<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

દિલ્‍હીથી પ્રયાગરાજનું બસ ભાડું આસમાને; એક સ્‍લિપર સીટનું ભાડું ૧૦,૦૦૦ રૂપિયા

નવી દિલ્‍હી તા.૧૭: ઉત્તર-દેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલો મહાકુંભ મેળો તેના અંતિમ તબક્કામાં છે. ૨૬ ફેબ્રુઆરીએ મહાકુંભનો અંતિમ દિવસ છે. હાલમાં, મોટી સંખ્‍યામાં લોકો રોડ અને રેલ મારફતે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. પ્રયાગરાજ માટે દોડી રહેલી સ્‍પેશિયલ ટ્રેનોમાં લોકોનો ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો પ્રાઈવેટ વાહનો મારફતે પણ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. જ્‍યારે લોકો મોંધુદાટ ભાડું ચૂકવીને પણ બસ દ્વારા મહાકુંભ જઈ રહ્યા છે.

વધુ ડિમાંડનો લાભ ઉઠાવીને બસ સર્વિસ કંપનીઓ વધુ ભાડું વસુલી રહી છે. સામાન્‍ય દિવસોની સરખામણીમાં ભાડામાં ૩ થી ૪ ગણો વધારો થયો છે. દિલ્‍હીથી પ્રયાગરાજ સુધી સ્‍લીપર બસની સીટ માટે ૧૦,૦૦૦ રૂપિયા સુધીનો ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે.

ઓનલાઈન બસ ટીકીટ એપ પર ચેક કરતા જણાયું કે રવિવારે રાત્રે દિલ્‍હીથી પ્રયાગરાજ જતી અને સવારે પ્રયાગરાજ પહોંચતી બસની સ્‍લીપર સીટ માટે ૩૫૦૦ રૂપિયા સુધી ચાર્જ કરવામાં આવી રહ્યો છે. સીટર માટે ૨,૦૦૦ રૂપિયા સુધીનું ભાડું વસૂલવામાં આવી રહ્યું હતું. ખાલી સીટની સંખ્‍યાના આધારે આ ભાડું પણ વધઘટ થયા કરે છે.

જયારે પ્રિમીયમ બસ માટે ૯,૬૦૦ રૂપિયા (સ્‍લીપર) અને ૬,૮૦૦ રૂપિયા (બેઠક) ભાડું વસુલવામાં આવી રહ્યું છે. પ્રયાગરાજથી પાછા ફરવાના બસ ભાડા પણ આસમાને પહોંચી ગયા છે.(૩૮.૨)

(10:44 AM IST)