જયલલિતાની જપ્ત કરાયેલી મિલકત પરત કરવાની અરજી સુપ્રીમકોર્ટે ફગાવી: ભત્રીજી અને ભત્રીજાને મિલકત નહીં મળે
તમિલનાડુ સરકાર આ મિલકતોની કાયદેસર માલિક હશે અને વારસદારોના દાવાઓને માન્યતા આપવામાં આવશે નહીં

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જે જયલલિતાના કાનૂની વારસદારો દ્વારા જપ્ત કરાયેલી સંપત્તિ પરત મેળવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. શુક્રવારે કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે કાર્યવાહી સમાપ્ત થવાનો અર્થ એ નથી કે જયલલિતાને ગુનામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ કેસ અપ્રમાણસર સંપત્તિ સંબંધિત હતો, જેમાં જયલલિતાને દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેમની મિલકતો જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે આ કેસની સુનાવણી કરી. કર્ણાટક રાજ્ય વિરુદ્ધ જયલલિતા કેસમાં 2017ના ચુકાદાને ટાંકીને કોર્ટે કહ્યું કે અપીલ પેન્ડિંગ હતી ત્યારે તેમનું મૃત્યુ થયું હોવાથી કાર્યવાહી બંધ કરવામાં આવી હતી. આનો અર્થ એ ન થઈ શકે કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આખરે જયલલિતાના પક્ષમાં છે. આ આધારે, કોર્ટે મિલકતો પરત કરવાની અરજી ફગાવી દીધી.
ઉલ્લેખનીય છે કે જયલલિતાની ભત્રીજી જે દીપા અને ભત્રીજા જે દીપકે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે જયલલિતાનો કેસ હવે કાયદેસર રીતે સમાપ્ત થઈ ગયો છે, તેથી તેમની મિલકતો સરકારને ટ્રાન્સફર ન કરવી જોઈએ. જોકે, કોર્ટે આ દાવાને ફગાવી દેતા કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ કેસમાં અન્ય દોષિતોની સજાને સમર્થન આપ્યું હોવાથી, જપ્તીનો આદેશ પણ માન્ય ગણવામાં આવશે.
અગાઉ, 29 જાન્યુઆરીએ, એક ખાસ CBI કોર્ટે તમિલનાડુ સરકારને જયલલિતાની જપ્ત કરેલી મિલકતો ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. ૧૩ જાન્યુઆરીએ કર્ણાટક હાઈકોર્ટે જયલલિતાના વારસદારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધા બાદ આ આદેશ આપવામાં આવ્યો હતો. ખાસ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે આ મિલકતો ભ્રષ્ટાચાર દ્વારા હસ્તગત કરવામાં આવી હતી, તેથી તેમના પર સરકારનો અધિકાર છે. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી, એ સ્પષ્ટ થઈ ગયું છે કે તમિલનાડુ સરકાર આ મિલકતોની કાયદેસર માલિક હશે અને વારસદારોના દાવાઓને માન્યતા આપવામાં આવશે નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
