News of Friday, 21st February 2025
પ્રેમનો અનુભવ દરેક વ્યક્તિને થવો જોઈએઃ કિશોરોને ભાવનાત્મક જોડાણો બનાવવાનો અધિકાર છે
કોર્ટે કિશોર અવસ્થામાં પાંગરતા પ્રેમનું કર્યુ સમર્થનઃ કિશોર અવસ્થામાં યુવાનો વચ્ચે પ્રેમનો સ્વીકાર કરવા માટે કાનૂન બનાવવો જોઈએ

નવી દિલ્હી,તા૨૧: દિલ્હી હાઇ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું, ૧૮ વર્ષથી મોટી વયના યુવાનોએ દુષ્કર્મના કાનૂનથી ડર્યા વગર રોમાન્ટિક અને સહમતિથી બાંધવામાં આવેલા સંબંધમાં સામેલ થવાની સ્વતંત્રતા હોવી જોઈએ. હાલના કાયદા મુજબ, રિલેશનશિપ દરમિયાન કોઈપણ વ્યક્તિ ૧૮ વર્ષથી ઓછી ઉંમરના હોય અને શરીર સંબંધ બાંધે તો તેને ગુનો ગણવામાં આવે છે.
ન્યાયાધીશ જસમીત સિંહની બેંચે આ મામલે વાત કરતાં કહ્યું, કિશોર અવસ્થામાં છોકરા-છોકરી વચ્ચે સહમતિથી બનાવવામાં આવેલા શારીરિક સંબંધોને પણ ગુનો માનવામાં આવે છે અને તેમાં પોક્સો અંતર્ગત દંડ પણ થાય છે. જેના પર અભિપ્રાય આપતાં ન્યાયાધીશે કહ્યું, કિશોર અવસ્થામાં યુવાનો વચ્ચે પ્રેમનો સ્વીકાર કરવા માટે કાનૂન બનાવવો જોઈએ. ન્યાયાધીશે કહ્યું, મારું માનવું છે કે સમાજ અને કાનૂન બંનેએ યુવા વ્યક્તિઓનો રોમાન્ટિક સંબંધમાં સામેલ થવા પર ભાર આપવો જોઈએ. તેમણે કહ્યું કે, છોકરો કે છોકરીનું ન તો કોઈ શોષણ કરે અને ન તો કોઈ સાથે દુર્વ્યવહાર થાય તેવો આ સંબંધ એવો હોવો જોઈએ.
કોર્ટે કહ્યું, પ્રેમનો અનુભવ દરેક વ્યક્તિને થવો જોઈએ. કિશોરોને ભાવનાત્મક જોડાણો બનાવવાનો અધિકાર છે. આ સંબંધોને સ્વીકારવા અને આદર આપવા માટે કાયદો વિકસાવવો જોઈએ. આ સંબંધોને સ્વીકારવાની શરત એ હોવી જોઈએ કે તેઓ સંમતિથી હોય અને તેમાં કોઈ બળજબરીન હોય. કોર્ટે કહ્યું કે જ્યારે સગીરોના રક્ષણ માટે સંમતિની કાયદેસર ઉંમર ૧૮ વર્ષ છે. સંમતિથી સંબંધોને ગુનાહિત બનાવવાને બદલે, કાયદાએ આ સંબંધોમાં શોષણ અને દુરુપયોગને રોકવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કાનૂની વ્યવસ્થાએ યુવાનોની સલામતી સુનિヘતિ કરતી વખતે તેમના પ્રેમના અધિકારનું રક્ષણ કરવું જોઈએ. કિશોરવયના સંબંધો સાથે સંકળાયેલા કેસોમાં સજાને બદલે સમજણને મહત્ત્વ આપવું જોઈએ.
માર્ચ ૨૦૨૪માં આંધ્રપ્રદેશ હાઈ કોર્ટે પોક્સો કેસમાં નોંધાયેલા ૨૧ વર્ષના યુવકને જામીન આપ્યા હતા અને કહ્યું હતું કે કોર્ટ કિશોરવયના પ્રેમને નિયંત્રિત કરી શકતી નથી. જુલાઈ ૨૦૨૪માં અલ્હાબાદ હાઈ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે સંમતિથી રોમેન્ટિક સંબંધોમાં કિશોરો સામે પોસ્કો એક્ટનો દુરુપયોગ થઈ રહ્યો છે.
દિલ્હી હાઈ કોર્ટે ૨૦૧૪માં એક કેસ દરમિયાન આ ચુકાદો આપ્યો હતો. વર્ષ ૨૦૧૪માં એક પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની ૧૨મા ધોરણની વિદ્યાર્થિની દીકરી ટયુશન ક્લાસમાં ગઈ હતી અને તે પછી ઘરે પરત ન આવી. બાદમાં યુવતીએ એક છોકરા સાથે લગ્ન કર્યા હતા. છોકરાની ઉંમર ૧૮ વર્ષથી વધુ હતી. છોકરા સામે પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ટ્રાયલ કોર્ટે આરોપીઓને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા, જેના પગલે રાજ્યએ હાઈ કોર્ટમાં અપીલ દાખલ કરી. સુ-ીમ કોર્ટે ૩૦ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ રાજ્યની અપીલને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે છોકરીએ તેની જુબાનીમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આરોપી સાથેના તેના સંબંધો સંમતિથી હતા. કોર્ટે એમ પણ કહ્યું હતું કે છોકરીની ચોક્કસ ઉંમરમાં વિસંગતતા હતી અને ઘટના સમયે તે ૧૬-૧૭ વર્ષની હતી.
કોર્ટે જણાવ્યું હતું કે છોકરીની ઉંમરના ચોક્કસ પુરાવા વિના, ખાસ કરીને જ્યારે તે ઘટના સમયે પુખ્ત વય (૧૮ વર્ષ) કરતા માત્ર બે વર્ષ નાની હતી ત્યારે પોક્સો એક્ટ હેઠળ આરોપીઓને દોષિત ઠેરવવા માટે કડક હશે. જો કે, એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે જો ઘટના સમયે છોકરીની ઉંમર ૧૪-૧૫ વર્ષની હોય તો આ સિદ્ધાંત લાગુ નહીં થાય. આવા કેસમાં પોક્સો એક્ટની જોગવાઈઓને અવગણના કરવી તે ન્યાયની નિષ્ફળતા સમાન છે.
આ પહેલા ઓક્ટોબર ૨૦૨૩માં, કોલકાતા હાઈ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે પોસ્કો એક્ટ કિશોરો વચ્ચે સંમતિથી બાંધવામાં આવેલા શરીર સંબંધ જાતીય ગુનાઓ સાથે અયોગ્ય રીતે સાંકળે છે. તે જ સમયે, કોર્ટે કહ્યું હતું કે આ કાયદામાં સુધારો થવો જોઈએ અને ૧૬ વર્ષથી વધુ ઉંમરના કિશોરોની સંમતિથી જાતીય સંબંધ બાંધવો એ ગુનો ગણવો જોઈએ નહીં. ૨૦૨૧માં મદ્રાસ હાઈકોર્ટ દ્વારા પણ આવો જ અભિપ્રાય આપવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૨૪માં કર્ણાટક હાઈ કોર્ટે કહ્યું હતું કે, પોક્સો એક્ટનો હેતુ સગીરો સાથે યૌન સંબંધને અપરાધ ગણાવવાનો નથી, પરંતુ તેમને યૌન શોષણથી બચાવવાનો છે.(૪૦.૭)
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
