<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

કલાઉડ પાર્ટીકલ સ્‍કેમના 3558 કરોડના કૌભાંડના માસ્ટરમાઇન્ડની દિલ્‍હી એરપોર્ટથી ધરપકડ

ઇડીને મળી મોટી સફળતાઃ સુખવીંદર ખરૂર અને ડિમ્‍પલ ખરૂર દેશ છોડીને ભાગવાની ફિરાકમાં હતા

નવી દિલ્‍હીઃ રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ  3,558 કરોડ રૂપિયાના કૌભાંડનો કથિત માસ્ટર માઇન્ડ સુખવિંદર સિંહ ખરુર અને ડિમ્પલ ખરુરની ધરપકડ કરી છે. તે બંને દેશ છોડીને ભાગી જવાના ફિરાકમાં હતા. પરંતુ લુક આઉટ સર્ક્યુલર   ના કારણે તેમને એરપોર્ટ પર જ રોકવામાં આવ્યા હતા અને હાલમાં તેમની અટકાયત કરી છે. 

ED અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ધરપકડ વ્યૂનાઉ માર્કેટિંગ સર્વિસીસ લિમિટેડ  અને તેની સંલગ્ન કંપનીઓ સામે ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે કરવામાં આવી છે. ધરપકડ બાદ બંને આરોપીઓને વધુ તપાસ માટે જલંધરની કોર્ટે ED કસ્ટડીમાં મોકલી દીધા છે.

આ કૌભાંડ 'ક્લાઉડ પાર્ટિકલ સ્કેમ' તરીકે ઓળખવામાં આવે છે. જેમાં રોકાણકારોને ખોટા 'સેલ એન્ડ લીઝ-બેક' (SLB) મોડેલ દ્વારા છેતરવામાં આવ્યા હતા. એજન્સી દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર નોઈડા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર બાદ EDએ તેની તપાસ શરૂ કરી હતી. ED ની તપાસમાં સામે આવ્યું છે કે, ViewNow ગ્રુપના CEO અને સ્થાપક સુખવિંદર સિંહ ખરુરે તેમના સહયોગીઓ સાથે મળીને આ મોટું કૌભાંડ આચર્યું હતું.

EDના જણાવ્યા પ્રમાણે ક્લાઉડ પાર્ટિકલ ટેક્નોલોજીના નામે રોકાણકારો પાસેથી મોટી રકમ એકઠી કરવામાં આવી હતી, પરંતુ તેના અસલી વ્યાપારનું તો કોઈ અસ્તિત્વ જ ન હતું અને રોકાણકારોને ગેરમાર્ગે દોરી તેને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવ્યું હતું.  EDએ કહ્યું, 'આ ફર્જી રોકાણ યોજના દ્વારા રોકાણકારો પાસેથી લગભગ 3,558 કરોડ રૂપિયાની રકમ એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ બિન-વાણિજ્યિક હેતુઓ માટે કરવામાં આવ્યો હતો.'

(3:08 PM IST)