<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

IRCTC અને IRFCને નવરત્‍નનો દરજ્જો

આ નિર્ણયથી બંને કંપનીઓને નાણાકીય નિર્ણયો લેવામાં વધુ સ્‍વાયત્તતા મળશે અને તેઓ સરકારની મંજૂરી વિના રૂ. ૧,૦૦૦ કરોડ સુધીનું રોકાણ કરી શકશે

નવી દિલ્‍હી, તા.૪: કેન્‍દ્ર સરકારે ઇન્‍ડિયન રેલ્‍વે કેટરિંગ એન્‍ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) અને ઇન્‍ડિયન રેલ્‍વે ફાઇનાન્‍સ કોર્પોરેશન (IRCTC) ને નવરત્‍ન સેન્‍ટ્રલ પબ્‍લિક સેક્‍ટર એન્‍ટરપ્રાઇઝ (CPSE) નો પ્રતિષ્ઠિત દરજ્જો આપ્‍યો છે. આ નિર્ણયથી બંને કંપનીઓને નાણાકીય નિર્ણયો લેવામાં વધુ સ્‍વાયત્તતા મળશે અને તેઓ સરકારની મંજૂરી વિના રૂ. ૧,૦૦૦ કરોડ સુધીનું રોકાણ કરી શકશે.

જાહેર સાહસો વિભાગ અનુસાર, IRCTC અને IRFC અનુક્રમે ૨૫મી અને ૨૬મી કંપનીઓ બની છે જેમને નવરત્‍નનો દરજ્જો મળ્‍યો છે. આ દરજ્જો તેમને તેમના ચોખ્‍ખા નફા અને ચોખ્‍ખી સંપત્તિના આધારે આપવામાં આવ્‍યો છે. આનાથી આ કંપનીઓને તેમની ભાવિ વૃદ્ધિ યોજનાઓને વેગ આપવામાં મદદ મળશે.

રેલ્‍વે મંત્રાલય હેઠળની મુખ્‍ય કંપનીઓ : IRCTC અને IRFC બંને રેલ્‍વે મંત્રાલય હેઠળ કામ કરે છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં IRCTCનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૪,૨૭૦.૧૮ કરોડ હતું અને આ સમયગાળા દરમિયાન કંપનીએ રૂ. ૧,૧૧૧.૨૬ કરોડનો ચોખ્‍ખો નફો કર્યો હતો. તે જ સમયે, કંપનીની નેટવર્થ ૩,૨૨૯.૯૭ કરોડ રૂપિયા હતી. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં IRFC એ ૨૬,૬૪૪ કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર નોંધાવ્‍યું હતું, જ્‍યારે તેનો ચોખ્‍ખો નફો ૬,૪૧૨ કરોડ રૂપિયા રહ્‍યો હતો. કંપનીની કુલ નેટવર્થ ૪૯,૧૭૮ કરોડ રૂપિયા હતી.

રેલ્‍વે મંત્રીનું સન્‍માન : રેલ્‍વે મંત્રી અશ્વિની વૈષ્‍ણવે આ સિદ્ધિ બદલ IRCTC અને IRFC ને અભિનંદન પાઠવ્‍યા. તેમણે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ X પર પોસ્‍ટ કર્યું, ‘‘નવરત્‍નનો દરજ્જો પ્રાપ્‍ત કરવા બદલ IRCTC અને IRFC ને અભિનંદન. આ ભારતીય રેલ્‍વે માટે એક મહત્‍વપૂર્ણ સિદ્ધિ છે.

અન્‍ય નવરત્‍ન કંપનીઓ : અગાઉ સપ્‍ટેમ્‍બર ૨૦૨૪ માં, સતલુજ જળ વિદ્યુત નિગમ લિમિટેડ, નેશનલ હાઇડ્રોઇલેક્‍ટ્રિક પાવર કોર્પોરેશન, સોલાર એનર્જી કોર્પોરેશન અને રેલટેલ કોર્પોરેશનને નવરત્‍નનો દરજ્જો આપવામાં આવ્‍યો હતો. તે જ સમયે, જુલાઈ ૨૦૨૪ માં, માઝગોન ડોક શિપબિલ્‍ડર્સ લિમિટેડ પણ આ યાદીમાં જોડાયું.

CPSE શ્રેણીઓ અને તેમના ફાયદા : સરકારે CPSE ને ત્રણ મુખ્‍ય જૂથોમાં વર્ગીકળત કર્યા છે - મહારત્‍ન, નવરત્‍ન અને મિનિરત્‍ન. તેનો ઉદ્દેશ્‍ય જાહેર ક્ષેત્રની કંપનીઓને વધુ સ્‍પર્ધાત્‍મક અને કાર્યક્ષમ બનાવવાનો છે. નવરત્‍ન દરજ્જો કંપનીઓને નાણાકીય અને વહીવટી સ્‍વાયત્તતા આપે છે, જેનાથી તેઓ સ્‍વતંત્ર રીતે રોકાણ અને વિસ્‍તરણનું આયોજન કરી શકે છે.(૨૩.૪)

 

(11:02 AM IST)