News of Monday, 24th February 2025
પાન મસાલાની જાહેરાત બદલ કોર્ટે શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને ફટકારી નોટિસ
એક્ટર્સ કેસર યુક્ત પાન મસાલાનો પ્રચાર કરી શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફ યુવાનોને ગેરમાર્ગે દોરી રહયા છે

મુંબઇ, તા.૨૪: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને પાન મસાલાની જાહેરાત કરવી ભારે પડી ગઈ છે. હાલમાં રાજસ્થાનના કોટામાં એક સામાજિક કાર્યકતાઓ આ ત્રણે એક્ટર વિરુદ્ધ ગ્રાહક વિવાદ નિવારણ આયોગ માં ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ એક્ટર્સ કેસર યુક્ત પાન મસાલાનો પ્રચાર કરીને યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ અંગે કમિશને ફક્ત આ બોલિવૂડ સ્ટાર્સને જ નહીં પરંતુ આ ઉત્પાદન બનાવતી કંપનીને પણ નોટિસ ફટકારી છે અને ૨૧ એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો છે.
ફરિયાદી ઈન્દર મોહન સિંહ હાની જે એક સામાજિક કાર્યકર્તા છે, તેમણે દાવો કર્યો છે કે બોલિવૂડ સ્ટાર્સ દ્વારા કરવામાં આવતી પાન મસાલાની જાહેરાતો યુવાનોને ગેરમાર્ગે દોરી રહી છે. તેમણે પોતાની અરજીમાં કહ્યું હતું કે યુવાનો આ કલાકારોને પોતાના રોલ મોડેલ માને છે અને જ્યારે આ સ્ટાર્સ કોઈ પ્રોડક્ટનો પ્રચાર કરે છે, ત્યારે તેની અસર લાખો લોકો પર પડે છે.
ફરિયાદમાં એવું પણ લખવામાં આવ્યું છે કે જાહેરાત કરવામાં આવી રહેલા પાન મસાલાના પેકેજિંગ પર લખ્યું છે કે તેમાં કેસર છે. પરંતુ હકીકતમાંતેમાં કેસર મળ્યું ન હતું, જ્યારે અસલી કેસર બજારમાં લગભગ ૪ લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાય છે
અરજદારે એવી પણ વિનંતી કરી છે કે આ સ્ટાર્સ અને કંપની પર લાદવામાં આવેલ દંડ ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના યુવા કલ્યાણ ભંડોળમાં જમા કરવામાં આવે. ગ્રાહક અદાલતના અધ્યક્ષ અનુરાગ ગૌતમ અને સભ્ય વીરેન્દ્ર સિંહ રાવતે શાહરૂખ ખાન, અજય દેવગન, ટાઇગર શ્રોફ અને વિમલ પાન મસાલા ઉત્પાદન કંપનીને કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે.
આ પહેલી વાર નથી જ્યારે બોલિવૂડ સ્ટાર્સ પાન મસાલા કે અન્ય હાનિકારક ઉત્પાદનોની જાહેરાત કરવા બદલ વિવાદોમાં ફસાયા હોય. અજય દેવગન, શાહરૂખ ખાન અને અક્ષય કુમાર વિમલ ઈલાયચીની જાહેરાતમાં સાથે જોવા મળ્યા હતા જેના કારણે ભારે વિવાદ થયો હતો. ટીકા બાદ અક્ષય કુમારે જાહેરાતથી પોતાને દૂર કરી દીધા, પરંતુ અજય અને શાહરૂખે તેનું પ્રમોશન ચાલુ રાખ્યું. હવે ટાઇગર શ્રોફ પણ આ વિવાદમાં ફસાઈ ગયો છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
