<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

કર્ણાટકના DGPની પુત્રી -ફિલ્મ અભિનેત્રી રાન્યા રાવ સોનાની દાણચોરી કરતા ઝડપાઇ : એરપોર્ટ પર 14.8 કિલો સોનું જપ્ત

રાન્યા રાવ 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં :ડીપીજીની પુત્રી તરીકે ઓળખાવતી રાનયા રાવ અને સ્થાનિક પોલીસ કર્મચારીઓને ઘરે મૂકવા માટે બોલાવતી

બેંગ્લુરુ :સોનાની દાણચોરી પર મોટી કાર્યવાહીમાં, બેંગલુરુમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ કન્નડ અભિનેત્રી રાન્યા રાવની કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 14.8 કિલો સોનું જપ્ત કર્યા પછી ધરપકડ કરી. રાન્યા વારંવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસોને કારણે DRIની દેખરેખ હેઠળ હતી. 3  માર્ચની રાત્રે જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તે દુબઈથી અમીરાતની ફ્લાઇટમાં બેંગલુરુ આવી હતી.

 

DRI અધિકારીઓએ જણાવ્યું હતું કે અભિનેત્રી રાન્યા રાવે મોટાભાગનું સોનું શરીર પર પહેર્યું હતું અને તેના કપડાંમાં સોનું છુપાવ્યું હતું. રાન્યા  IPS રામચંદ્ર રાવની પુત્રી છે, જે હાલમાં કર્ણાટક પોલીસના ડીજીપી હાઉસિંગ કોર્પોરેશન તરીકે ફરજ બજાવી રહ્યા છે. DRIના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે શું રાન્યાને સોનાની દાણચોરીમાં પોલીસ કે અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ તરફથી કોઈ મદદ મળી રહી હતી. 
 

DRIના જણાવ્યા અનુસાર, એરપોર્ટ પર પહોંચ્યા પછી, રાન્યા રાવ પોતાને ડીપીજીની પુત્રી તરીકે ઓળખાવતી હતી અને સ્થાનિક પોલીસ કર્મચારીઓને ઘરે મૂકવા માટે બોલાવતી હતી. DRI હવે તપાસ કરી રહી છે કે શું આ પોલીસ કર્મચારીઓની દાણચોરીના નેટવર્કમાં કોઈ સંડોવણી હતી કે અજાણતાં તેનો ઉપયોગ થઈ રહ્યો હતો. રાન્યા  કન્નડ સુપરસ્ટાર સુદીપ સાથે ફિલ્મ 'માનિક્ય' માં તેની ભૂમિકા માટે જાણીતી છે. તેમણે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

 

DRIએ નોંધ્યું છે કે રાન્યા છેલ્લા 15 દિવસમાં ચાર વખત દુબઈ ગઈ હતી. આનાથી એજન્સી શંકાસ્પદ બની. DRIએ અભિનેત્રીની ગતિવિધિઓ પર નજર રાખવાનું શરૂ કર્યું. એજન્સીને ગુપ્ત માહિતી મળી હતી કે તે દુબઈથી બેંગલુરુ આવી રહી છે અને તેની સાથે મોટી માત્રામાં સોનું લઈને જઈ રહી છે. આ ગુપ્ત માહિતીના આધારે, એજન્સીએ અભિનેત્રી રાન્યા રાવને કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચતા અટકાવી અને તેની તપાસ કરી, અને તેની પાસેથી 14.8 કિલો સોનું જપ્ત કર્યું. આ સોનાની બજાર કિંમત લગભગ 12 કરોડ રૂપિયા છે.

 

એવું પણ કહેવાય છે કે તેણે પોતાના જેકેટમાં સોનું છુપાવ્યું હતું. રાન્યા ની ધરપકડ બાદ, તેને વધુ પૂછપરછ માટે બેંગલુરુમાં DRI મુખ્યાલય લઈ જવામાં આવી. આ પછી, તેને મંગળવારે બેંગલુરુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટે અભિનેત્રીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે. DRIના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે શું તે એકલી કામ કરતી હતી કે દુબઈ અને ભારત વચ્ચે કાર્યરત મોટા સોનાની દાણચોરીના નેટવર્કનો ભાગ હતી.  

(1:03 PM IST)