<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ અસીમ આઝમી મુઘલ બાદશાહ ઔરંગઝેબની પ્રશંસામાં ટિપ્પણી કરવા બદલ વર્તમાન બજેટ સત્રના અંત સુધી મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્યપદમાંથી સસ્પેન્ડ

મુંબઈ તા.5 :સમાજવાદી પાર્ટી (SP)ના ધારાસભ્ય અબુ અસીમ આઝમીને બુધવારે મુઘલ બાદશાહ ઔરંગઝેબની પ્રશંસામાં ટિપ્પણી કરવા બદલ વર્તમાન બજેટ સત્રના અંત સુધી મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્યપદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર 26 માર્ચે સમાપ્ત થશે. રાજ્યના પ્રધાન ચંદ્રકાંત પાટીલે બુધવારે ગૃહમાં સસ્પેન્શનનો પ્રસ્તાવ મૂક્યો હતો.

'સસ્પેન્શનની દરખાસ્ત ધ્વનિ મતથી પસાર'

શાસક પક્ષના સભ્યોએ કહ્યું કે ઔરંગઝેબના વખાણમાં આપેલું નિવેદન મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજનું અપમાન છે. પાટીલે કહ્યું, "ઔરંગઝેબની પ્રશંસા કરતી અને સંભાજી મહારાજની ટીકા કરતી આઝમીની ટિપ્પણીઓ એસેમ્બલીના સભ્યને યોગ્ય નથી અને તે વિધાનસભાનું અપમાન છે."

અબુ આઝમીએ શું કહ્યું?

સપાના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ આઝમીએ કહ્યું હતું કે ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન ભારતની સરહદ અફઘાનિસ્તાન અને બર્મા (મ્યાનમાર) સુધી પહોંચી ગઈ હતી. મુંબઈના માનખુર્દ શિવાજી નગર મતવિસ્તારના વિધાનસભ્ય આઝમીએ દાવો કર્યો હતો કે, "આપણી જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) 24 ટકા (વિશ્વ જીડીપી) હતી અને ભારતને સોનાનું પક્ષી (ઔરંગઝેબના શાસન દરમિયાન) કહેવામાં આવતું હતું." તેમની ટિપ્પણીને કારણે રાજ્યના બંને ગૃહોમાં હોબાળો થયો હતો અને મંગળવારે તેમની વિરુદ્ધ પક્ષના સભ્યોએ આરોપ લગાવ્યો હતો.

હું મારી ટિપ્પણીઓ પાછી ખેંચું છું- આઝમી

આઝમીએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં કહ્યું કે તેમના નિવેદનોને વિકૃત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું, “મેં ઔરંગઝેબ વિશે જે પણ કહ્યું છે તેનો ઇતિહાસકારો અને લેખકોએ ઉલ્લેખ કર્યો છે. મેં શિવાજી મહારાજ, સંભાજી મહારાજ કે કોઈ રાષ્ટ્રીય વ્યક્તિત્વ વિરુદ્ધ કોઈ અપમાનજનક ટિપ્પણી કરી નથી. જો કે, મારી ટિપ્પણીઓથી જો કોઈને દુઃખ થયું હોય, તો હું મારા નિવેદનો અને ટિપ્પણીઓ પાછી ખેંચું છું.

(3:10 PM IST)