<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

કન્‍યા અને વરરાજા સ્‍ટેજ પર હતા : મેરેજ હોલમાં ત્રાટકયો દીપડો

લગ્ન સમારોહમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો : પોલીસની રાઈફલ ખેંચીને ભાગ્‍યો વન વિભાગની ટીમ રેસ્‍ક્‍યૂ કરવા પહોંચી તો તેમના પર પણ હુમલો કર્યો : આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્‍યો છે

લખનઉં, તા.૧૩: લખનઉંથી એક હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં બુદ્ધેશ્વર પ્‍પ્‍ લોનમાં લગ્ન સમારોહ ચાલી રહ્‍યો હતો. આ દરમિયાન, લૉનમાં દીપડો આવી ગયો હતો, જેને લઈને લગ્ન સમારોહમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોતાનો જીવ બચાવવા માટે, લોકો લૉનમાંથી બહાર આવ્‍યા અને દોડવા લાગ્‍યા હતા. માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ અને ચાર કલાકની મહેનત બાદ દીપડાનું રેસ્‍ક્‍યૂ કરવામાં આવ્‍યું હતું. બચાવ કામગીરી દરમિયાન એક દીપડાએ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર પર હુમલો કર્યો હોવાની પણ માહિતી છે.

બુધવારે રાત્રે લખનઉંના પારા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલા બુદ્ધેશ્વર એમએમ લૉનમાં લગ્ન સમારોહ ચાલી રહયો હતો. વરરાજા અને કન્‍યા સ્‍ટેજ પર હતા. એટલામાં જ એક દીપડો લૉનમાં ઘૂસી ગયો હતો. લૉનમાં ખતરનાક જંગલી પ્રાણી આવી જતાં જ, બધા પોતાનો જીવ બચાવવા માટે ગભરાટમાં ભાગવા લાગ્‍યા હતા. આ બાદ, પોલીસ અને વન વિભાગની ટીમને લૉનમાં દીપડા અંગે જાણ કરી હતી. આ મામલો પ્રકાશમાં આવતાની સાથે જ વન વિભાગના નિરીક્ષક મુકદ્દર અલી તાત્‍કાલિક ઘટનાસ્‍થળે પહોંચી ગયા હતા. જોકે, રેસ્‍ક્‍યૂ કરવા જતાં જ દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો.

દીપડો લગ્નના હોલમાં એક રૂમની છત પર હતો, જ્‍યાં વન અધિકારી મુકદ્દર અલી તેને શોધવા ગયા હતા. દીપડાના હુમલામાં ઇન્‍સ્‍પેક્‍ટરને હાથમાં ગંભીર ઈજા થઈ છે અને તેમને સારવાર માટે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. આ ઉપરાંત, દીપડાના હુમલાના ડરથી વધુ એક વ્‍યક્‍તિ ઘાયલ થયો છે. છત પર એક યુવાન હાજર હતો. આ દરમિયાન, દીપડો છત પર આવી ગયો હતો. દીપડાને જોયા પછી, યુવકે છત પરથી કૂદી પડયો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી અને દીપડાને પકડવાનો પડકાર ફેંક્‍યો હતો. દીપડો બહાર આવ્‍યો અને પોલીસ પર હુમલો કર્યો અને કોન્‍સ્‍ટેબલની રાઇફલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. જવાબમાં, સૈનિકે દીપડા પર ગોળીબાર કર્યો હતો. આ પછી દીપડો સંતાઈ ગયો હતો. થોડી વાર પછી, જ્‍યારે કાકોરી સીઓ શકીલ અહેમદના નેતૃત્‍વમાં પોલીસ દીપડાની શોધમાં આગળ વધી, ત્‍યારે દીપડાએ ફરીથી હુમલો કર્યો, જેમાં સીઓ સહિતના અધિકારીઓ પોતાનો જીવ બચાવવા ભાગવા લાગ્‍યા હતા.

વન વિભાગની ટીમે લગભગ ૪ કલાકની મહેનત બાદ સફળતા મેળવી હતી. વન વિભાગની ટીમે ૯૦ કિલો વજનનો દીપડો પકડયો છે. લખનઉંના ડીએફઓ સીતાશુ પાંડેએ જણાવ્‍યું કે, લગભગ ૪ કલાકની મહેનત બાદ દીપડાને પકડવામાં સફળતા મળી હતી. અમારે દીપડાને બે વાર હિટ કરવો પડયો, કારણ કે અમને લાગ્‍યું હતું કે, તેનું વજન ૫૦ થી ૬૦ કિલો હશે, પણ તેનું વજન ૮૦ થી ૯૦ કિલો છે. દીપડો શહેરમાં ક્‍યાંથી આવ્‍યો તે જાણી શકાયું નથી.(

(3:40 PM IST)