News of Wednesday, 12th February 2025
સરકાર ૩ જાહેર ક્ષેત્રની બેંકોમાં પોતાનો ૨૦% સુધીનો હિસ્સો વેચશે
યુકો બેંક, પંજાબ અને સિંધ બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંકનો સમાવેશ : બજાર નિયમનકાર સેબીએ આ બેંકોને નિયમોનું પાલન કરવા માટે ૧૬ મે, ૨૦૨૬ સુધીનો સમય આપ્યો છે

નવી દિલ્હી, તા.૧૨: શેરબજારમાં લિસ્ટેડ ત્રણ સરકારી બેંકોએ નિયમોનું પાલન કરવા માટે પોતાનો હિસ્સો વેચવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ બેંકોએ સેબી દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે, જેના માટે લગભગ ૨૦ ટકા હિસ્સો વેચવાની યોજના છે. જાહેર ક્ષેત્રની યુકો બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક અને ઇન્ડિયન ઓવરસીઝ બેંક આગામી નાણાકીય વર્ષમાં નાણાકીય સંસ્થાઓને શેર વેચી શકે છે. આમ કરીને તેઓ મૂડી એકત્ર કરવાની અને શેરબજાર નિયમનકાર દ્વારા નિર્ધારિત લઘુત્તમ જાહેર શેરહોલ્ડિંગ (MPS) ધોરણો સાથે સંરેખિત થવાની યોજના ધરાવે છે.
લાઇવમિન્ટના જણાવ્યા અનુસાર, સરકાર હાલમાં આ બેંકોમાં ૯૫ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે, જ્યારે બાકીનો હિસ્સો જાહેર રોકાણકારો પાસે છે. સિકયોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ના ધોરણો મુજબ, બધી લિસ્ટેડ કંપનીઓએ ઓછામાં ઓછી ૨૫ ટકા જાહેર શેરહોલ્ડિંગ જાળવી રાખવું જરૂરી છે. નિયમનકારી આવશ્યકતાઓને ધીમે ધીમે પૂર્ણ કરવા માટે, બજારની સ્થિતિના આધારે, બેંકો નાણાકીય વર્ષ ૨૬ માં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટયૂશનલ પ્લેસમેન્ટ (QIP) ના અનેક રાઉન્ડ હાથ ધરે તેવી શકયતા છે.
સરકારે આ વર્ષે જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) ને ઇક્વિટી ઘટાડાની શકયતા શોધવા અને તેમની બજાર ઓફરનો વ્યૂહાત્મક સમય નક્કી કરવાની મંજૂરી આપી. કેટલો હિસ્સો ઘટાડવામાં આવશે અને કયારે તેનો અંદાજ તબક્કાવાર બનાવવામાં આવશે. આ વર્ષે હિસ્સો વેચાણ ભરપાઈ થયેલી ઇક્વિટી મૂડીના ૫-૧૦% ની વચ્ચે હોવાનો અંદાજ છે. આગામી થોડા વર્ષોમાં વધુ હિસ્સાનું વેચાણ કરવામાં આવશે.
શું છે સેબીનો નિયમ
બજાર નિયમનકાર સેબીએ ઓગસ્ટ ૨૦૨૪ માં તમામ લિસ્ટેડ કંપનીઓ માટે ૨૫ ટકા MPS નિયમ ફરજિયાત બનાવ્યો હતો, પરંતુ જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) ને તેનું પાલન કરવા માટે ઓગસ્ટ ૨૦૨૬ સુધીનો સમય આપ્યો છે. ભારતીય જીવન વીમા નિગમ (LIC) ને ૧૦ ટકા જાહેર શેરહોલ્ડિંગ પ્રાપ્ત કરવા માટે ૧૬ મે, ૨૦૨૭ સુધીનો સમય મળ્યો છે. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ સુધીમાં, ૧૨ જાહેર ક્ષેત્રની બેંકોમાંથી ૭ બેંકો, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, ઈન્ડિયન બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ ઈન્ડિયાએ આ નિયમનું પાલન કર્યું છે.
૫ બેંકોમાં વધુ ૨નો સમાવેશ
બેંક ઓફ મહારાષ્ટ્ર અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ હજુ સુધી આ નિયમનું પાલન કરવા માટે પગલાં લીધા નથી. સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે મૂડી આવકમાં રૂ. ૫૦,૦૦૦ કરોડનું બજેટ નક્કી કર્યું હતું, જે પાછળથી સુધારીને રૂ. ૩૩,૦૦૦ કરોડ કરવામાં આવ્યું કારણ કે અનેક વિનિવેશ અને મુદ્રીકરણ યોજનાઓ સાકાર થવામાં નિષ્ફળ ગઈ.
કઈ બેંકમાં કેટલો હિસ્સો?
સરકાર હાલમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ૯૩.૦૮ ટકા, બેંક ઓફ મહારાષ્ટ્રમાં ૭૯.૬૦ ટકા, યુકો બેંકમાં ૯૫.૩૯ ટકા, પંજાબ એન્ડ સિંધ બેંકમાં ૯૮.૨૫ ટકા અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં ૯૬.૩૮ ટકા હિસ્સો ધરાવે છે. વર્તમાન બજાર ભાવ મુજબ, આ પાંચ બેંકોમાં સરકારી હિસ્સો વેચવાથી લગભગ ૫૦,૦૦૦ કરોડ રૂપિયા એકઠા થઈ શકે છે, જેમાં એકલા ઇન્ડિયન ઓવરસીઝ બેંક જ લગભગ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું યોગદાન આપશે.(૨૩.૨૧)
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
