News of Saturday, 22nd February 2025
ઓનલાઈન લાઈફ પાર્ટનર શોધવો મહિલાને ભારે પડયું : લવર બની સ્કેમરે કરોડોનો ચૂનો લગાવ્યો
બે વાર છેતરપિંડીનો ભોગ બન્યા બાદ, મહિલા હવે બેઘર છે : તે માનસિક અને શારીરિક રીતે ટૂટી ગઈ છે અને અત્યંત શરમજનક અનુભવે છે

સીડની, તા.૨૨: ઓસ્ટ્રેલિયાની ૫૭ વર્ષીય એનેટ ફોર્ડને ઓનલાઈન પ્રેમની શોધ એટલી મોંઘી પડી કે તેણે પોતાની આખી જિંદગીની કમાણી ગુમાવી દીધી. તેણીએ બે અલગ અલગ ઓનલાઈન ડેટિંગ સ્કેમમાં કુલ ૭,૮૦,૦૦૦ ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ ૪.૩ કરોડ રૂપિયા) ગુમાવ્યા, જેના કારણે તે બેઘર થઈ ગઈ.
૨૦૧૮ માં ૩૩ વર્ષનું લગ્નજીવન તૂટી ગયા બાદ એનેટ ફોર્ડ એકલતા અનુભવી રહી હતી. સાથીદારીની શોધમાં તે ઓનલાઈન ડેટિંગ સાઈટ ‘'પ્લેન્ટી ઓફ ફિશ'માં જોડાઈ જ્યાં તે ‘વિલિયમ' નામના માણસને મળી. થોડા મહિનાઓ સુધી ઓનલાઈન ડેટિંગ કર્યા પછી, વિલિયમે દાવો કર્યો કે કુઆલાલંપુરમાં તેની ઓફિસની બહાર થયેલી લડાઈ દરમિયાન તેનું પાકીટ ચોરાઈ ગયું હતું.
શરૂઆતમાં તેણે એનેટ પાસેથી ૫,૦૦૦ AUD માંગ્યા, પછી ધીમે ધીમે હોસ્પિટલના બિલ, હોટલ સ્ટે અને કર્મચારીઓના પગારના નામે લાખો રૂપિયા પડાવી લીધા. જ્યારે એનેટને શંકા ગઈ અને તેણે વિલિયમને સ્કેમર કહયો, ત્યારે તેણે એટલી સ્પષ્ટતાથી જવાબ આપ્યો કે તે ફરીથી તેના શબ્દોમાં ફસાઈ ગઈ. થોડા જ મહિનામાં વિલિયમે તેની પાસેથી કુલ ૩૦૦,૦૦૦ AUD ની છેતરપિંડી કરી, જેનાથી તેનું રિટાયરમેન્ટ ફંડ સંપૂર્ણપણે ખાલી થઈ ગયું.
પહેલા સ્કેમ પછી પણ એનેટને સમજણ ન આવી. ૨૦૨૨ માં તે ફેસબુક પર ‘નેલ્સન'નામના એક માણસને મળી, જેણે પોતાને એમ્સ્ટરડેમનો રહેવાસી કહયો. તેણે મિત્રતા કેળવી અને ધીમે ધીમે એનેટનો વિશ્વાસ જીત્યો અને તેની પાસે પૈસા માંગવા લાગ્યો. પહેલી વાર નેલ્સને ૨,૫૦૦ AUD માંગ્યા, અને કહયું કે તે FBI માં એક મિત્રને મદદ કરી રહયો છે. ધીમે ધીમે, તેણે એનેટને બિટકોઈન એટીએમ દ્વારા ઘણી વખત પૈસા ટ્રાન્સફર કરાવવાનું કહયું, અને દરેક વખતે તેને $૧,૦૦૦ મોકલવાનું કહયું.
ફોર્ડ આખરે નેલ્સનને મળવા માટે બે વાર એમ્સ્ટરડેમ ગઈ હતી, પરંતુ ત્યાં કોઈ નેલ્સન નહોતો. પછી તેણીને ખબર પડી ગઈ કે તે ફરીથી છેતરાઈ ગઈ છે. આ વખતે તેણે પોતાના ઘર વેચ્યુ તેના મળેલા રૂ. ૨,૮૦,૦૦૦ AUD પણ ગુમાવ્યા.
તેની સાથે બે વાર છેતરપિંડીના પરિણામે એનેટ હવે બેઘર થઈ ગઈ છે અને Centrelink benefits પર નિર્ભર છે. તે હાલમાં અપંગતા સહાય પેન્શન માટે અરજી કરી રહી છે અને નિવૃત્તિ ગામમાં રહેવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહયું, ‘‘હું શારીરિક અને માનસિક રીતે કામ કરવાની સ્થિતિમાં નથી. મને ખૂબ જ શરમ આવે છે.(૨૩.૫)
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
