<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

પશ્‍ચિમ બંગાળના એક સ્‍મશાનની સામે ૧૦૦ વર્ષથી ચાલે છે સ્‍વયં સંચાલિત ચાની દુકાન

આ ચાની દુકાન ભરોસા પર ચાલે છે

શ્રીરામપુર, તા.૨૫: ચાની હાટડીઓ તો ભારતની દરેક ગલીકૂંચીમાં મળી જશે, પણ પશ્‍ચિમ બંગાળના શ્રીરામપુર ગામમાં કાલીબાબુ સ્‍મશાન ઘાટની સામે એક અનોખી ચાની દુકાન છે. આ ચાની દુકાન ભરોસા પર ચાલે છે. એમાં ચા બનાવવાનો સામાન પડયો હોય છે. જેમને ચા પીવી હોય તેમણે જાતે ચા બનાવી લેવાની, પીવાની અને જેટલી ચા બનાવી હોય એ મુજબ પૈસા એક બૉક્‍સમાં નાખી દેવાના. લગભગ આખો દિવસ આ ચાનો સ્‍ટૉલ ધમધમતો રહે છે. લોકો સ્‍ટૉલની બહાર મૂકેલી પાટલીઓ પર બેસીને ગ્રુપમાં વાતોનાં વડાં કરતાં-કરતાં ચા પીએ છે અને પૈસા મૂકી જાય છે. ક્‍યારેક તો કોઈ જ ગ્રાહક પણ આ દુકાને ન હોય એવું બને છે. એમ છતાં ક્‍યારેય અહીંથી ચોરી થઈ નથી. કોઈ માત્ર ચા પીને જતું રહે અને પૈસા ન મૂકે એવું પણ બન્‍યું નથી. ભરોસા પર ચાલતી ચાની આ દુકાન ૧૦૦ વર્ષથી જૂની છે. બ્રુક બૉન્‍ડ કંપની માટે સ્‍વતંત્રતા સેનાની નરેશ ચંદ્રાએ આની શરૂઆત કરી હતી. હજી પણ એ રેંકડી ચાલે છે. તેના દીકરાઓ રોજ સવારે ચાનો સ્‍ટૉલ ખોલે છે, જરૂરી સામગ્રીઓ ભરીને મૂકે છે અને સાંજે જઈને સ્‍ટૉલ બંધ કરી આવે છે.(૨૩.૪)

(9:54 AM IST)