News of Saturday, 22nd February 2025
ભારતમાં શરાબથી થતા કેન્સરના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો
વિશ્વમાં કેન્સરના કુલ કેસોમાં ૪% જેટલાં કેસ શરાબના સેવન સાથે સંબંધિત કેન્સરના ૨૦થી વધુ પ્રકારો માટે આલ્કોહોલનું સેવન જવાબદાર

નવી દિલ્હી, તા.૨૨: ભારતમાં શરાબથી થતાં કેન્સરના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. લાન્સેટ નામની જર્નલમાં પ્રકાશિત થયેલાં તાજેતરના એક અહેવાલ અનુસાર, ભારતમાં ૨૦૨૦માં શરાબના સેવનને કારણે કેન્સરના નવા ૬૨,૧૦૦ કેસો નોંધાયા હતાં.
તાજેતરમાં જ વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)એ પણ આલ્કોહોલિક પીણાંઓ પર ધ્યાન ખેંચાય તે પ્રકારે ચેતવણીના લેબલ મારવાનું સૂચન કર્યું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યાં અનુસાર, આલ્કોહોલ એ એક પ્રસ્થાપિત કેન્સરકારક છે. વિશ્વમાં નિદાન થતાં કેન્સરના કુલ કેસોમાં આશરે ૪ ટકા જેટલાં કેસ શરાબના સેવન સાથે સંકળાયેલા હોય છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આલ્કોહોલને ઝેરી, મગજની કામગીરીને અસર કરતાં તત્વ તરીકે વ્યાખ્યાયીત કર્યું છે. આ ઉપરાંત દાયકાઓ પહેલાં ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓફ કેન્સર દ્વારા તેને ગ્રૂપ ૧ કાર્સિનોજેન તરીકે વર્ગીકળત કર્યું છે. ગ્રૂપ ૧ કાર્સિનોજેનમાં એસ્બેસ્ટોસ, રેડિયેશન તથા તમાકુ જેવા કેન્સર માટે સૌથી વધુ જવાબદાર તત્વોનો સમાવેશ કરાયો છે.
દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના ડો. પુનીત ગર્ગના જણાવ્યાં અનુસાર, શરાબના સેવનથી કેન્સરના જોખમમાં વધારો થાય છે. કેન્સરના ૨૦થી વધુ પ્રકારો માટે આલ્કોહલનું સેવન જવાબદાર છે.
શરાબના સેવનથી સામાન્ય રીતે સૌથી વધુ મોઢાં, ગળા, અન્નનળી, પેટ, આંતરડા, મળાશય, તથા સ્વાદુપિંડના કેન્સર થાય છે. આ ઉપરાંત તેનાથી મહિલાઓના સ્તન અને પુરુષોના પ્રોસ્ટેટમાં પણ કેન્સર થવાનું જોખમ રહે છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિસ, ભુવનેશ્વરના ડો. તારાપ્રસાદ ત્રિપાઠીના જણાવ્યાં અનુસાર, ભારતમાં આલ્કોહોલ સંબંધિત કેન્સરના કેસોમાં થતો વધારો ચિંતાજનક છે. આલ્કોહોલનું એસિટાલ્ડેહાઈટ નામના ઝેરી તત્વમાં રૂપાંતર થાય છે જે ડીએનએ તથા પ્રોટીનને નુકસાન પહોંચાડે છે જેને કારણે મ્યુટેશન થતાં કેન્સર વિકસવાની શરૂઆત થાય છે. આ ઉપરાંત આલ્કોહોલને કારણે શરીર માટે જરૂરી એવા ફોલેટ અને વિટામિન એ,સી,ડી તથા ઈ જેવા પોષકતત્વો પચાવવાની ક્ષમતા પર પણ માઠી અસર પડે છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
