News of Tuesday, 4th March 2025
વિદેશી મહિલાએ જાંઘ પર ભગવાન જગન્નાથનું ટેટૂ બનાવડાવ્યું
ઓડિશામાં આક્રોશ ફેલાયો બાદ, રોકી ટેટૂઝના માલિક રોકી રંજન બિસોઈ અને વિદેશી મહિલા બંનેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને માફી માંગી

ભુવનેશ્વર, તા.૪: એક વિદેશી મહિલાએ પોતાની જાંઘ પર ભગવાન જગન્નાથનું ટેટૂ કરાવ્યું છે જેના કારણે ઓડિશામાં ભારે રોષ ફેલાયો છે. ભુવનેશ્વર સ્થિત સામાજિક કાર્યકર્તા સુબ્રત કુમાર મોહાનીએ શહેરના શાહીદ નગર વિસ્તારમાં સ્થિત ટેટૂ પાર્લર ‘રોકી ટેટૂઝ'ના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જ્યાં વિવાદાસ્પદ ટેટૂ બનાવવામાં આવ્યું હતું.
ફરિયાદ બાદ, શહીદ નગર પોલીસે દુકાન માલિક વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ ૨૯૯ હેઠળ કેસ (૮૫/૨૫) નોંધ્યો. ફરિયાદીએ કહયું, અમને રોકી ટેટૂઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિદેશી મહિલાનો ફોટો મળ્યો, જેની જાંઘ પર ભગવાન જગન્નાથનું ટેટૂ હતું. આ ખૂબ જ વાંધાજનક હતું. આ ટેટૂથી અમારી ધાર્મિક લાગણીઓ દુભાય છે અને અમે પુરીમાં જાહેર માફીની માંગ કરીએ છીએ.
ટેટૂ પાર્લરના માલિકે કહયું, ‘‘હું દિલથી માફી માંગુ છું કારણ કે ટેટૂ અમારા સ્ટુડિયોમાં બનાવવામાં આવ્યું હતું. હું આ બનાવનાર કલાકાર વતી માફી પણ માંગુ છું. ટેટૂ કરાવનાર મહિલા ઇટાલિયન નાગરિક છે. તે શનિવારે અમારી દુકાને આવી, ભગવાન જગન્નાથ પ્રત્યે પોતાની ઊંડી ભક્તિ વ્યક્ત કરી અને ટેટૂ કરાવવાની વિનંતી કરી. તેણીએ ખાસ કરીને તેણીની જાંઘ પર ટેટૂ કરાવવા માટે કહયું કારણ કે તે એક NGO માં કામ કરે છે જ્યાં શરીરના દૃશ્યમાન ભાગો પર ટેટૂ કરાવવાની મંજૂરી નથી.
ટેટૂ પાર્લરના માલિકે કહ્યું કે તેમણે મહિલાનો સંપર્ક કર્યો અને તેણીને ટેટૂ કાઢવા અથવા તેના પર બીજું ટેટૂ કરાવવાની સલાહ આપી. જોકે, આ ૨૫ દિવસ પછી જ શક્ય બનશે, કારણ કે ટેટૂ તાત્કાલિક દૂર કરવાથી ચેપ લાગી શકે છે. આ દરમિયાન, મહિલાએ એક વીડિયો સ્ટેટમેન્ટમાં પણ દુઃખ વ્યક્ત કર્યું છે. ‘‘મારો ક્યારેય અનાદર કરવાનો ઇરાદો નહોતો,'' તેણીએ કહયું. હું ફક્ત ભગવાન જગન્નાથનો ભક્ત નથી પણ દરરોજ મંદિરમાં પણ જાઉં છું. મેં ભૂલ કરી છે અને મને ખરેખર તેના માટે દિલગીર છે. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.(૨૩.૫)
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
