<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

ગુજરાતમાં કપાસનું ઉત્‍પાદન ઘટશે, મહારાષ્ટ્ર બનશે સૌથી મોટું ઉત્‍પાદક...

ગુજરાતમાં કપાસનું ઉત્‍પાદન પણ ૫ લાખ ગાંસડી ઘટીને ૭૫ લાખ ગાંસડી થઈ શકે છે

નવી દિલ્‍હી, તા.૧૫: ગુજરાતમાં કપાસની ખેતી મોટા પાયે છે. રાજ્‍યમાં માત્ર ચોમાસા આધારિત ખેતી કરતાં ખેડૂતો કપાસને પ્રાથમિકતા આપે છે. કપાસ ઉદ્યોગ માટે આ સીઝન પડકારજનક સાબિત થઈ રહી છે. કોટન એસોસિએશન ઓફ ઇન્‍ડિયા (CAI) એ ચાલુ સીઝન (ઓક્‍ટોબર ૨૦૨૪ થી સપ્‍ટેમ્‍બર ૨૦૨૫) માટે કપાસના ઉત્‍પાદનનો અંદાજ ઘટાડીને ૩૦૧.૭૫ લાખ ગાંસડી (૧૭૦ કિલો પ્રતિ ગાંસડી) કર્યો છે. અગાઉ એસોસિએશને ૩૦૪.૨૫ લાખ ગાંસડીનું ઉત્‍પાદન થવાનો અંદાજ વ્‍યક્‍ત કર્યો હતો. સીએઆઈએ ૧૧ રાજ્‍યોના સભ્‍યો સાથે ચર્ચા કર્યા બાદ અંદાજિત ઉત્‍પાદનમાં સુધારો જાહેર કર્યો છે. સરકાર દ્વારા રચાયેલી કપાસ ઉત્‍પાદન અને વપરાશ સમિતિએ કપાસનું ઉત્‍પાદન ૨૯૯ લાખ ગાંસડી હોવાનો અંદાજ મૂક્‍યો છે.

સીએઆઈના જણાવ્‍યા અનુસાર, પંજાબ, હરિયાણા અને રાજસ્‍થાન માટે ઉત્‍પાદન ૨.૫ લાખ ગાંસડી ઘટીને ૨૮ લાખ ગાંસડી થઈ શકે છે. ગુજરાતમાં કપાસનું ઉત્‍પાદન પણ ૫ લાખ ગાંસડી ઘટીને ૭૫ લાખ ગાંસડી થઈ શખે છે. તેલંગાણામાં ઉત્‍પાદનનો અંદાજ ૫ લાખ ગાંસડી વધારીને ૪૭ લાખ ગાંસડી કરવામાં આવ્‍યો છે. આ અંદાજ મુજબ, મહારાષ્ટ્ર ૯૦ લાખ ગાંસડીઓના ઉત્‍પાદન સાથે દેશનું સૌથી મોટું કપાસ ઉત્‍પાદક રાજ્‍ય બની રહેશે.

થોડા વર્ષો પહેલા ગુજરાત કપાસની ૧૦૦ લાખ ગાંસડીઓનું ઉત્‍પાદન કરતું હતું હવે ઉત્‍પાદનનો આંકડો ૭૫ લાખ ગાંસડી સુધી રહી શકે છે. કપાસની હાલની સ્‍થિતિ સી. એ. આઈ. ના જણાવ્‍યા અનુસાર, અત્‍યાર સુધીમાં મિલોમાં કપાસની ૧૮૮ લાખ ગાંસડીનો સ્‍ટોક છે. ઓક્‍ટોબર ૨૦૨૪ થી જાન્‍યુઆરી ૨૦૨૫ સુધી કપાસની સરેરાશ દૈનિક આવક ૧.૫૬ લાખ ગાંસડી હતી. જાન્‍યુઆરીમાં કપાસની ૫૪.૨૨ લાખ ગાંસડી વેચાઈ હતી. વેપારીઓ, મિલો અને કોટન કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા (સીસીઆઈ) પાસે કપાસનો કુલ સ્‍ટોક ૮૫.૨૬ લાખ ગાંસડી હોવાનો અંદાજ છે. દેશભરની મિલો પાસે કપાસની લગભગ ૧૦ લાખ ગાંસડીનો ચાલુ સ્‍ટોક છે ગુજરાત ટ્રાવેલ ગાઇડ.

આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોને ધ્‍યાનમાં રાખીને, CCI આ સિઝનમાં ૯૫-૧૦૦ લાખ ગાંસડી કપાસની ખરીદી કરે તેવી શક્‍યતા છે. સીએઆઈની બેલેન્‍સ શીટ અનુસાર, મુખ્‍યત્‍વે મોટા ઔદ્યોગિક એકમોની માંગને કારણે આ સિઝનમાં કપાસના વપરાશમાં ૨ લાખ ગાંસડીનો વધારો થવાની સંભાવના છે. જોકે, નાના ઉત્‍પાદકો અને બિન-કાપડ ઉદ્યોગોની માંગ સ્‍થિર રહેવાની શક્‍યતા છે. જાન્‍યુઆરીમાં, સ્‍પિનિંગ મિલો દ્વારા કપાસની ૩૦ લાખ ગાંસડીનો વપરાશ કરવામાં આવ્‍યો હતો. હાલમાં મિલોમાં કપાસની ૨૭ લાખ ગાંસડીનો સ્‍ટોક છે.

સીએઆઈએ આ વર્ષે કપાસની નિકાસનો અંદાજ ઘટાડીને ૧૭ લાખ ગાંસડી કરી દીધો છે, જે ગયા વર્ષે ૨૮.૩૬ લાખ ગાંસડી હતો. ૩૧ જાન્‍યુઆરી સુધીમાં ૮ લાખ ગાંસડીની નિકાસ કરવામાં આવી હતી. કપાસની આયાતમાં ભારે વધારો થવાની સંભાવના છે. આ સિઝનમાં કપાસની આશરે ૨૬ લાખ ગાંસડીઓની આયાત થવાની ધારણા છે, જે ગયા વર્ષે ૧૫.૨ લાખ ગાંસડી હતી. સિઝનના પહેલા ચાર મહિનામાં જ કપાસની ૧૬ લાખ ગાંસડીઓની આયાત કરવામાં આવી છે. જ્‍યારે ઉત્‍પાદનમાં ઘટાડાને ધ્‍યાનમાં રાખીને કપાસના અંતિમ સ્‍ટોક અથવા કેરીઓવર સ્‍ટોકમાં ૨૫.૯૪ લાખ ગાંસડીનો ઘટાડો થવાની સંભાવના છે.(૨૩.૨૨)

(2:47 PM IST)