News of Thursday, 27th February 2025
સોશિયલ મીડિયામાં એક યુઝરે હરભજનને કહયું ‘‘ખાલિસ્તાન મુર્દાબાદ બોલીને બતાવ''
ભજજી ધૂંઆપૂઆ થઇ ગયો પોલીસ ફરિયાદ કરી

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજયસભા સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર હરભજનસિંહે એક X યુઝર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. X યુઝરે સોશિયલ મીડિયા પર હરભજનસિંહને ખાલિસ્તાન સમર્થક ગણાવ્યો હતો. સાથે જ ચેલેન્જ કરી હતી કે જો હરભજન સિંહ સાચો દેશભક્ત છે, તો તે ‘‘ખાલિસ્તાન મુર્દાબાદ'' બોલીને બતાવે. એ શખ્સે હરભજન સિંહના ઇન્સ્ટાગ્રામ પોસ્ટનો એક સ્ક્રીન શોટ પણ શેર કર્યો હતો. આ X યુઝરના એકાઉન્ટનું નામ રેન્ડમ સેના છે.
આ આરોપ બાદ ભૂતપૂર્વ ક્રિકેટર ધૂંઆપૂંઆ થઈ ગયો હતો. તેણે X પર જ એ યુઝર્સને ખૂબ સંભળાવ્યું. તેણે આવી પોસ્ટ કરનાર X યુઝરને માનસિક બીમાર ગણાવ્યો. વાત એટલે જ પૂરી થઈ નહીં. સોશિયલ મીડિયા પર તેને લઈને ડિબેટ શરૂ થઈ ગઈ. ત્યારબાદ ભૂતપૂર્વ ક્રિકેટરે આ યુઝર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી.
રેન્ડમ સેના હેન્ડલ પરથી કરવામાં આવેલી X પોસ્ટમાં યુઝરે લખ્યું છે કે, સો વાતની એક વાત એ છે કે, જો હરભજન સિંહ એક સાચો દેશભક્ત છે તો, તે એકવાર ‘‘ખાલિસ્તાન મુર્દાબાદ'' લખીને X પર પોસ્ટ નાખે. હું તેની માફી માંગી લઈશ. પરંતુ, તે લખવાની જગ્યાએ વાતોને ગોળ ગોળ ફેરવશે. તે ‘‘ખાલિસ્તાન મુર્દાબાદ'' નહીં લખી શકે.
આ પોસ્ટના જવાબમાં હરભજન સિંહ પણ મેદાનમાં ઉતર્યો હતો. તેણે એ વખતે રેન્ડમ સેનાની એક જૂની પોસ્ટ કાઢીને શેર કરી છે. પછી તેણે લખ્યું કે, તું કઈ બાજુનો છે? જે અમારા અયોધ્યાના હિન્દુ ભાઈઓને ખોટા કહી રહ્યો છે. મને તારી માનસિક હાલતથી એવું લાગે છે કે, તું દેશદ્રોહી છે.આ હેન્ડલની એક જૂની પોસ્ટમાં અયોધ્યાના હિન્દુઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી. રેન્ડમ સેનાની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેને ૨૦ લાખથી વધુ લોકોએ જોઈ છે. આશરે ૧૦ હજાર લોકોએ અને આશરે ૪.૫ યુઝરે તેને રિપોસ્ટ કરી છે. આશરે એક હજાર લોકોએ આ પોસ્ટ પર રિપ્લાય કરી છે. હરભજન સિંહનું કહેવું છે કે, તેણે આ X એકાઉન્ટ યુઝર સામે કેસ નોંધાવ્યો છે.(૩૬-૬)
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
