<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

શું બાંગ્લાદેશમાં ફરી તખ્તાપલટ થશે? ખુદ સેના પ્રમુખે ઈશારો કર્યો કે કંઈક મોટુ થશે

બાંગ્લાદેશના આર્મી ચીફને લાગી રહ્યુ છે કે બહુ જલદી બાંગ્લાદેશમાં કંઈક મોટુ અને ખતરનાક થવાનું છે: ત્રણ ઘટનાક્રમ દ્વારા વિસ્તારથી સમજો

શેખ હસીનાના ગયા પછી, ત્યાં જે મહાશયે સત્તા સંભાળી છે એમના આવ્યા બાદ બાંગ્લાદેશમાં જે કંઈપણ થઈ રહ્યુ છે તે હિંસાનું સ્વરૂપ લઈ રહ્યુ છે. એવુ કંઈ પણ હજુ સુધી જોવા મળ્યું નથી, જેનાથી બાંગ્લાદેશની પરિસ્થિતિ સામાન્ય થતી જોઈ શકાય. પણ હા, આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટી ઘટના બની છે

હાલ બાંગ્લાદેશના સેના પ્રમુખનું એક નિવેદન મુખ્ય હેડલાઈન બની ગયું છે. કોઈ દેશના આર્મી ચીફ જ્યારે એવુ કહે કે બાંગ્લાદેશ એક મોટા રિસ્ક તરફ આગળ વધી રહ્યુ છે, તે દર્શાવે છે કે ક્યાંકને ક્યાંક કંઈક એવુ ચાલી રહ્યુ છે, જે સેનાને તેમની ગુપ્તચર એજન્સી દ્વારા જાણ થઈ ગઈ છે. અથવા એવુ કહી શકાય કે શેખ હસીનાના ગયા બાદ વર્તમાનમાં જે શાંતિ જણાઈ રહી છે તેમાં હવે શેખ હસીનાની વાપસીની જે તૈયારીઓ ચાલી છે, આ તૈયારીઓ પરથી લાગી રહ્યુ છે કે બાંગ્લાદેશમાં મોટી અસ્થિરતા આવી શકે છે. આ જ કારણે બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર ઉજમાનનું નિવેદન હાલ સમાચારોની હેડલાઈન બની ચુક્યુ છે.

બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર ઉઝમાને કહ્યું છે કે જે રીતે નેતાઓ એકબીજા સાથે ઝઘડી રહ્યા છે, એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે, તેનાથી આવનારો સમય સંઘર્ષથી ભરપૂર દેખાઈ રહ્યો છે. તેમણે જે સ્થળેથી આ વાત કહી તે જગ્યાનો ભૂતકાળ સાથે શું સંબંધ છે તે પણ સમજવુ જરૂરી છે. તેમણે 2009ના પિલખાના નરસંહારમાં માર્યા ગયેલા સૈન્ય અધિકારીઓના એક કાર્યક્રમમાં કહ્યું કે જો તમે અંદરોઅંદર જ ઝઘડતા રહેશો તો દેશની અને રાષ્ટ્રની સ્વતંત્રતા દાંવ પર લાગી જશે. હું ચેતવણી આપું છું, પછી મને નહીં કહી શકો કે મે તમને ચેતવ્યા નહીં

પિલખાના નરસંહાર બાંગ્લાદેશમાં રાઈફલ રિવોલ્ટ (બળવા) તરીકે ઓળખાય છે.  25 ફેબ્રુઆરી થી 2 માર્ચ 2009 વચ્ચે બાંગ્લાદેશમાં બળવો થયો હતો. આ સમયે બાંગ્લાદેશ રાઈફ્લસ (BDR) નામની પેરામિલિટરી ફોર્સે બાંગ્લાદેશની બોર્ડર સિક્યોરિટી દરમિયાન ત્યાંના ડીજી શકીલ અહેમદ સહિત 56 અધિકારીઓને મારી નાખ્યા હતા. મૃતકોમાં 17 નાગરિકો પણ સામેલ હતા. જે બાદ તેમણે આસપાસના વિસ્તારો પર કબજો કરવાનું શરૂ કર્યુ. એ સમયે આસપાસના 12 શહેરોમાં હિંસા ફેલાઈ ગઈ હતી. આ બળવાખોર સૈનિકોએ સૈનાના મુખ્યાલય પર કબજો કરી લીધો અને અનેક મોટા અધિકારીઓની હત્યા કરી નાખી એ કોઈ નાની ઘટના નથી.

એ સમયે આ ઘટના તમામ સમાચારોની હેડલાઈન બની હતી. જેમા દેશના ઝંડામાં લપેટાયેલા સૈનિકોના પાર્થિવ દેહને લાઈનસર દફનાવવામાં આવી રહ્યા હતા. આ નરસંહારની વરસી સમયે વર્તમાન સેના ચીફે એ સ્થળેથી બાંગ્લાદેશમાં કંઈક મોટુ થવાની વાત કરી. જેની પાછળનું કારણ છે આ હત્યાકાંડમાં જે સામેલ હતા તે 152 લોકોને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી અને 161 લોકોને આજીવન કારાવાસની સજા કરાઈ હતી . 256 લોકોને 3 થી 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને 277 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

હવે જે આ 313 બળવાખોર દોષીતો હતા જેમને સજા સંભળાવવામાં આવી હતી, તેમને શેખ હસીનાના જતા જ છોડી મુકવામાં આવ્યા હતા. 2009માં હત્યાકાંડ થયો, અને 2024માં શેખ હસીના એ દેશ છોડ્યો. જે બાદ આ ગુનેગારો જે જેલમાં હતા, તેમને 23 જાન્યુઆરી 2025માં છોડી મુકવામાં આવ્યા. આ એક મોટી દુર્ઘટનાનો અંદેશો છે. બીજું મોટું કારણ એ છે કે તેમને કદાચ ભય છે કે બાંગ્લાદેશમાં તખ્તાપલટ થઈ શકે છે. તાજેતરના દિવસોમાં બાંગ્લાદેશમાં એક ઘટના બની જેના કારણે તખ્તાપલટની ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે. બાંગ્લાદેશના એરફોર્સ બેઝ પર કેટલાક ઉપદ્રવીઓએ પથ્થરમારો કર્યો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

 

બાંગ્લાદેશના એરફોર્સ સ્ટેશન પર હુમલો થયો, અને કહેવામાં આવ્યુ કે એ હુમલો આસપાસ રહેતા લોકોએ કર્યો. હુમલા પાછળનું કારણ એવુ બતાવવામાં આવ્યુ કે એરફોર્સ સ્ટેશન કોક્ષ બજારમાં આવેલું છે. આ અંગે ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશન ડાયરેક્ટરેટે જણાવ્યુ કે કોક્ષ બજારમાં આવેલા એરપોર્ટ પર હુમલો થયો હતો. સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો.

હવે જે લોકોએ હુમલો કર્યો એ મ્યાંમારથી મોટી સંખ્યામાં ભાગીને આવેલા રોહિંગ્યા છે. તેમણે એ જમીન પર આધિપત્ય જમાવ્યુ છે. આ લોકો આવ્યા ત્યારે શરણાર્થી હતા પરંતુ હવે આ વિસ્તાર પર તેઓ કબજો ઈચ્છે છે અને તેને પોતાનો વિસ્તાર ગણાવે છે. તેમની દાદાગીરી એટલી વધી ગઈ છે કે હવે તેઓ ત્યાં ઍરફોર્સ સ્ટેશનને પણ રહેવા દેવા માગતા નથી. આ બેઝને 2011માં શેખ હસીનાએ બનાવ્યુ હતુ. આ બેઝ બનાવવાનો ઉદ્દેશ્ય જ એ હતો કે મ્યાંમારની બોર્ડરથી જરૂર પડ્યો સૈન્ય કાર્યવાહી કરી શકાય. જેના પર 2025માં હુમલો થયો.

 

સેના પ્રમુખના કંઈક મોટુ થવાનુ છે એવુ કહેવા માટેના ત્રીજા મોટા કારણ વિશે સમજીએ. શેખ હસીનાની સરકારને ઉથલાવી પાડવામાં નાહિદ ઇસ્લામનું મોટું યોગદાન છે. નાહિદ ઇસ્લામ સ્ટુડન્ટ લીડર હતો, જેણે ક્રાંતિને જન્મ આપ્યો હતો. નાહિદ ઇસ્લામને મોહમ્મદ યુનુસ પણ મોટો નેતા ગણાવી ચુક્યા છે. કેરટેકર સરકારમાં તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે એ જ નાહિદ ઈસ્લામે મોહમ્મદ યુનુસનો સાથ છોડી દીધો છે. નાહિદ ઇસ્લામે રાજીનામું આપી દીધું છે. આ તાજેતરની ઘટના છે.

જેનો અર્થ એવો પણ કરી શકાય કે શુ આ પ્રદર્શન કરનારા સ્ટુડન્ટ ગૃપ હવે મોહમ્મદ યુનુસ પરથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે? શું વિદ્યાર્થી નેતાઓને કહેવામાં આવ્યું છે કે તેઓ પોતાની પાર્ટી બનાવે અને અલગ થઈ જાય? શેખ હસીનાને ઉથલાવી પાડનાર વિદ્યાર્થી નેતાઓ હવે જાતે જ ચાલ્યા ગયા છે?  સીધો અર્થ છે કે જેમણે જીવન જ રાજકારણ માટે સમર્પિત કરી દીધુ હોય તે નાહિદ ઈસ્લામ જેવા વ્યક્તિ કંઈક છોડી રહ્યા હોય તો કંઈક નવુ પ્લાનિંગ પણ કરી જ રહ્યા હોય.

 વિશેષજ્ઞોનું કહેવુ છે કે આ તમામ ઘટનાક્રમ બતાવે છે કે બાંગ્લાદેશમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. 2025ના અંતમાં અથવા 2026ની શરૂઆતમાં ચૂંટણી થશે. એવામાં નાહિદ ઈસ્લામ જેવી વ્યક્તિ પોતાની અલગ ઓળખ સ્થાપિત કરવા માગે છે. તે મોહમ્મદ યુનુસ જેવા નબળા માણસની છત્રછાયામાં રહેવા નથી માગતો. તે નવી પાર્ટી બનાવવા માટેની યોજના વિચારી રહ્યો છે જેથી ચૂંટણીમાં પોતાને સારી રીતે પ્રેઝન્ટ કરી શકે. આ તમામ ઘટનાક્રમનો સાર એ છે કે પડોશી દેશ બાંગ્લાદેશમાં કંઈક મોટુ થવાનું છે. જેમા સૌપ્રથમ યુનુસની સરકારે સેના પર હુમલો કરનારા બળવાખોરોને છોડી દીધા. આ દરમિયાન જ ઍરફોર્સ બેઝ પર હુમલો થાય છે અને ત્રીજો સૌથી મોટો ઘટનાક્રમ તેની સાથે રહેલા નાહિદ ઈસ્લામ જેવા લોકો તેને અલવિદા કરી રહ્યા છે.

 

આ સમયે સેના પ્રમુખના નિવેદનથી રાજનેતાઓમાં પણ એક અલગ પ્રકારનો ડર પેસી ગયો છે કે ક્યાંક સેના જ તખ્તાપલટ કરીને સત્તાનશીન થઈ જાય. આ સમયે ભારતે પણ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યુ છે. વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યુ છે કે બાંગ્લાદેશમાં થનારી દરેક નાની-મોટી ઘટના માટે ભારત પર દોષારોપણ કરવાનું બાંગ્લાદેશ બંધ કરે. આવી હાસ્યાસ્પદ વાતો કરવાનું બંધ કરો. અમે આવા આરોપો સહન નહીં કરીએ.

 

તાજેતરમાં જ પીએમ મોદી અમેરિકા ગયા હતા એ સમયે ટ્રમ્પે પીએમ મોદીને સ્પષ્ટ કહ્યુ હતુ કે બાંગ્લાદેશને તમે જ સંભાળી લો. આ પરિસ્થિતિમાં ભારત મજબુત સ્થિતિમાં દેખાવુ સ્વાભાવિક છે. એટલે ભારત પણ ક્યાંક ને ક્યાંક એવુ ઈચ્છે છે કે બાંગ્લાદેશની સમસ્યાનો ઉકેલ અમારે જ લાવવો પડશે અને હવે અમેરિકા તરફથી પણ ગ્રીન સિગ્નલ છે. આ સમયે બાંગ્લાદેશને ભારત તરફથી કોઈ સહમતી મળવાની શક્યતા દેખાતી નથી.

ટ્રમ્પ જ્યારથી સત્તામાં આવ્યા છે, ત્યારથી અનેક દેશોમાં સત્તા પરિવર્તન સમાચારોની હેડલાઈન બની રહ્યા છે. જેનુ એક ઉદાહરણ કેનેડા છે. અહીં અમેરિકામાં ટ્રમ્પ સત્તા પર આવે છે અને કેનેડાના પીએમ ટ્રુડો રાજીનામું આપી દે છે. જર્મનીમાં જમણેરી (દક્ષિણપંથી) સરકારો બનતી દેખાઈ રહી છે. હવે બાંગ્લાદેશના કિસ્સામાં પણ હવે આવી જ સ્થિતિ સંભવિત રીતે બનતી દેખાઈ રહી છે. જેનુ કારણ એ છે કે શેખ હસીના અને ટ્રમ્પ વચ્ચે ઘણા સારા સંબંધ છે. જ્યારે બાઇડેન અને શેખ હસીના એકબીજાના વિરુદ્ધ વિચારધારા ધરાવતા માનવામાં આવ્યા છે. જો કે અમેરિકાની નીતિઓ આટલા માઈનોર લેવલે કેટલી પ્રભાવક રહેશે તે તો આગામી સમયમાં જ જોવા મળશે.

(9:04 PM IST)