News of Saturday, 22nd February 2025
પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ ઘટશે ? :કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આપ્યા સંકેત
મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે, અમેરિકા સહિત વૈશ્વિક બજારમાં તેલ ઉત્પાદન વધારવાની તૈયારીઓને કારણે ઇંધણના ભાવમાં ઘટાડો થવાની શક્યતા

નવી દિલ્હી : છેલ્લા કેટલાય સમયથી સામાન્ય લોકો પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા છે. જોકે હવે આ મામલે એક મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. આગામી સમયમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં ઘટાડો થઈ શકે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે, અમેરિકા સહિત વૈશ્વિક બજારમાં તેલ ઉત્પાદન વધારવાની તૈયારીઓને કારણે ઇંધણના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે જે ફુગાવાને નિયંત્રિત કરવામાં મદદ કરશે.
એક પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું, અમેરિકામાં તેમણે (ટ્રમ્પે) કહ્યું, ડ્રિલ, બેબી, ડ્રિલ. જે વધુ ખોદકામ અને વધુ તેલ નિષ્કર્ષણનો સંકેત છે. તેમણે સત્તાવાર રીતે કહ્યું છે કે, તેઓ આંતરરાષ્ટ્રીય તેલના ભાવ ઘટાડવા માંગે છે. તેથી, મને લાગે છે કે વૈશ્વિક ઊર્જા પરિસ્થિતિમાં સુધારો થશે. બજારમાં વધુ તેલ અને ગેસ આવશે અને એવી અપેક્ષા છે કે આનાથી કિંમતો ઘટાડવામાં મદદ મળશે. જ્યારે ઓછી કિંમતે પૂરતા પ્રમાણમાં ઊર્જા ઉપલબ્ધ હોય છે, ત્યારે તે ફુગાવાને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. તેમણે સ્પષ્ટતા કરી કે ભારતનો પ્રાથમિક ઉદ્દેશ્ય ફુગાવાને નિયંત્રિત કરવા માટે 'ઓછા ભાવે' પૂરતું તેલ ખરીદવાનો છે.
આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, તેલ ખરીદીમાં ડોલરનો ઉપયોગ નાબૂદ કરવાનો ક્યારેય કોઈ ઈરાદો નહોતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મોટાભાગના વ્યવહારો ડોલરમાં થાય છે અને હંમેશા રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના નવા વહીવટીતંત્ર સાથે સંપર્ક સ્થાપિત કર્યો છે. તેમણે કહ્યું કે, ભારત-અમેરિકા સંબંધો ઊર્જાના મોરચે વધુ મજબૂત બનશે. તેમના મતે ભારત આર્જેન્ટિના સહિત 40 દેશોમાંથી તેલ આયાત કરે છે અને વિશ્વમાં પૂરતું તેલ હોવાથી જે તેલ ઉત્પાદક દેશો ઘટાડો કરી રહ્યા છે તેમને પણ તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવાની ફરજ પડશે
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
