News of Tuesday, 4th March 2025
ભ્રષ્ટાચાર ત્યારે જ જ્યારે લાંચ માંગવા અથવા લેવડદેવડનાં પુરાવા હોય
સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચારની નવી વ્યાખ્યા આપી...લાંચ માંગવાનો અને સ્વીકારવાનો પુરાવો જરૂરી છે કોઈ અધિકારી દ્વારા સત્તાના દુરુપયોગથી ભ્રષ્ટાચાર થયો હોવાનું માની શકાય નહીં: અધિકારી દ્વારા ગેરકાયદેસર લાભો માંગવા અને સ્વીકારવાના કોઈ પુરાવા ન હોવાથી કેસ રદ કરવામાં આવ્યો હતો

નવી દિલ્હી, તા.૪: ભ્રષ્ટાચાર શું છે? સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન તેની વ્યાખ્યા નકકી કરી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ગુનાની કોઈ ધારણા કરી શકાતી નથી. ભ્રષ્ટાચાર ફક્ત ત્યારે જ ગણવામાં આવશે જો લાંચ માંગવામાં આવી હોય અથવા આવી કોઈ લેવડદેવડના પુરાવા હોય. એક અધિકારી પર ટેન્ડર વિના માછીમારીના કોન્ટ્રાક્ટ આપીને કરોડો રૂપિયાનું નુકસાન કરવાનો આરોપ હતો. આ મામલે તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેસ ફગાવી દીધો.
ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ ૨૦ મુજબ જો કોઈ જાહેર સેવક કોઈ અનુચિત લાભ સ્વીકારે છે, તો તે કોઈપણ કાર્યના પ્રદર્શનને અયોગ્ય રીતે પ્રભાવિત કરવાના ઈરાદાથી આમ કરી રહ્યો છે. પરંતુ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી એ સાબિત ન થાય કે લાંચ માંગવામાં આવી હતી અને સ્વીકારવામાં આવી હતી, ત્યાં સુધી આ કલમ હેઠળ ભ્રષ્ટાચારનો ગુનો થયો હોવાનું અનુમાન કરી શકાતું નથી. કોર્ટે કહ્યું કે જો કોઈ અધિકારી સરકારી નીતિથી ભટકે છે, તો ફક્ત આ આધાર પર એવું માની શકાય નહીં કે તેણે લાંચ લીધી છે.
અધિકારીએ પહેલા પોતાનો કેસ રદ કરાવવા માટે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. સુનાવણી બાદ, હાઇકોર્ટે આ કેસ રદ કરવાની માંગને ફગાવી દીધી. ૨૭ ફેબ્રુઆરીના રોજ આપેલા ચુકાદામાં, સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે જ્યાં સુધી કોર્ટને સંતોષ થાય તેટલા પુરાવા ન મળે કે ગેરકાયદેસર લાભ એટલે કે લાંચની માંગ કરવામાં આવી હતી અને તે સ્વીકારવામાં આવી હતી, ત્યાં સુધી ભ્રષ્ટાચારનો અંદાજ લગાવી શકાય નહીં. તપાસ રિપોર્ટમાં ફક્ત સત્તાના દુરુપયોગનો આરોપ મૂકવામાં આવ્યો છે, પરંતુ લાંચ માંગવા અને સ્વીકારવાના કોઈ સીધા પુરાવા નથી. એક મહત્વપૂર્ણ આદેશમાં, સર્વોચ્ચ અદાલતે કહ્યું કે એવી કોઈ ગેરસમજ ન હોવી જોઈએ કે જો કોઈ અધિકારીએ પોતાના અધિકારનો દુરુપયોગ કર્યો છે, તો તે સ્વાભાવિક રીતે લાંચની માંગ અને સ્વીકળતિ સૂચવે છે. ભ્રષ્ટાચારના આરોપો સાબિત કરવા માટે નક્કર પુરાવા જરૂરી છે.
સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચારના કેસોમાં સત્તાના દુરુપયોગ અને ગેરકાયદેસર લાભ વચ્ચેના સ્પષ્ટ ભેદને નાબૂદ કર્યો છે. હવે, કોઈપણ સરકારી કર્મચારીને ભ્રષ્ટાચારના આરોપોમાં દોષિત ઠેરવવા માટે, લાંચ માંગવા અને સ્વીકારવાના નક્કર પુરાવા ફરજિયાત બનશે. આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે, કારણ કે હવે ફક્ત સત્તાના દુરુપયોગના આરોપના આધારે ભ્રષ્ટાચારના કેસ દાખલ કરી શકાતા નથી. તેના બદલે, અન્યાયી વ્યવહારો સાબિત કરવા જરૂરી છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
