News of Friday, 21st February 2025
ભારે કિંમત ચૂકવવી પડશે. અમે આતંકવાદીઓનો ખાત્મો કરીશું: બસોમાં બોમ્બ વિસ્ફોટ બાદ ઈઝરાયલ લાલઘૂમ
ઇઝરાયલમાં બસ વિસ્ફોટોને કારણે હંગામો મચી ગયો: ત્રણ બસોમાં બોમ્બ વિસ્ફોટ થયા:બે બસોમાં વિસ્ફોટક ઉપકરણો મળી આવ્યા

નવી દિલ્હી :ગાઝામાં હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ ચાલી રહ્યો છે. આ દરમિયાન ઇઝરાયલમાં બસ વિસ્ફોટોને કારણે હંગામો મચી ગયો છે. ત્રણ બસોમાં બોમ્બ વિસ્ફોટ થયા છે. બે બસોમાં વિસ્ફોટક ઉપકરણો મળી આવ્યા છે. હજુ સુધી કોઈના ઈજાગ્રસ્ત થવાના સમાચાર સામે આવ્યા નથી.
ત્રણ બસોમાં થયેલા વિસ્ફોટોથી સમગ્ર ઇઝરાયલમાં ભયનો માહોલ સર્જાયો છે. ઇઝરાયલની સ્થાનિક ગુપ્તચર એજન્સી વિસ્ફોટોની તપાસ કરી રહી છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે સેનાને પશ્ચિમ કાંઠામાં શરણાર્થી કેમ્પો પર દરોડા પાડવાનો આદેશ આપ્યો છે. ઇઝરાયલને શંકા છે કે આતંકવાદીઓ અહીં છુપાયેલા હોઈ શકે છે.
ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન કાત્ઝે કહ્યું કે વિસ્ફોટો માટે જવાબદાર લોકોને ભારે કિંમત ચૂકવવી પડશે. અમે સતત આતંકવાદીઓનો પીછો કરીશું અને આતંકવાદીઓનો ખાત્મો કરીશું. પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠનોએ ગુશ દાન ક્ષેત્રમાં ઇઝરાયલમાં નાગરિક વસ્તી સામે હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. મેં IDF ને તુલકરમ, યહુદિયા અને સામરિયાના તમામ શરણાર્થી શિબિરોમાં કામગીરી વધુ તીવ્ર બનાવવાનો નિર્દેશ આપ્યો છે.
ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે તેલ અવીવ નજીક બસોમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ પશ્ચિમ કાંઠે તપાસનો આદેશ આપ્યો હતો. પીએમ ઓફિસે બસ વિસ્ફોટને શંકાસ્પદ આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર વિસ્ફોટોમાં હજુ સુધી કોઈના ઘાયલ થવાના સમાચાર નથી.
અત્યાર સુધી કોઈ પણ સંગઠને વિસ્ફોટોની જવાબદારી લીધી નથી. જોકે, કાસમ બ્રિગેડ્સે હુમલાની પ્રશંસા કરી છે કે શહીદોનો બદલો ત્યાં સુધી ભૂલાશે નહીં, જ્યાં સુધી કબજે કરનાર આપણી જમીન પર હાજર છે.
ઇઝરાયલી પોલીસના જણાવ્યા અનુસાર થોડીવારમાં ત્રણ બસોમાં જોરદાર વિસ્ફોટ થયા. અન્ય બે બસોમાં વિસ્ફોટક ઉપકરણો મળી આવ્યા હતા. સદનસીબે આ બસો ખાલી હતી. એક ઉપકરણ પરના સ્ટીકર સૂચવે છે કે આ હુમલો ઇઝરાયલી હુમલાઓનો બદલો હતો.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
