News of Wednesday, 19th February 2025
CBSEનો મોટો નિર્ણય : વર્ષમાં બે વાર ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓનું આયોજન કરાશે
ધોરણ 10ની આ પરીક્ષા 2026-2027 દરમિયાન વર્ષમાં બે વાર લેવામાં આવશે. સંલગ્ન 260 વિદેશી શાળાઓ માટે વૈશ્વિક અભ્યાસક્રમ શરૂ કરશે

નવી દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) શૈક્ષણિક વર્ષ 2026-2027થી વર્ષમાં બે વાર ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓનું આયોજન કરશે. આ સાથે, સંલગ્ન 260 વિદેશી શાળાઓ માટે વૈશ્વિક અભ્યાસક્રમ શરૂ કરશે.
આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વૈશ્વિક અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોરણ 10ની આ પરીક્ષા 2026-2027 દરમિયાન વર્ષમાં બે વાર લેવામાં આવશે.
આ સાથે CBSE 260 સંલગ્ન વિદેશી શાળાઓ માટે વૈશ્વિક અભ્યાસક્રમ શરૂ કરશે. આ સંદર્ભમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત ભણતરનું વાતાવરણ ઊભું કરવું એ સરકારનું એક મહત્ત્વનું ફોકસ છે.
એક્ઝામિનેશન ઈમ્પ્રૂવમેન્ટ અને રિફોર્મ એ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આને આગળ વધારતા, વર્ષમાં બે વાર CBSE પરીક્ષાઓનું સંચાલન પર સચિવ શાળા શિક્ષણ, મંત્રાલય સાથે CBSE અધ્યક્ષ અને CBSE ના અન્ય અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. હવે તેનો ડ્રાફ્ટ સ્કીમ ટૂંક સમયમાં CBSE દ્વારા જાહેર પરામર્શ માટે મૂકવામાં આવશે.
CBSE બોર્ડે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ આ સંબંધિત માહિતી આપી છે. તેમાં DoSEL, સેક્રેટરી ER, MEA, NCERT, KVS, CBSE, NVSના વડાઓ તેમજ ગ્લોબલ સ્કૂલો સાથે સંકળાયેલા લોકોએ હાજરી આપી હતી. શિક્ષણ મંત્રાલય દ્વારા નવી શિક્ષણ નીતિના અમલીકરણ અંગે જાહેરાત કરવામાં આવી હતી કે બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે.
બોર્ડની પરીક્ષાઓને કારણે થતા તણાવને ઘટાડવા માટે વિદ્યાર્થીઓને બે તક આપવામાં આવશે. આ પછી શ્રેષ્ઠ સ્કોર માન્ય કરવામાં આવશે. તે જ સમયે, ઉમેદવારોએ બંને વખત પરીક્ષામાં હાજર રહેવાની જરૂર રહેશે નહીં. હવે આવી સ્થિતિમાં બોર્ડ દ્વારા આ અંગેની કામગીરી ઝડપથી આગળ ધપાવવામાં આવી રહી છે. હાલમાં બોર્ડ દ્વારા પરીક્ષાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે માર્ચ-એપ્રિલ સુધી ચાલશે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
