<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

સોનિયા ગાંધીની તબિયત બગડીઃ હોસ્‍પિટલમાં દાખલ

સોનિયા ગાંધી દિલ્‍હીના સર ગંગારામ હોસ્‍પિટલમાં ભરતીઃ જોકે તેમની હાલત હવે સ્‍થિર છે

નવી દિલ્‍હી તા.૨૧: કોંગ્રેસ સાંસદ પક્ષના અધ્‍યક્ષ અને રાજ્‍યસભા સભ્‍ય સોનિયા ગાંધીને દિલ્‍હીના સર ગંગારામ હોસ્‍પિટલમાં ભરતી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, ગુરુવારે આ બાબતની જાણકારી આપવામાં આવી હતી, તેમ કહેવામાં આવ્‍યું હતું કે, તેમની હાલત હવે સ્‍થિર છે અને શુક્રવારે તેમને હોસ્‍પિટલમાંથી રજા આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, સોનિયા ગાંધી ડિસેમ્‍બર ૨૦૨૪ માં ૭૮ વર્ષના થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર, તેમણે ગુરુવારે સવારે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. એક ડોક્‍ટરની ટીમ તેમની દેખરેખ રાખી રહી છે. રિપોર્ટ અનુસાર, સોનિયા ગાંધી ગેસ્‍ટ્રોએન્‍ટરોલોજીના નિષ્‍ણાંત ડૉક્‍ટર સમીરન નંદીના દેખરેખમાં છે.

રિપોર્ટ અનુસાર, સર ગંગારામ હોસ્‍પિટલમાં મેનેજમેન્‍ટ બોર્ડના અધ્‍યક્ષ ડૉ. અજય સ્‍વરૂપે જણાવ્‍યું કે, સોનિયા ગાંધીને પેટ સાથે જોડાયેલા કોઈ સમસ્‍યાના કારણે ગુરુવારે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. ડૉ. સ્‍વરૂપે કહ્યું કે, જોકે કોઈ મોટી ચિંતા જેવી વાત નથી. શુક્રવાર સુધી તેમને રજા મળી જશે તેવી પૂરી શકયતા છે.

કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ સોનિયા ગાંધી ગયા અઠવાડિયે જાહેરમાં દેખાયા હતા. તેઓ ૧૩ ફેબ્રુઆરીએ સંસદમાં રાજ્‍યસભાના બજેટ સત્ર દરમિયાન જોવા મળ્‍યા હતા. ૧૦ ફેબ્રુઆરીએ સોનિયા ગાંધીએ સરકારને વહેલી તકે વસ્‍તી ગણતરી હાથ ધરવા કહ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, દેશમાં લગભગ ૧૪ કરોડ લોકો ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ મળતા લાભોથી વંચિત છે

(1:49 PM IST)