<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

ટ્રમ્‍પની ટેરિફ પોલિસીને કારણે ભારતમાં મોંઘવારી વધશે

ભારતને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે, ઝોહોના સંસ્‍થાપક શ્રીધર વેમ્‍બુની ભવિષ્‍યવાણી

નવી દિલ્‍હી, તા.૧૭: ડોનાલ્‍ડ ટ્રમ્‍પની ટેરિફ પોલિસીના કારણે આગામી સમયમાં ભારતને મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મોંઘવારી દર પણ ઝડપથી વધવાની શકયતા છે. ઝોહોના સંસ્‍થાપક શ્રીધર વેમ્‍બુનું કહેવું છે કે અમેરિકા સંતુલિત દ્વિપક્ષીય વેપાર પર જોર આપી રહ્યું છે અને રેસિપ્રોકલ એટલે કે પારસ્‍પરિક ટેરિફની ધમકી આપી રહ્યું છે. તેનાથી ભારતને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.

વેમ્‍બુએ આગળ કહ્યું કે ભારત અમેરિકાને સોફ્‌ટવેર સેવાઓ નિકાસ કરે છે અને ચીનથી ઉપભોક્‍તા સામાન આયાત કરે છે. અમેરિકાની સાથે સરપ્‍લસ ચીનની સાથે ખાધથી વધુ છે. ભારતે ટૂંક સમયમાં દ્વિપક્ષીય વેપારને સંતુલિત કરવા માટે અમેરિકાથી પહેલા કરતાં વધુ iPhone, GPU, LPG, પરમાણુ પ્‍લાન્‍ટ, ફાઇટર પ્‍લેન, વ્‍હિસ્‍કી વગેરે આયાત કરવું પડશે. આ એડજસ્‍ટમેન્‍ટ ભારતના ચાલુ ખાતા નુકસાન પર દબાણ નાખી શકે છે જ્‍યાં સુધી ઘરેલુ ઉત્‍પાદનમાં ઝડપથી વળદ્ધિ ન થાય.

વેમ્‍બુએ કહ્યું કે ચાલુ ખાતા નુકસાનને વધવાથી રોકવા માટે ભારતે ચીનથી ઉપભોક્‍તા વસ્‍તુઓની આયાતને ઘટાડવાની રીત શોધવી પડશે અને તેનો અર્થ છે ઘરેલુ ઉત્‍પાદન વધારવું. આ રાતોરાત થઈ શકતું નથી, તેથી ટૂંકા ગાળામાં આયાતિત ઉપભોક્‍તા વસ્‍તુઓની કિંમતો વધી શકે છે, જેનાથી મોંઘવારી વધવી સ્‍વાભાવિક છે. કોરોના મહામારી બાદથી અમેરિકાની સાથે ભારતનો ટ્રેડ સરપ્‍લસ ઘણો વધી ગયો છે. ૨૦૧૯-૨૦માં ૧૭.૩૦ અબજ ડોલરથી બમણુ વધીને ૨૦૨૩-૨૪ માં આ ૩૫.૩૩ અબજ ડોલર થઈ ગયું છે. આ ફેરફારની સાથે એક્‍સપોર્ટ બાસ્‍કેટમાં પણ ઉલ્લેખનીય પરિવર્તન થયું છે.

નાણાકીય વર્ષ ૨૦૨૪માં ચીનની સાથે ભારતની વેપાર ખાધ ૮૫.૧ અબજ ડોલર સુધી પહોંચી ગઈ. જ્‍યારે એપ્રિલ અને ઓક્‍ટોબર ૨૦૨૪ ની વચ્‍ચે ચીની આયાતમાં દર વર્ષે ૯.૮%નો વધારો થયો. ચીન ભારતનું ટોપ ઈમ્‍પોર્ટ સોર્સ બનેલું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ વેપાર અસંતુલનને લઈને ચિંતિત છે. તેમણે શનિવારે એક પોસ્‍ટમાં જાહેરાત કરી કે અમેરિકા પરસ્‍પર ટેરિફ લગાવશે, જેનો અર્થ છે કે જે પણ દેશ સંયુક્‍ત રાજ્‍ય અમેરિકાથી ડ્‍યૂટી વસૂલશે, અમે તેમની પાસેથી ડ્‍યૂટી વસૂલીશું. ન વધુ, ન ઓછી!

તાજેતરમાં જ એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન ટ્રમ્‍પે ઘણી અમેરિકન વસ્‍તુઓ પર ભારતના ઉચ્‍ચ ટેરિફ દરો તરફ પણ ઈશારો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત ઘણી વસ્‍તુઓ પર ૩૦,૪૦,૬૦ અને ૭૦ ટકા ટેરિફ લગાવે છે. અમુક મામલે તેનાથી પણ વધુ. ભારત જતી અમેરિકન કારો પર ૭૦ ટકા ટેરિફ તે કારોને વેચવી લગભગ અશકય બનાવી દે છે. (રર.૧૭)

(3:28 PM IST)