<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

‘કમળ' ભરપૂર ખીલ્‍યુઃ કોંગ્રેસની બેઠકો ઘટીઃ ‘આપ' પણ ચમકયુ

સૌરાષ્‍ટ્ર-કચ્‍છની ૩ર પાલિકાની ૭૮૬ બેઠકો માટે મતદારોનો જનાદેશઃ ભાજપનો ભગવો લહેરાયો : દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, અમરેલી, રાજકોટ, મોરબી, કચ્‍છ જીલ્લાની નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના પરિણામ જાહેર

રાજકોટ, તા. ૧૮ :  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છની ૩ર પાલિકાની બેઠકો માટે મતદાન થયા બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવતા આજે ભાજપનો ભગવો લહેરાયો છે. અને કમળ ભરપુર ખીલ્‍યુ છે જયારે કોંગ્રેસની બેઠકો ઘટી છે તો અમુક જગ્‍યાએ આમ આદમી પાર્ટી પણ ચમકી છે.

પાલિકાની ૭૮૬ બેઠકના ર૦પ૧ ઉમેદવારો સહિત નગરપાલિકા અને તાલુકા પંચાયતની ૩૬ બેઠકના પરિણામ પણ જાહેર થનાર છે.

નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને રિપીટ કરવામાં નહી આવતા અનેક જગ્‍યાએ બળવો થયો છે. તો અમુક જગ્‍યાએ નામની જાહેરાત બાદ પક્ષ દ્વારા બીજાને મેન્‍ડેટ આપવામાં આવતા બન્ને ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્‍યું છે.કુતિયાણામાં ભાજપ V/S ભાજપનો જંગ છે. ભાજપ્રને સમર્થન આપનાર ધારાસભ્‍ય કાંધલ જાડેજા અને પાલિકાના ભાજપના પ્રમુખ ઢેલીબેન ઓડેદરા વચ્‍ચે ફાઈટ-ફિનીસનો જંગ ખેલાયો હતો.

સલાયામાં મોટો ઉલટફેર,

જૂનાગઢમાં કોંગ્રેસનું નબળું પ્રદર્શન

સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્‍યા છે.   સવારે ૯ વાગ્‍યાથી મતગણતરી શરૂ થઈ ચૂકી છે. ૧૬ ફેબ્રુઆરીએ મતદાન પૂર્ણ થયું હતું. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, ૬૮ નગરપાલિકા અને ૩ તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ ૫૭ ટકા મતદાન થયું હતું. જોકે સૌથી વધુ મતદાન ચોરવાડ પાલિકામાં રેકોર્ડબ્રેક ૭૬% થયું હતું. આજે ૫૦૦૦ થી વધુ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.

જિલ્લા પંચાયતની તમામ પેટા ચૂંટણીમાં ભગવો લહેરાયો

ગુજરાત સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી સાથે ૯ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી પણ યોજવામાં આવી હતી. જેમાં તમામે તમામ નવ બેઠકો પર ભાજપની જીત થઈ છે. ભાજપે ગાંધીનગર (હાલીસા), ભરૂચ (આછોદ), દાહોદ (પિપેરો), ડાંગ (કડમાળ), અમદાવાદ (અસલાલી), અમદાવાદ (કોઠ), બોટાદ (પાળીયાદ) બેઠકો પર વિજય હાંસલ કરી છે.

જાફરાબાદમાં કોંગ્રેસના સૂપડા સાફ

અમરેલી જિલ્લાની જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. નોંધનીય છે કે, ૨૮ બેઠકમાંથી ૧૬ બેઠક પર ભાજપ પહેલાંથી જ બિનહરીફ જાહેર થયું હતું અને આજે અન્‍ય ૧૨ બેઠક પણ પોતાના કબ્‍જે કરી છે.

ચલાલા નગર પાલિકાની ચૂંટણીમાં તમામ ૬ વોર્ડમાં ભાજપ જીત્‍યો, કોંગ્રેસનો રકાસ..

ચલાલા નગર પાલિકાની ચૂંટણીમાં તમામ ૬ વોર્ડમાં ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર કરાયા છે. આ સાથે ભાજપના ૨૪ ઉમેદવારો જીતી ગયા છે અને જેના પગલે ધારાસભ્‍ય જે.વી.કાકડીયા સહિતના નેતાઓ અને કાર્યકરો મા ભારે ઉત્‍સાહ જોવા મળી રહયો છે. અહીં કોંગ્રેસ ખાલી હાથ રહી ગઇ છે.

વિજયનગર બાલેટા બેઠક પર કોંગ્રેસની જીત

સાબરકાંઠાના વિજયનગરની તાલુકા પંચાયતની બાલેટા બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે.

ખેડબ્રહ્મામાં રિકાઉન્‍ટિંગની માંગ

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વોર્ડ નંબર ૩ના અપક્ષ ઉમેદવાર રામજી પંડયાએ રિકાઉન્‍ટિંગની માંગ કરી છે. ભાજપ અને અપક્ષ વચ્‍ચે ખરાખરીનો જંગ જામ્‍યો છે. ત્‍યારે વોર્ડ નંબર ૩ માં ફક્‍ત ૩૦ મતોનું માર્જિન હોવાના કારણે રિકાઉન્‍ટિંગની માંગ કરવામાં આવી રહી છે.

તાપીના સોનગઢમાં ભગવો લહેરાયો

તાપીના સોનગઢમાં ભાજપનો ભવવો લહેરાયો છે. ૨૮ બેઠકવાળી સોનગઢ નગર પાલિકામાં ભાજપના ૧૬ ઉમેદવારોએ જીત હાંસલ કરી છે. નોંધનીય છે કે, સોનગઢ નગરપાલિકામાં પાંચ બેઠક પર ભાજપ બિનહરીફ રહી હતી.

હળવદમાં થઈ બબાલ

હળવદ વોર્ડ નંબર.૩ નું પરિણામ જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્‍ચે બબાલ થઈ હતી. માહોલ ઉગ્ર બનતા પોલીસે સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો.

ગઢડા નગરપાલિકામાં ભાજપની જીત

ગઢડા નગરપાલિકા વોર્ડ નંબર ૩ની મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ભાજપની કુલ ૮ બેઠકો પર જીત થઈ છે. નોંધનીય છે કે, ચાર બેઠક પર પર ભાજપના ઉમેદવાર પહેલાંથી જ બિન હરીફ જાહેર થયા હતાં.

દ્વારકાના સલાયામાં ઉલટફેર

દ્વારકાના સલાયામાં જોરદાર ઉલટફેર જોવા મળ્‍યો. અહીં આપના ૮ ઉમેદવારો જીતી ગયા છે. જોકે ભાજપ અને કોંગ્રેસના હાથમાં હજુ કંઇ આવતું દેખાતું નથી.

ચાણસ્‍મા વોર્ડ નંબર ૧માં કોંગ્રેસની પેનલ જીતી

હળવદમાં વોર્ડ નંબર ૧માં ભાજપના ૩ અને કોંગ્રેસના એક ઉમેદવારનો વિજય થયો છે ત્‍યારે ચાણસ્‍મામાં વોર્ડ નંબર ૧ માં કોંગ્રેસની પેનલ જીતી જતાં ખાતું ખુલી ગયું છે.

બોરિયાવી નગરપાલિકાના વોર્ડ નંબર ૧ ભાજપના ૩ અને કોંગ્રેસના ૧ ઉમેદવારને જીત મળી હતી.

આંકલાવ નગરપાલિકા વોર્ડ નંબર ૧ માં ભાજપના ૧ અને અપક્ષના ૩ ઉમેદવારો જીત્‍યાં છે.

છોટાઉદેપુર ન.પા.વોર્ડ નંબર ૧ માં ૧ કોંગ્રેસ અને ૩ અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે.

ધરમપુર વોર્ડ નંબર ૧માં ચારેય અપક્ષ ઉમેદવારની પેનલ જીતી

ધરમપુરમાં ભાજપ અને કોંગ્રેસને પછાડી વોર્ડ નંબર ૧ માં અપક્ષના ઉમેદવારોએ શાનદાર વિજય પ્રાપ્‍ત કર્યો છે.

જૂનાગઢ મહા.ન.પા.ના વોર્ડ નંબર ૧૩ માં ભાજપ વિજયી

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૩ માં પણ ભાજપની પેનલ જીતી જતાં ભાજપનો કુલ આંકડો હવે ૨૦ પર પહોંચી ગયો છે.

ગાંધીનગરમાં રૂપાલ તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસનો વિજય

તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે ખાતું ખોલતાં ગાંધીનગરના રુપાલમાં વિજયી શરૂઆત કરી છે. અહીં કોંગ્રેસની પેનલ જીતી ગઈ છે. જ્‍યારે ગાંધીનગરમાં તાલુકા પંચાયતની બે બેઠક પર ભાજપ જીત્‍યો છે. રાયપુર તાલુકા પંચાયતની બેઠક ભાજપ જીતી ગયો છે.

જૂનાગઢના વોર્ડ નંબર ૫ અને ૧માં ભાજપની પેનલ જીતી ચારેય ઉમેદવારો જીત્‍યાં

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજયરથ જારી છે. હજુ સુધી કોંગ્રેસનું ખાતું ખુલ્‍યું નથી. વોર્ડ નંબર ૫માં અને ૧માં વિજય સાથે ભાજપના ખાતામાં ૧૬ બેઠકો આવી ચૂકી છે. કુલ બેઠકો ૬૦ છે.

બાવળા ન.પા.માં કોંગ્રેસના બે ઉમેદવાર જીત્‍યાં

બાવળા નગરપાલિકાના વોર્ડ નંબર ૧ માં કોંગ્રેસના ૨ અને ભાજપના ૨ ઉમેદવારો જીત્‍યાં હતા.

સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-૧માં ભાજપની પેનલ જીતી

સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-૧માં ભાજપની પેનલનો વિજય થયો હતો. તે સિવાય માણસા નગરપાલિકાની વોર્ડ- નંબર ૧માં પણ ભાજપની પેનલ જીતી છે.

લુણાવાડા-બાલાસિનોરમાં ભાજપની વિજયી શરૂઆત

લુણાવાડા અને બાલાસિનોરમાં ભાજપની પેનલ આગળ છે. સંતરામપુરના વોર્ડ નંબર-૧માં ભાજપની પેનલ આગળ નીકળી ગઈ છે.

ખાનપુર-કનોડ તાલુકા પંચાયતમાં પંજો આગળ

ખાનપુર-કનોડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ભાણવડની ૨૪ પૈકી ૮ બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા હતા. 

કુતિયાણા નગરપાલિકાના વોર્ડ-૧માં ભાજપની પેનલ જીતી

બીજી બાજુ કુતિયાણા નગરપાલિકાના વોર્ડ-૧માં ભાજપના ચારેય ઉમેદવાર જીતી ગયા છે.

વલસાડમાં પણ ભગવો

વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર-૧માં ભાજપની પેનલ જીતી. જ્‍યારે જૂનાગઢના વંથલીમાં વોર્ડ નંબર-૧માં ભાજપના ચારેય ઉમેદવાર વિજયી થયા.

હાલોલ નગરપાલિકામાં વોર્ડ નંબર-૧માં ભાજપની પેનલ જીતી

સ્‍થાનિક એકમોની ચૂંટણીના અત્‍યાર સુધીના પરિણામો અનુસાર ખેડબ્રહ્માં વોર્ડ નંબર-૧માં ભાજપની પેનલ એટલે કે ચારેય ઉમેદવાર વિજયી બન્‍યા છે. જ્‍યારે હાલોલ નગરપાલિકામાં વોર્ડ નંબર-૧માં પણ ભગવો લહેરાયો છે.

ગાંધીનગરમાં શું છે સ્‍થિતિ?

ગાંધીનગર તાલુકા પંયાયતની રાયપુર બેઠક પર ભાજપે વિજયી શરૂઆત કરી.

જામજોધપુરના વોર્ડ નંબર-૧માં ભાજપનો વિજય

ચોરવાડ નગરપાલિકામાં પહેલો વોર્ડ ભાજપે જીત્‍યો હતો. જામજોધપુરના વોર્ડ નંબર-૧માં ભાજપની પેનલનો વિજય થયો હતો.

અમરેલીના ચલાલામાં

ભાજપની જીત 

અમરેલીના ચલાલામાં વોર્ડ નંબર-૧માં ભાજપની જીત થઇ છે. ૨૪ બેઠકની ચલાલા નપામાં ૪ બેઠક પર જીત સાથે ભાજપે ખાતુ ખોલ્‍યું હતું.

સાબરકાંઠામાં ભાજપની

વિજયી શરૂઆત

સાબરકાંઠાના પ્રાંતિજમાં વોર્ડ નં-૧માં ભાજપની જીત થઇ હતી. તલોદના વોર્ડ નંબર-૧માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્‍યા હતા. કોડીનારમાં વોર્ડ નંબર-૧માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્‍યા હતા.

માણસા નગરપાલિકામાં વોર્ડ નંબર-૧ પર ભાજપની જીત

લુણાવાડામાં વોર્ડ નંબર-૧માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્‍યા હતા. ધ્રોલ નપામાં વોર્ડ નંબર-૧માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્‍યા હતા. માણસા નગરપાલિકાની વોર્ડ નંબર-૧માં ભાજપની પેનલનો વિજય થયો હતો. સાણંદ નપામાં વોર્ડ નંબર-૧માં ભાજપની પેનલની જીત થઇ હતી.

સાણંદ નગરપાલિકાના વોર્ડ નંબર ૧માં ભાજપની જીત

જામજોધપુરના વોર્ડ નંબર ૧માં ભાજપની પેનલ જીતી

કોડીનારમાં ભાજપની પેનલ જીતી

સાબરકાંઠાના પ્રાંતિજમાં વોર્ડ નંબર ૧ માં ભાજપનો વિજય

માણસા નપાના વોર્ડ નંબર ૧ માં ભાજપનો વિજય

તલોદના વોર્ડ નંબર ૧ માં ભાજપનો વિજય

તાપીના સોનગઢ વોર્ડ નંબર ૧માં ભાજપની પેનલ જીતી, ૨૮ બેઠકવાળી સોનગઢ નગર પાલિકામાં ૪ ઉમેદવારોની જીત સાથે ખાતું ખુલ્‍યું. 

ઓછું મતદાન ચિંતાનો વિષય

જૂનાગઢ મહાનગરપાલિકા ઉપરાંત ૬૬ નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ૭૦થી વધુ બેઠકોની ચૂંટણીનું આજે પરિણામ આવશે. વિધાનસભા, લોકસભાની ચૂંટણી બાદ ફરી ગુજરાતની જનતા શું જનાદેશ આપશે તે આજે નક્કી થઇ જશે. રવિવારે યોજાયેલી ચૂંટણીમાં મતદારો નિરસ દેખાયા હતા. જેના લીધે રાજકીય પક્ષોના નેતા-કાર્યકરો ચિંતિત દેખાઇ રહ્‍યા છે. પરિણામમાં ઉલટફેરની આશંકાને નકારી ના શકાય. ઓછું મતદાન કોને ફળશે તે હજુ નક્કી કહી ના શકાય.

કેટલી બેઠકો બિનહરિફ રહી?

પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ૫૦૮૪ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ છે ત્‍યારે ૧૬૭૭ જન પ્રતિનિધિઓની આજે પસંદગી થઇ જશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી યોજાય તે પહેલા નગરપાલિકામાં ભાજપની ૧૫૦ બેઠકો બિનહરિફ જાહેર કરાઈ હતી. આ ઉપરાંત જૂનાગઢ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની ૯ બેઠકો બિનહરિફ જાહેર કરાઈ હતી. જોકે કોંગ્રેસની માત્ર ૩ બેઠક બિનહરિફ રહી હતી જ્‍યારે ભાજપના ૨૧ મુસ્‍લિમ ઉમેદવારો પણ બિનહરિફ રહ્‍યા છે.

૫૦૮૪ ઉમેદવારો મેદાનમાં

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં આ વખતે ૫૦૮૪ ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા હતા. જ્‍યારે કુલ ૩૬,૭૧, ૪૭૯ મતદારોએ મતાધિકારનો પ્રયોગ કર્યો હતો.

૪ નગરપાલિકામાં ભાજપ બિનહરિફ

ઉલ્લેખનીય છે કે ૪ નગરપાલિકામાં વિપક્ષ કોણ બનશે તે નક્કી કરવા માટે જ મતદાન કરવામાં આવ્‍યું હતું. કારણ કે આ ૪ નગરપાલિકામાં મતદાન પહેલાં જ ભાજપને બહુમતી મળી ગઈ હતી. બિનહરીફ બેઠકો જીતી ભાજપ બહુમતીમાં આવી ગયો હતો. જેમાં ભચાઉ, બાંટવા, જાફરાબાદ, હાલોલ બેઠકનો સમાવેશ થાય છે.

(3:31 PM IST)