<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

સ્ટોકિસ્ટો અને રિટેલર્સની વ્યાપક વેચવાલી વચ્ચે સોના-ચાંદીના ભાવમાં સર્વોચ્ચ સપાટીથી ઘટાડો

દિલ્હી ખાતે શુદ્ધ સોનુ શુક્રવારે રૂપિયા 1,300 ઉછળી રૂપિયા 89,400ની વિક્રમજનક સપાટીએ પહોંચ્યા હતા આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાનો ઔંસદીઠ ભાવ 2,900 ડોલરનું લેવલ ગુમાવ્યું

નવી દિલ્હી :રિટેલર્સ અને સ્ટોકિસ્ટ તરફથી નવેસરથી ઊંચા લેવલ પર નફારૂપી વેચવાલી કરતાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવમાં રૂપિયા 1,200નો કડાકો આવ્યો છે.

દિલ્હી ખાતે શુદ્ધ સોનુ (99.9) 10 ગ્રામ ભાવ ગત શુક્રવારે રૂપિયા 1,300 ઉછળી રૂપિયા 89,400ની વિક્રમજનક સપાટીએ પહોંચ્યા હતા, જોકે આજે ભાવ રૂપિયા 1,200 ગગડીને રૂપિયા 88,200 થયા છે. બીજી બાજુ દિલ્હી ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 1,00,000ની સપાટીને સ્પર્શ કર્યાં બાદ રૂપિયા 1,800 ગગડી રૂપિયા 98,200 થયા છે.

બજારના નિષ્ણાતોનું માનવું છે કે ઊંચા લેવલ પર કિંમતી ધાતુની માંગ ધીમી પડી છે. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાનો ઔંસદીઠ ભાવ 2,900 ડોલરનું લેવલ ગુમાવ્યું હતું. જોકે કોમેક્સ ખાતે સોનાનો વાયદો 0.49 ટકા વધી 2,896.68 આસપાર છે.

દરમિયાન અમદાવાદ ખાતે સોના અને ચાંદીમાં એકંદરે મિશ્ર હવામાન રહ્યું હતું. અમદાવાદ શુદ્ધ સોનુ 10 ગ્રામદીઠ રૂપિયા 500 ઘટી રૂપિયા 88,000, અમદાવાદ સ્ટાન્ડર્ડ સોનુ 10 ગ્રામદીઠ રૂપિયા 500 ઘટી રૂપિયા 87,700 રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદી રૂપિયા 95,000 પર સ્થિર રહી હતી.

(8:09 PM IST)