News of Wednesday, 19th February 2025
દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાનું નામ પ્રબળ દાવેદાર
જાણો કોણ છે રેખા ગુપ્તા ? શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારો સાથે સંકળાયેલા છે,: દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે પણ કાર્ય કર્યું છે.

નવી દિલ્હી :દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે. ત્યારે સૌની નજર ભાજપ કોણે દિલ્હીના મુખ્યમંત્રી બનાવે છે તેના પર રહેલી છે. દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાનું નામ પ્રબળ દાવેદાર તરીકે સામે આવ્યું છે
રેખા ગુપ્તાએ શાલીમાર બાગ બેઠક પરથી જીત મેળવી છે. રેખા ગુપ્તાએ તેમની રાજકીય સફર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે શરૂ કરી હતી અને દિલ્હી યુનિવર્સિટી (DU)ના સચિવ તરીકે સેવા આપી છે. તેઓ દિલ્હી ભાજપના મહાસચિવ અને મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પણ કાર્યરત રહી ચુક્યા છે. તેમણે દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે પણ કાર્ય કર્યું છે. આ ઉપરાંત, રેખા ગુપ્તા શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારો સાથે સંકળાયેલા છે, જે તેમને મુખ્યમંત્રી પદ માટે એક મજબૂત ઉમેદવાર બનાવે છે.
રેખા ગુપ્તાનો પરિવાર હરિયાણાના જીંદ જિલ્લાના જુલાનામાં વ્યવસાય સાથે જોડાયેલો છે. તેમની શૈક્ષણિક સફર દિલ્હીથી શરૂ થઈ હતી. તેમના પિતા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં નોકરી કરતા હતા, જેના કારણે તેમનો પરિવાર દિલ્હી સ્થાયી થયો. રેખા ગુપ્તાના દાદા, મણિરામ જિંદાલ, હજુ પણ તેમના વતન ગામમાં રહે છે. રેખા ગુપ્તા સમયાંતરે તેમના ગામની મુલાકાત લઈ પરિવારના વ્યવસાયમાં મદદ કરે છે.
રેખા ગુપ્તા વૈશ્ય સમુદાયના છે, જે દિલ્હીમાં એક મહત્વપૂર્ણ વોટ બેંક ધરાવે છે. વૈશ્ય સમુદાયને ભાજપનો પરંપરાગત સમર્થક માનવામાં આવે છે. હાલ દેશમાં ભાજપ પાસે કોઈ મહિલા મુખ્યમંત્રી નથી, અને તેવામાં આ સંકેત છે કે રેખા ગુપ્તાનું નામ મુખ્યમંત્રી પદ માટે સૌથી મજબૂત દાવેદાર છે. તેમના રાજકીય અનુભવ, લોકપ્રિયતા અને સમુદાયમાં મજબૂત પકડને ધ્યાનમાં રાખીને, ભાજપ તેમને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરી શકે છે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
