<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

૧૦૦ થી વધુ સૈનિકોની શહાદત માટે જવાબદાર માઓવાદી કમાન્‍ડરે પત્‍ની સાથે આત્‍મસમર્પણ કર્યુઃ બંનેના માથા પર ૧૩ લાખ રૂપિયાનું ઇનામ હતું

છત્તીસગઢના બસ્‍તરના બીજાપુરમાં માઓવાદી કમાન્‍ડર દિનેશ મોદીમ અને તેની પત્‍નીએ આત્‍મસમર્પણ કર્યુ છે, સરકારની શરણાગતિ અને પુનર્વસન નીતિથી પ્રભાવિત થઈને તેમણે આ પગલું ભર્યુ, દિનેશ વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા હતા અને તેણે ઘણા સૈનિકોને નિશાન બનાવ્‍યા હતા.

રાયપુર,તા.૪: છત્તીસગઢના બીજાપુરમાં એક મોટા સમાચાર સામે આવ્‍યા છે. માઓવાદી કમાન્‍ડર દિનેશ મોદીયમ અને તેની પત્‍ની કાલા તાતીએ પોલીસ સમક્ષ આત્‍મસમર્પણ કર્યું છે. દિનેશ ગંગાલુર એરિયા કમિટીનો સેક્રેટરી હતો, જે પヘમિ બસ્‍તર વિભાગ હેઠળ આવે છે. કાલા તાતી પણ આ સમિતિના સભ્‍ય હતા. આ ઘટના સોમવારે બની હતી.

બસ્‍તર પોલીસ પ્રવક્‍તાએ જણાવ્‍યું હતું કે છત્તીસગઢ સરકારની નક્‍સલી શરણાગતિ અને પુનર્વસન નીતિથી પ્રભાવિત થઈને બંનેએ આત્‍મસમર્પણ કર્યું હતું. દિનેશ પર ૮ લાખ રૂપિયા અને કાલા તાતી પર ૫ લાખ રૂપિયાનું ઇનામ હતું. પોલીસ કાયદા મુજબ આગળની કાર્યવાહી કરી રહી છે.

દિનેશ મોદીયમ એક ખતરનાક માઓવાદી કમાન્‍ડર માનવામાં આવતો હતો. તે નાની ઉંમરે માઓવાદી સંગઠનમાં જોડાયો હતો. તે ઓટોમેટિક હથિયારો ચલાવવા, ઓચિંતો હુમલો કરવા અને IED બનાવવામાં નિષ્‍ણાત હતો. IED એટલે ઇમ્‍પ્રુવાઇઝ્‍ડ એક્‍સપ્‍લોઝિવ ડિવાઇસ, જે એક પ્રકારનો બોમ્‍બ છે. દિનેશ એક કુશળ વ્‍યૂહરચનાકાર હતો.

પોલીસના જણાવ્‍યા અનુસાર, તે છેલ્લા દાયકામાં બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો પર થયેલા અનેક મોટા હુમલાઓમાં સામેલ હતો. આ હુમલાઓમાં ૧૦૦ થી વધુ સૈનિકો શહીદ થયા હતા. તે ખતરનાક માઓવાદી નેતા અને સેન્‍ટ્રલ કમિટી (CC) સભ્‍ય હિડમા માડવી, માઓવાદીઓની બટાલિયન નંબર વન કમાન્‍ડર દેવા અને બસ્‍તરમાં સક્રિય અન્‍ય વરિષ્ઠ નક્‍સલી નેતાઓની નજીક હતો.

સૂત્રો કહે છે કે બસ્‍તરમાં ટોચના માઓવાદી નેતાઓમાં પરસ્‍પર મતભેદો વધી ગયા છે. છેલ્લા ૧૫ મહિનામાં, માઓવાદીઓને સુરક્ષા દળોના હાથે ઘણી નિષ્‍ફળતાઓનો સામનો કરવો પડ્‍યો છે. આ કારણોસર દિનેશે શરણાગતિ સ્‍વીકારવાનું નક્કી કર્યું. છેલ્લા ૧૫ મહિનામાં બસ્‍તરમાં વિવિધ એન્‍કાઉન્‍ટરમાં બે ડઝનથી વધુ વરિષ્ઠ નેતાઓ સહિત ૩૦૦ થી વધુ માઓવાદીઓ માર્યા ગયા છે.(૪૦.૨)

(10:12 AM IST)