<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

IT કરદાતાની તરફેણમાં ચુકાદો લાવવા CAના ગોરખધંધા

અધિકારી પાસે કેસ હોય તે સામે ચાલીને કેટલાક કિસ્‍સામાં CAનો સંપર્ક કરતા હોવાની હકીકતો ફેસલેસમાં જવાબ રજૂ કરતી વખતે સીએ મોબાઇલ નંબર સહિતની વિગતો મોકલતા હોવાની ફરિયાદ

મુંબઇ,તા.૧૨: ઇન્‍કમટેક્‍સમાં પારદર્શિતા લાવવા માટે ફેસલેસ એસેસમેન્‍ટની સિસ્‍ટમ લાવવામાં તો આવી છે, પરંતુ હજુ પણ કેટલાક લોકો દ્વારા આ સિસ્‍ટમ થકી જ કરદાતાની તરફેણમાં ચુકાદી લાવતા હોવાની ચોંકાવનારી હકીકતો જાણવા મળી છે. આ રીતનો ગોરખધંધો શહેરના કેટલાક સીએ કરતા હોવાનું પણ કહેવાય છે. જોકે કરદાતા અને અધિકારી ઉપરાંત સીએને પણ તેનો ફાયદો મળતો હોવાના લીધે તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ રીતે સમગ્ર કામગીરી કરવામાં આવી રહી હોવાની વિગતો જાણવા મળી છે.

ફેસલેસ એસેસમેન્‍ટમાં ઇન્‍કમટેક્‍સ અધિકારી અને કરદાતા સીધા સંપર્કમાં નહીં આવે તે માટેની સિસ્‍ટમ શરૂ કરવામાં આવી છે, પરંતુ તેમાં પણ હવે કેટલાક અધિકારીઓ સીધા કે આડકતરી રીતે કરદાતાઓનો સંપર્ક કરીને પોતાની સાથે સાથે કરદાતાને પણ ફાયદો કરાવી રહ્યા છે. આ રીતે જ ચાલતા ગોરખધંધાની જાણ થતા સીબીઆઈએ દરોડા પાડીને બે ડેપ્‍યુટી કમિશનર, બે ઇન્‍સ્‍પેક્‍ટર અને પાંચ સીએ સામે કાર્યવાહી કરી છે.

આ જ પ્રકારનો ગોરખધંધો સુરતમાં પણ કેટલાક સીએ દ્વારા કરવામાં આવી રહ્યો હોવાનું કહેવાય છે. આ રીતે કામગીરી કરતા સીએ સામે સીબીઆઈ દ્વારા પણ વોચ રાખવામાં આવે તો સુરતમાંથી પણ મોટું રેકેટ ઝડપાય તેમ છે. તેમાં પણ સીએ દ્વારા ફેસલેસ એસેસમેન્‍ટમાં જવાબ રજૂ કરતી વખતે સીએ દ્વારા પોતાની ઓફિસનું સરનામું ઉપરાંત મોબાઈલ નંબર પણ લખી દેતા હોય છે. તેના આધારે ઇન્‍કમટેક્‍સના કેટલાક અધિકારીઓ સીધો કે આડકતરી રીતે સીએનો સંપર્ક કરીને કરદાતાની તરફેણમાં ચુકાદો લાવતા હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે.

ચુકાદો ઝડપથી આવતો નહીં હોવાની કેટલા અપનાવતા શોર્ટકટ

ફેસલેસ એસેસમેન્‍ટમાં ઝડપથી ચુકાદો આવતો નહીં હોવાના કારણે કરદાતાઓ શોર્ટકટ અપનાવી રહ્યા હોવાની પણ વિગતો જાણવા મળી છે. કારણ કે અપીલમાં ગયા બાદ કરદાતાએ ૨૦ ટકા રકમ ભરવાની હોય છે. હવે જો કેસમાં એક કરોડ રૂપિયા ભરવાના હોય તો ૨૦ ટકા લેખે ૨૦ લાખ રૂપિયા જમા કરાવી દેવાના હોય છે. રકમ જમા થયા બાદ સુનાવણી કરવામાં આવતી હોય છે. સુનાવણી કેટલા સમયમાં પૂરી કરીને ઓર્ડર આપી દેવાની કોઇ સમયમર્યાદા નક્કી નહીં હોવાના લીધે કેસ પાંચ વર્ષ અથવા કેટલી વખત તો તેના કરતાં પણ વધુ સમય સુધી લંબાતો હોય છે, જેથી લાંબી પ્રક્રિયામાંથી પસાર થવાના બદલે અધિકારી સાથે બારોબાર સેટલમેન્‍ટ કરીને તરફેણમાં ચુકાદો લાવીને કેસ પૂરો કરી દેતા હોય છે.

ફેસલેસ એસેસમેન્‍ટમાં ચાલતું આ રીતનું નેટવર્ક

ફેસલેસ એસેસમેન્‍ટમાં કાર્યવાહી શરૂ થાય ત્‍યારે કરદાતાએ જવાબ રજૂ કરવાનો હોય છે. આ જવાબ તેના સીએ દ્વારા રજ કરતી વખતે સરનામું અને મોબાઇલ નંબર લખવામાં આવતો હોય છે. તે નંબરના આધારે અધિકારી સુરતમાં તેના ઓળખીતા સીએ અથવા તો અન્‍ય કોઇનો સપર્ક કરીને સીએનો સંપર્ક કરવાનું કહેવામાં આવે છે. સંપર્ક કર્યા પછી વાટાઘાટ કરીને રકમ નક્કી કરવામાં આવતી હોય છે. તે રકમ ટકાવારીના આધારે નહીં પરંતુ કેસ કેવો છે અને તેમાં કેટલા રૂપિયા ભરવાના આવે છે તેવી તમામ બાબતોની ચર્ચા કરવામાં આવ્‍યા બાદ રકમ નક્કી થતી હોય છે. તે રકમ આપવાનું નક્કી કરવામાં આવ્‍યા બાદ કરદાતાની તરફેણમાં ચુકાદા આવતા હોવાની વિગતો જાણવા મળી છે

(11:55 AM IST)