News of Wednesday, 19th February 2025
કુલ ૬૨ નગરપાલિકામાં ભાજપે મેળવી સ્પષ્ટ બહુમતી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો : ૬૬ નગરપાલિકાના કુલ ૧૮૪૦ જેટલા બેઠકોની ચૂંટણી હતી : જેમાં ભાજપે ૧૩૪૧ બેઠકો ઉપર જીત હાંસલ કરી

નવી દિલ્હી, તા.૧૯: ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સપાટો બોલાવ્યો છે. ૧૬ ફેબ્રુઆરીના રોજ ૬૬ નગરપાલિકા, જુનાગઢ મહાનગરપાલિકા તેમજ કપડવંજ, કઠલાલ અને ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ મેદાન માર્યું હોય તે પ્રકારના પરિણામો આવ્યા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો ભારતીય જનતા પાર્ટીને ૬૨ નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી -ાપ્ત કરી છે. જ્યારે સમાજવાદી પાર્ટીની કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી પરિણામોમાં જોવા મળી છે. ૬૬ નગરપાલિકાના કુલ ૧૮૪૦ જેટલા બેઠકોની ચૂંટણી હતી. જેમાં ભાજપે ૧૩૪૧ બેઠકો ઉપર જીત હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસના ૨૫૩ જેટલા બેઠકો પર વિજય મેળવ્યો છે.
આ ઉપરાંત સમાજવાદી પાર્ટી, સમાજ પાર્ટી તેમજ અપક્ષ સહિતના અન્ય પક્ષોએ ૯૬ બેઠકો પર જીત મેળવી છે. જુનાગઢ મહાનગરપાલિકાની કુલ ૬૦ બેઠકોમાંથી ભાજપે ૪૮ બેઠકો જીતી બાકીની બેઠકો પર કોંગ્રેસે જીત હાંસલ કરી છે. ૬૬ નગરપાલિકાઓ પૈકી ભાજપે અમદાવાદ જિલ્લાની સાણંદ અને ધંધુકા બેઠક ઉપર વિજય હાંસલ કર્યો છે.
અમરેલી જિલ્લામાં જાફરાબાદ, લાઠી, ચલાલા નગરપાલિકામાં ભાજપે જીત મેળવી છે. કચ્છ જિલ્લામાં સમાવિષ્ટ ભચાઉ અને રાપર નગરપાલિકા તો ચૂંટણી પહેલા જ સ્પષ્ટ ભાજપે બહુમતી પ્રાપ્ત થઈ ચૂકી છે. ખેડા જિલ્લામાં સમાવેશ ચકલાસી અને મહેમદાવાદ નગરપાલિકામાં પણ ભાજપે જીત મેળવી છે. જામનગર જિલ્લામાં આવતી ધ્રોલ, જામજોધપુર, કાલાવડ નગરપાલિકામાં ભાજપે જીત મેળવી છે.
જુનાગઢ જિલ્લામાં માણાવદર, વિસાવદર, બાટવા નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી ભાજપને મળી છે. ગાંધીનગર જિલ્લાની કલોલ અને માણસા નગરપાલિકામાં પણ ભાજપે જીત હાંસલ કરી છે. ભાવનગર જિલ્લામાં આવતી ગઢડા, સિહોર, ગારીયાધાર, તળાજા નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત થઈ છે. મહેસાણા જિલ્લામાં આવતી વડનગર, ખેરાલુ નગરપાલિકામાં પણ ભાજપે જીત હાંસલ કરી છે.
રાજકોટ જિલ્લાની ધોરાજી, ઉપલેટા, જસદણ અને ભાયાવદર નગરપાલિકા પણ ભાજપે જીત હાંસલ કરી છે. આજે આવેલા નગરપાલિકાના પરિણામોમાં કોંગ્રેસ પાસેથી પણ ભાજપે રાજુલા, મહુધા, ચોરવાડ, વંથલી અને રાધનપુર નગરપાલિકામાં પણ જીત હાંસલ કરી લીધી છે. જોકે સાત જેટલી નગરપાલિકામાં કોંગ્રેસ ખાતું સુદ્ધા ખુલ્યું નહીં. આમ ફરી એકવાર ભાજપે મેદાન માર્યું છે.(૨૩.૩)
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
