<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

વેલેન્‍ટાઈન ડે પર ગર્લફ્રેન્‍ડને ચોરી કરેલી સ્‍કૂટી ગિફ્‌ટમાં પકડાવી દીધી

ગજબનો બોયફ્રેન્‍ડઃ હરિયાણાના અંબાલામાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો દુર્ઘટનામાં યુવતી ઈજાગ્રસ્‍ત થઈ ગઈ અને બાદમાં આખી ઘટનાનો ખુલાસો થયો

અંબાલા તા.૧૮: હરિયાણાના અંબાલામાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. જેમાં એક યુવકે પોતાની પ્રેમિકાને વેલેન્‍ટાઈન ડે પર ચોરી કરેલી સ્‍કૂટી ગિફ્‌ટમાં આપી હતી. આ ઘટના ત્‍યારે સામે આવી જ્‍યારે યુવતી પોતાની બહેનપણીઓ સાથે સ્‍કૂટી પર ફરી રહી હતી અને અચાનક એક દુર્ઘટના થઈ ગઈ.

આ દુર્ઘટનામાં યુવતી ઈજાગ્રસ્‍ત થઈ ગઈ અને બાદમાં આખી ઘટનાનો ખુલાસો થયો. ઘટના અંબાલાના કેન્‍ટ વિસ્‍તારની છે. યુવતી પોતાની સ્‍કૂટીથી બહેનપણીઓ સાથે કેન્‍ટની આજુબાજુમાં ફરી રહી હતી. આ દરમિયાન એક કારે તેને પાછળથી ટક્કર મારી દીધી, જેનાથી સ્‍કૂટી રસ્‍તા પર પડી ગઈ અને યુવતી ઘાયલ થઈ ગઈ. દુર્ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ ઘટનાસ્‍થળે આવી ગઈ.

યુવતીને ઘાયલ અવસ્‍થામાં કેન્‍ટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્‍યાં તેની સારવાર કરવામાં આવી. બાદમાં તેને રજા આપવામાં આવી. પોલીસે જ્‍યારે ઘટનાની તપાસ શરૂ કરી, તો યુવતી સાથે પૂછપરછ કરી. પૂછપરછમાં યુવતીએ પોલીસને જણાવ્‍યું કે, આ સ્‍કૂટી તેને દોસ્‍તે ગિફ્‌ટમાં આપી છે.

સ્‍કૂટી ચોરીની આ ઘટના ૨૮ જાન્‍યુઆરીએ થઈ હતી. પોલીસે હવે આરોપી યુવકની શોધખોળ શરૂ કરી છે. આ ખુલાસા બાદ પોલીસે યુવતીની ધરપકડ કરી છે, જેથી આરોપીઓ સુધી પહોંચી શકાય. અંબાલા કેન્‍ટના રહેવાસી અમરજીત સિંહે ૩૦ જાન્‍યુઆરીના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અમરજીતે જણાવ્‍યું કે, ૨૮ જાન્‍યુઆરીએ તે પોતાની સ્‍કૂટી લઈને સુભાષ પાર્ક ગયો હતો. તેણે પોતાની સ્‍કૂટી પાર્કના ગેટ નંબર ૨ પર ઊભી રાખી અને થોડી વાર આંટા મારવા ગયો. લગભગ ૨૦ મિનિટ બાદ જ્‍યારે તે પાછો આવ્‍યો તો તેની સ્‍કૂટી ત્‍યાંથી ગાયબ થઈ ગઈ હતી. પોલીસે આ મામલાને ગંભીરતાથી તપાસ શરૂ કરી અને હવે આ ચોરી થયેલી સ્‍કૂટીનું રહસ્‍ય ખુલ્‍યું છે.

આ ઘટનાથી એ સ્‍પષ્ટ થઈ ગયું છે કે યુવતીને જે સ્‍કૂટી ગિફ્‌ટમાં મળી હતી, તે ચોરીની હતી. હવે પોલીસે આરોપી યુવકની તલાશીમાં લાગી ગઈ છે. આ ઘટનાથી એ શીખ મળે છે કે, તપાસ કર્યા વિના કોઈની પણ પાસેથી આવી વસ્‍તુઓ ગિફ્‌ટમાં ન લેવી જોઈએ

(11:52 AM IST)