<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

મહાકુંભમાં એક નાવિક પરિવારે ૪૫ દિવસમાં કરી ૩૦ કરોડની કમાણી

મહાકુંભના આયોજનથી રાજ્‍યને ત્રણ લાખ કરોડ રૂપિયાની આવક થઈ : યોગી

લખનૌ, તા.૫: મંગળવારે વિધાનસભામાં બજેટ પરની ચર્ચાનો જવાબ આપતા મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે કહયું કે મહાકુંભના આયોજનથી રાજ્‍યને ત્રણ લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે. તેમણે વિવિધ ક્ષેત્રોમાં થયેલી કમાણીની વિગતો પણ આપી. આ સાથે, તેમણે પ્રયાગરાજના એક નાવિક પરિવારની સફળતાની વાર્તા પણ વર્ણવી હતી. સીએમ યોગીએ કહયું કે આ નાવિક પરિવારે મહાકુંભના ૪૫ દિવસ દરમિયાન ૩૦ કરોડ રૂપિયાની ચોખ્‍ખી કમાણી કરી છે.

નાવિક પરિવારની સક્‍સેસ સ્‍ટોરી  કહેતા સીએમ યોગીએ સમાજવાદી પાર્ટી પર પણ નિશાન સાધ્‍યું. કહ્‍યું કે સમાજવાદી પાર્ટીના લોકો  સૌથી વધુ હોબાળો  કરતા રહયા. તેઓ હંમેશા કહેતા  હતા કે ત્‍યાં ખલાસીઓનું શોષણ થઈ રહયું છે. તેમને પૈસા કમાવવામાં મુશ્‍કેલી પડી રહી છે,  જ્‍યારે વાસ્‍તવિકતા તેનાથી બિલકુલ વિપરીત છે. સીએમ યોગીએ જણાવ્‍યું કે ત્‍યાંના એક નાવિક પરિવાર પાસે ૧૩૦ બોટ છે. મહાકુંભ દરમિયાન એક બોટથી લગભગ ૨૩ લાખ રૂપિયાની કમાણી થઈ છે. જો આપણે દૈનિક બચત પર નજર કરીએ તો એક બોટથી ૫૦થી ૫૨ હજાર રૂપિયાની કમાણી થઈ છે. આ રીતે, આખા પરિવારે માત્ર ૪૫ દિવસમાં ૩૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

(10:00 AM IST)