<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

હાય હાય... ફોન-કોમ્‍પ્‍યુટર-ફેસબુક બધુ ચેક કરશે આયકર વિભાગ

કરચોરી પકડવા શસ્ત્રો સજાવ્‍યા આવકવેરા વિભાગે : બેંક ખાતા-ટ્રેડીંગ પણ તપાસશે ઇન્‍કમટેક્ષ વિભાગ : નવા આયકર કાનુનમાં ઓફિસરોને એવી સત્તા અપાશે કે તેઓ તમારા સોશ્‍યલ મીડિયા એકાઉન્‍ટ પણ ખંખોળી શકશે

નવી દિલ્‍હી, તા. ૪ :  સરકારે વાર્ષિક ૧૨ લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્‍ત કરી દીધી છે. પરંતુ ૧ એપ્રિલ, ૨૦૨૬ થી, આવકવેરા વિભાગને તમારા સોશિયલ મીડિયા એકાઉન્‍ટ્‍સ, વ્‍યક્‍તિગત ઇમેઇલ્‍સ, બેંક એકાઉન્‍ટ્‍સ, ઓનલાઈન રોકાણ એકાઉન્‍ટ્‍સ, ટ્રેડિંગ એકાઉન્‍ટ્‍સ અને ઘણું બધું જોવા અને ઍક્‍સેસ કરવાનો કાનૂની અધિકાર હશે. જોકે આના કારણે પ્રામાણિક કરદાતાઓને કોઈ મુશ્‍કેલીનો સામનો કરવો પડશે નહીં, પરંતુ કરચોરોને બક્ષવામાં આવશે નહીં. નવા આવકવેરા કાયદામાં અધિકારીઓ પાસે આ સત્તા હશે. હાલના આવકવેરા કાયદા, ૧૯૬૧ની કલમ ૧૩૨ અધિકારીઓને શોધખોળ કરવાની અને મિલકત અને હિસાબના ચોપડા જપ્ત કરવાની મંજૂરી આપે છે. આવું ત્‍યારે થાય છે જ્‍યારે તેમની પાસે એવી માહિતી અને કારણ હોય કે કોઈ વ્‍યક્‍તિ પાસે કોઈ અઘોષિત આવક, સંપત્તિ અથવા દસ્‍તાવેજો છે જે તે આવકવેરાથી બચવા માટે જાણી જોઈને છુપાવી રહ્યો છે.

ધારો કે તમારી પાસે એક ગુપ્ત તિજોરી છે જેમાં તમે કાળું નાણું છુપાવો છો, તો આવકવેરા વિભાગ તેને ખોલી શકે છે. વર્તમાન કાયદા હેઠળ આ કરવાનો એક રસ્‍તો એ છે કે કોઈપણ દરવાજા, બોક્‍સ અથવા લોકરનું તાળું તોડી નાખવું. જો તેમની ચાવીઓ ઉપલબ્‍ધ ન હોય અને તેમને શંકા હોય કે ત્‍યાં કોઈ અઘોષિત સંપત્તિ અથવા ખાતાના પુસ્‍તકો રાખવામાં આવ્‍યા છે, તો આ કરી શકાય છે. જૂના જમાનાની જેમ, ચોર તાળું તોડીને અંદર પ્રવેશતા હતા. પરંતુ હવે આ તાળું ફક્‍ત તમારા ઘરનું જ નહીં પણ તમારા કમ્‍પ્‍યુટરનું પણ હોઈ શકે છે.

નિષ્‍ણાતો શું કહે છે

નવા આવકવેરા બિલ હેઠળ, આવકવેરા અધિકારીઓને તમારા કમ્‍પ્‍યુટર સિસ્‍ટમ અથવા વર્ચ્‍યુઅલ ડિજિટલ સ્‍પેસની ઍક્‍સેસ આપવામાં આવી છે. મતલબ કે હવે તમારું કમ્‍પ્‍યુટર, તમારું ઇમેઇલ, તમારું સોશિયલ મીડિયા, બધું જ સરકારની દેખરેખ હેઠળ છે. આવકવેરા બિલના કલમ ૨૪૭ મુજબ, જો કોઈ અધિકળત અધિકારી પાસે એવું માનવાનું કારણ હોય કે કોઈપણ વ્‍યક્‍તિ આવકવેરા કાયદાને આધીન અઘોષિત આવક અથવા મિલકતનો કબજો ધરાવે છે, તો તે કોઈપણ દરવાજા, બોક્‍સ, લોકર, તિજોરી, કબાટ અથવા અન્‍ય સાધનનું તાળું તોડી શકે છે. તેઓ એક્‍સેસ કોડને ઓવરરાઇડ કરીને કોઈપણ કમ્‍પ્‍યુટર સિસ્‍ટમ અથવા વર્ચ્‍યુઅલ ડિજિટલ સ્‍પેસમાં પ્રવેશ મેળવી શકે છે.

આનો અર્થ એ થયો કે જો અધિકારીઓને શંકા હોય કે તમે ઇરાદાપૂર્વક આવકવેરો ચોરી રહ્યા છો, તો તેઓ તમારા કમ્‍પ્‍યુટર સિસ્‍ટમ, ઇમેઇલ અથવા સોશિયલ મીડિયા એકાઉન્‍ટ્‍સમાં ઘૂસી શકે છે. સિરિલ અમરચંદ મંગળદાસ પાર્ટનર (હેડ-ટેક્‍સેશન) એસ.આર. પટનાયક માને છે કે આવી શોધ અને જપ્તી ફક્‍ત અપવાદ તરીકે જ કરી શકાય છે, નિયમ તરીકે નહીં. આનું કારણ એ છે કે વર્ચ્‍યુઅલ ડિજિટલ સ્‍પેસની વાત આવે ત્‍યારે વ્‍યક્‍તિ ગોપનીયતાની વાજબી અપેક્ષા રાખે છે. મતલબ કે તમારી ઓનલાઈન ગોપનીયતાનો આદર થવો જોઈએ.(૯.૩ર)

(3:22 PM IST)