું હતું કે હાલમાં EVM માંથી કોઈ ડેટા ડિલીટ ન કરવો અને તેમાં કોઈ નવો ડેટા ફરીથી લોડ ન કરવો.

સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી દરમિયાન ચૂંટણી પંચને સવાલ કર્યો હતો કે મતદાન પૂર્ણ થયા બાદ EVM માટે સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) શું છે? હવે ચૂંટણી પંચે ચૂંટણી પછી EVM મેમરી અને માઇક્રોકન્‍ટ્રોલર બાળવાની પ્રક્રિયા વિશે કોર્ટને જાણ કરવી પડશે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્‍સ (ADR) દ્વારા એક અરજીમાં માંગ કરવામાં આવી હતી કે મત ગણતરી પૂર્ણ થયા પછી પણ મશીનોમાંથી ડેટાનો નાશ ન કરવો જોઈએ.

સીજેઆઈ ખન્નાએ સુનાવણી દરમિયાન કહ્‍યું હતું કે આ કઈ વિરોધાત્‍મક નથી. જો હારેલા ઉમેદવાર સ્‍પષ્ટતા માંગે તો એન્‍જિનિયર સ્‍પષ્ટતા આપી શકે કે EVMસાથે છેડછાડ કરવામાં આવી નથી. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે EVM ની બળી ગયેલી મેમરી અને માઇક્રોકન્‍ટ્રોલરની ચકાસણી કોઈ વ્‍યાવસાયિક એન્‍જિનિયર દ્વારા કરવામાં આવે જેથી ખાતરી થાય કે EVM સાથે છેડછાડ કરવામાં આવી નથી.

(10:04 AM IST)