<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

શેરબજારમાં ઘટાડાની IPO પર પણ અસર પડી : બજારની ચમક ઝાંખી પડી

ગયા મહિને ૧૪ કંપનીઓએ IPO લોન્‍ચ કરવા માટે DRHP ફાઇલ કરી હતી, જે જાન્‍યુઆરીમાં ૨૯ અરજીઓ કરતા ઓછી છે

શેરબજારમાં સતત વેચવાલીથી પ્રારંભિક જાહેર ઓફર (IPO) બજાર પર પણ અસર પડી છે. ફેબ્રુઆરી મહિનામાં કંપનીઓ દ્વારા કરવામાં આવેલી IPO  અરજીઓ (DRHP) ની સંખ્‍યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ગયા મહિને, ૧૪ કંપનીઓએ IPO લોન્‍ચ કરવા માટે DRHP ફાઇલ કરી હતી, જે જાન્‍યુઆરીમાં ૨૯ અરજીઓ કરતા ઓછી છે. નવેમ્‍બર ૨૦૨૪ પછી ફેબ્રુઆરીમાં IPO માટે સૌથી ઓછી અરજીઓ દાખલ થઈ. ઇશ્‍યૂના કદ વિશે વાત કરીએ તો, ૧૪ કંપનીઓ કુલ રૂ. ૯,૬૯૫ કરોડ એકત્ર કરવા માંગે છે જે ૯ મહિનામાં સૌથી ઓછું છે.

DRHP એ પ્રારંભિક દસ્‍તાવેજ છે જે IPOલાવતી કંપનીઓએ બજાર નિયમનકાર સિક્‍યોરિટીઝ એન્‍ડ એક્‍સચેન્‍જ બોર્ડ ઓફ ઈન્‍ડિયા (SEBI) ને સબમિટ કરવાનો હોય છે. તેમાં ઇશ્‍યૂમાં જારી કરાયેલા શેરની સંખ્‍યા, નાણાકીય પરિણામો અને જોખમ પરિબળો જેવી મહત્‍વપૂર્ણ વિગતો શામેલ છે.

DRHP ફાઇલિંગમાં ઘટાડો દર્શાવે છે કે કંપનીઓ હાલમાં લિસ્‍ટિંગથી દૂર રહી  છે.

પ્રાઇમ ડેટાબેઝના મેનેજિંગ ડિરેક્‍ટર પ્રણવ હલ્‍દિયાએ જણાવ્‍યું હતું કે, ફેબ્રુઆરીમાં IPO માટે અરજીઓની સંખ્‍યામાં ઘટાડો બજારના સેન્‍ટિમેન્‍ટને પ્રતિબિંબિત કરે છે. કંપનીઓ હાલમાં રાહ જોઈ રહી છે અને બજાર પર નજર રાખી રહી છે. તેઓ IPO લાવતા પહેલા બજાર સ્‍થિર થાય કે તેજીનો માહોલ પાછો આવે તેની રાહ જોઈ રહ્‍યા છે. ગયા વર્ષે ઓક્‍ટોબરથી બજારમાં અસ્‍થિરતા જોવા મળી રહી છે. જાન્‍યુઆરીમાં ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્‍યા ત્‍યારથી, નીતિઓ અંગે અનિશ્‍ચિતતા વધી છે, જેના કારણે રોકાણકારો ખૂબ જ સાવધ થઈ ગયા છે.

ઇક્‍વિરસ કેપિટલના સ્‍થાપક અને મેનેજિંગ ડિરેક્‍ટર અજય ગર્ગે જણાવ્‍યું હતું કે, જ્‍યારે હાલના સોદા પૂર્ણ ન થાય ત્‍યારે ફાઇલિંગમાં મંદી સમજી શકાય તેવી છે. જ્‍યારે બજાર નરમ હોય છે, ત્‍યારે કંપનીઓ આગળ વધવાનું ટાળે છે. આ ઉપરાંત, IPO લોન્‍ચ કરવા ઈચ્‍છતી કંપનીઓએ તેમના ઈશ્‍યુ દસ્‍તાવેજો ફાઇલ કરતી વખતે બદલાયેલી વૈશ્વિક પરિસ્‍થિતિ અને વ્‍યવસાય પર તેની અસરને પણ ધ્‍યાનમાં રાખવી જોઈએ.

ફેબ્રુઆરીમાં IPO માટે અરજી કરનારી કંપનીઓમાં WeWork India Management, Vida Clinical Researchëû, Atlanta Electricals, Amanta Healthcare અને Glottisનો સમાવેશ થાય છે.

બેક્રરોનું કહેવું છે કે બજારમાં ઘટાડાને કારણે  IPO માટે અરજીઓની સંખ્‍યામાં ઘટાડો થયો છે. ઓક્‍ટોબર ૨૦૨૪ થી બજારમાં ઘટાડો જોવા મળી રહયો છે. વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલી થવાને કારણે આ વર્ષે નિફ્‌ટી ૫૦ અત્‍યાર સુધીમાં ૬.૫ ટકા ઘટયો છે. નિફ્‌ટી તેના સર્વોચ્‍ચ સ્‍તરથી ૧૫.૬ ટકા નીચે ગયો છે અને મિડકેપ અને સ્‍મોલકેપ સેક્‍ટરમાં પણ તીવ્ર ઘટાડો થયો છે. નિફ્‌ટી મિડકેપ તેના સર્વકાલીન ઉચ્‍ચતમ સ્‍તરથી ૨૧ ટકા ઘટયો છે, અને સ્‍મોલકેપ ૨૫.૪ ટકા ઘટયો છે. IPO લાવનારી મોટાભાગની કંપનીઓ મિડ અને સ્‍મોલકેપ સેગમેન્‍ટની છે.

(11:28 AM IST)