News of Tuesday, 18th February 2025
અમરેલીના મોટા મુજીયાસર ગામમાં એક વર્ષમાં થઈ ૩૮૧ લગ્નની નોંધણી
લવ જેહાદની પણ આશંકા : દરરોજના એક કરતાં વધુ લગ્ન નોંધણીની વાત તંત્રના ધ્યાનમાં આવતાં ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને રેકોર્ડ જપ્ત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

મુંબઇ તા.૧૮: બગસરાનું મોટા મુંજીયાસર ગામ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આ ગામમાં એક જ વર્ષમાં ૩૮૧ લગ્ન નોંધાણી થઈ હતી, એટલે કે દરરોજના એક કરતાં વધુ લગ્ન નોંધણીની વાત તંત્રના ધ્યાનમાં આવતાં ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને રેકોર્ડ જપ્ત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે આવેલા ખોડિયાર મંદિરે લોકોના લગ્ન કરી નોંધણી કરવામાં આવતી હતી. એક જ વર્ષમાં અહીં ૩૮૧ લગ્નની નોંધણી થઈ હોવાની માહિતી સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. નાયબ જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં રેકોર્ડ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં કુલ ૩૮૧ નોંધણી મળી આવી હતી. સૂત્રોના કહેવા મુજબ, જિલ્લામાંથી ઘણી દીકરીઓને વિધર્મી દ્વારા ભોળવીને ભગાડી જવામાં આવે છે. લગ્નનું નાટક કર્યા બાદ થોડા દિવસ સુધી ફેરવીને અસલી રૂપ બતાવવામાં આવે છે. જેને લઈ અહીં નોંધાયેલા કેટલાક કિસ્સામાં લવ જેહાદની આશંકા છે.
આ ઉપરાંત ઘણા લગ્નની નોંધણી બીજા જિલ્લાના વર-વધૂ હોય તેવા કિસ્સામાં પણ થઈ છે. મોટાભાગના લગ્ન એક જ મંદિરમાં થયા હોવાથી અનેક શંકા-કુશંકા થઈ રહી છે. બીજા જિલ્લાના લોકો બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામમાં જ લગ્નની નોંધણી માટે કેમ આવે છે તે પણ તપાસનો વિષય છે અને આવા લગ્ન નોંધણીમાં લવ જેહાદના કિસ્સા છે કે તેમ તેની પણ તપાસ કરવી જરૂરી છે. આ ઉપરાંત મોટાભાગના લગ્નમાં એક જ પૂજારી અને એક જ સાક્ષીઓ વારંવાર રીપિટ થયા હોવાનું જાણવા મળ્યું હતું.
ટીડીઓ તુષાર ગજેરાએ આ અંગે જણાવ્યું, લગ્ન નોંધણી ગ્રામ પંચાયત કચેરી દ્વારા થાય છે. અમે માત્ર રેકોર્ડ ચેક કરીએ છીએ. હાલ નોંધાયેલા લગ્નના રેકોર્ડની ચકાસણી કરી રહ્યા છીએ.
તલાટી મંત્રીને આ અંગે પૂછવામાં આવતાં તેમણે લગ્ન નોંધણીની સત્તા હોદ્દાની રૂએ મળી છે તે અન્વયે કરી છે તેમ જણાવ્યું હતું. જોકે તેમણે માત્ર આ ગામમાં જ કેમ લગ્નની નોંધણી કરી, ઉપલા અધિકારીને જાણ કરી છે કે નહીં, લગ્નની તપાસ કરી છે કે નહીં તે અંગે કંઈ કહેવાનું ટાળ્યું હતું.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
