News of Monday, 24th February 2025
ઓયોએ પોતાની સરખામણી ભગવાનની સાથે કરીઃ ઉશ્કેરાયેલા લોકોએ એનો બોયકોટ કરવાની હાકલ કરી

મુંબઇ,તા.૨૪: ઓનલાઇન હોટેલરૂમનું બુકિંગ કરતી કંપની ઓયોએ એના પ્રચાર માટે હિન્દી ન્યુઝપેપરમાં આપેલી અડધા પાનાની એક જાહેરાતના પગલે સોશ્યલ મીડિયામાં બોયકોટઓયો ટ્રેન્ડિંગમાં છે. રિતેશ અગરવાલની ઓયો રૂમ્સે આ જાહેરાત આપી છે અને એના પગલે વિવાદ થયો છે. લોકોનું કહેવું છે કે આ જાહેરાતમાં ભગવાનનો ઉલ્લેખ છે અને ઓયોની આ જાહેરાતે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડી છે. આ જાહેરાતમાં મોટા અક્ષરોમાં લખવામાં આવ્યું છે કે ‘ભગવાન દરેક જગ્યાએ છે' અને નીચે નાના અક્ષરોમાં લખવામાં આવ્યું છે કે ‘અને ઓયો પણ'.
ઓયો ભગવાનની જેમ સર્વત્ર છે એમ જાહેરાતમાં દર્શાવવામાં આવ્યું છે અને આ પ્રકારની સરખામણી લોકોને પસંદ આવી નથી. હિન્દુ ગ્રુપોનું કહેવું છે કે આ અમારી ધાર્મિક લાગણીનું અપમાન છે. ઘણાં ગ્રુપોએ તાત્કાલિક ઓયો રૂમ્સ પાસેથી માફીની માગણી કરી છે.
આ પહેલાં ઓયોના રિતેશ અગરવાલે તેના લોગોની સરખામણી ભગવાન જગન્નાથ સાથે કરતાં પણ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. અગરવાલે કહ્યું હતું કે ઓયોમાં બે ઓ અક્ષર ભગવાનની આંખો છે અને વાય અક્ષર નાક સમાન છે.
ઓયોએ એની પોઝિશન ફેમિલી-ફ્રેન્ડ્લી બનાવવાનો પ્રયાસ કર્યો છે. પહેલાં ઓયો રૂમ્સ યંગ ટ્રાવેલર્સ અને અનમેરિડ કપલ્સ માટે રૂમસર્વિસ પૂરી પાડતી હતી. હવે એણે અનમેરિડ કપલ્સને બુકિંગ આપવાનું બંધ કર્યું છે.(૪૦.૬)
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
