<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

દીકરીના જન્‍મની આવી ઉજવણી નહીં જોઈ હોય કયારેય

બાજરીના લોટથી ૫૧,૧૧૧ રોટલા ઘડાવીને ગૌશાળાની ગાયોને ખવડાવ્‍યા : હાથથી ટીપીને ૧૨૦ બહેનોએ ત્રણ દિવસ રોટલા ઘડ્‍યાઃ પોતાના ગામથી ૯ રૂટ બનાવીને પચાસથી વધુ ગામો સુધી પહોંચીને ૬૦ ગૌશાળાઓમાં ૧૪,૦૦૦ ગાયોને રોટલા ખવડાવ્‍યા

મુંબઇ તા.૩: સૌરાષ્‍ટ્રના મોરબીને અડીને આવેલા રવાપર ગામના યુવાન જયકુમાર આદ્રોજાએ પોતાને ત્‍યાં દીકરીનો જન્‍મ થતાં એની ખુશીમાં સમાજને રાહ ચીંધતું સદ્‌કાર્ય કર્યું છે. જયકુમારે પોણાપાંચસો મણ બાજરીના લોટથી ૫૧,૧૧૧ રોટલા ઘડાવીને ગૌશાળાની ગાયોને ખવડાવીને દીકરી અને ગાયોનું મહિમાગાન કરતું અનોખું સેલિબ્રેશન કર્યું છે.

૫૧,૦૦૦થી વધુ રોટલા બનાવવા અને ગાયોને ખવડાવવા માટે જયકુમાર આદ્રોજાએ સુવ્‍યવસ્‍થિત આયોજન કર્યું હતું. ગાયોને ખવડાવવા માટે તૈયાર રોટલા લાવવાને બદલે ૧૨૦ બહેનોને બોલાવીને ત્રણ દિવસ સુધી આ બહેનોએ હાથથી ટીપીને ૫૧ હજારથી વધુ ગરમાગરમ રોટલા ઘડ્‍યા હતા. એટલું જ નહીં, રવાપર ગામથી ૯ રૂટ બનાવીને પચાસથી વધુ ગામો સુધી પહોંચીને ૬૦ જેટલી ગૌશાળાઓમાં ૧૪,૦૦૦ જેટલી ગાયોને રોટલા ખવડાવીને સરાહનીય, ઉદાહરણીય અને આવકારદાયક પહેલ કરી હતી.

મૂળ લાલપર ગામના અને હાલ મોરબીની બાજુમાં આવેલા રવાપર ગામે રહેતા પચીસ વર્ષના જયકુમાર વાસુદેવ આદ્રોજાએ સમક્ષ ખુશી વ્‍યક્‍ત કરતાં કહ્યું હતું કે ‘મારાં લગ્ન થયા બાદ મારાં કુળદેવી બહુચરાજી માતાજીને પ્રાર્થના કરી હતી કે જો મારે ત્‍યાં દીકરીનો જન્‍મ થશે તો પુણ્‍યનું કામ કરીને સમાજને રાહ ચીંધીશ. મારે એક અનોખો પ્રયોગ કરવો હતો. એક એવું સદ્‌કાર્ય કરવું હતું જે કોઈએ કર્યું ન હોય. એટલે માતાજીને પ્રાર્થના કરીને ગૌશાળાની ગાયોને ૫૧,૧૧૧ રોટલા ખવડાવવાનો સંકલ્‍પ કર્યો હતો. ગયા મહિને ૧૫ ફેબ્રુઆરીએ મારાં પત્‍ની ધારાની કૂખે દીકરીનો જન્‍મ થયો હતો. મારે પહેલા સંતાનમાં દીકરીનો જન્‍મ થતાં જ મારા સહિત મારો આખો પરિવાર ખુશ થઈ ગયો હતો. માતાજીને કરેલી પ્રાર્થના ફળી હોવાથી ગાયોને રોટલા ખવડાવવા માટે આયોજન હાથ ધર્યું હતું.'

રોટલા બનાવવા માટે કેવી તૈયારીઓ કરી એ વિશે વાત કરતાં જયકુમાર આદ્રોજાએ કહ્યું હતું કે ‘અમે નક્કી કર્યું કે શિવરાત્રિના દિવસથી રોટલા બનાવીએ. એ માટે બાજરી ખરીદી અને પોણાપાંચસો મણ બાજરીના લોટનો ઉપયોગ કરીને રોટલા બનાવ્‍યા હતા. રોટલા બનાવવા માટે ૧૨૦ બહેનોને બોલાવી હતી. ૧૨૫ જેટલા ચૂલા પર આ બહેનોએ ૨૬, ૨૭ અને ૨૮ ફેબ્રુઆરી એમ સતત ત્રણ દિવસ સુધી સવારથી રાત સુધી રોટલા ઘડ્‍યા હતા. શુક્રવારની મોડી રાત સુધી રોટલા બનાવ્‍યા હતા.'

રોટલા બનાવ્‍યા પછી ગૌશાળાની ગાયો સુધી રોટલા પહોંચાડવા માટે વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી એની વાત કરતાં જયકુમારે કહ્યું હતું કે ‘રોજ જે રોટલા બનતા ગયા એ રોટલા સાંજે ગાયોને પહોંચી જાય એ રીતે આયોજન કર્યું હતું જેમાં મારી ફેમિલીના સભ્‍યો, મારી સોસાયટીના યુવાનો તેમ જ ફ્રેન્‍ડ્‍સ મળીને કુલ ૧૪૦ લોકોનો સહયોગ મળ્‍યો હતો. મોરબીની આસપાસનાં ગામોની ગૌશાળા સુધી રોટલા પહોંચાડવા માટે મારા ગામથી જુદા-જુદા નવ રૂટ બનાવ્‍યા હતા. લગભગ પચાસથી વધુ ગામોમાં આવેલી ૬૦ જેટલી ગૌશાળામાં આ રોટલા પહોંચતા કર્યા હતા. રોજ સાંજે એક પછી એક ગૌશાળામાં રોટલા પહોંચાડી દેતા હતા. એક ગાય ઓછામાં ઓછા ત્રણ રોટલા ખાય એનું ધ્‍યાન રખાયું હતું અને આશરે ૧૪,૦૦૦ ગાયોએ આ રોટલા ખાધા હતા. આ રોટલા ખવડાવવા પાછળ અંદાજે આઠથી ૯ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો જે ઊગી નીકળ્‍યો.'

જયકુમાર આદ્રોજાએ સમાજને સંદેશ આપતાં કહ્યું હતું કે ‘મારી દૃષ્ટિએ દીકરો-દીકરી એકસમાન છે. જો દીકરો જન્‍મે તો ઉત્‍સવ કરીએ તો દીકરી જન્‍મે તો ઉત્‍સવ કેમ નહીં? હું મારી ફૅમિલીમાં સૌથી નાનો છું. મારે ચાર બહેનો છે અને હું એક ભાઈ છું. આપણે દીકરીઓનું હંમેશાં સન્‍માન કરવું જોઈએ અને ગાયની સેવા જેટલી થાય એટલી કરવી જોઈએ.(૩૮.૬)

 

(10:07 AM IST)