<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

સુપ્રીમ કોર્ટે ૧૬ વર્ષ સુધી ચાલેલા સંબંધને સંમતિથી બનેલો સંબંધ માન્‍યો

સુપ્રીમ કોર્ટે પુરૂષ સામે દાખલ કરાયેલ બળાત્‍કારનો કેસ રદ કર્યો : લગ્નના બહાને સંબંધ બાંધવાની મહિલાની અરજી ફગાવી દેવામાં આવી સુપ્રીમ કોર્ટે કહયું કે લાંબા ગાળાના લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી મહિલા તેના પાર્ટનર પર બળાત્‍કારનો આરોપ લગાવી શકતી નથી કારણ કે તે સંમતિથી થયેલો સંબંધ હતો : મહિલાએ કોઈ પણ વિરોધ વિના ૧૬ વર્ષ સુધી શારીરિક સંબંધો બાંધ્‍યા હતા, જેને કોર્ટે લગ્નના ખોટા વચનનો હવાલો આપીને બળાત્‍કાર તરીકે સ્‍વીકારવાનો ઇનકાર કર્યો હતો

નવી દિલ્‍હી, તા.૫: બે પુખ્‍ત વયના લોકો વચ્‍ચેનો પ્રેમ સંબંધ. પ્રેમ ખીલ્‍યો. પુરુષ બેંક અધિકારી અને મહિલા લેક્‍ચરર. બંને ફક્‍ત બે-ચાર વર્ષ નહીં, પણ ૧૫-૧૬ વર્ષ સુધી પ્રેમ સંબંધમાં રહયા. ઘણી વખત શારીરિક સંબંધો બાંધ્‍યા. પછી એક દિવસ મહિલાએ લગ્નના બહાને પુરુષ વિરુદ્ધ બળાત્‍કારનો કેસ દાખલ કર્યો. આખરે, સુપ્રીમ કોર્ટે આ કેસમાં તે વ્‍યક્‍તિ સામે ચાલી રહેલા ફોજદારી કેસને રદ કરવાનો આદેશ આપ્‍યો છે. સુપ્રીમ કોર્ટે કહ્‍યું કે એ માનવું મુશ્‍કેલ છે કે કોઈ પણ મહિલા લગ્નના ખોટા વચન પર વિશ્વાસ કરશે અને ૧૬ વર્ષ સુધી કોઈની સાથે સંબંધ રાખશે. સુપ્રીમ કોર્ટે કહ્‍યું કે આ સંમતિથી બનેલા સંબંધ અથવા લિવ-ઇન સંબંધનો કેસ છે જે બગડયો અને તેથી બળાત્‍કારનો કેસ નોંધવામાં આવ્‍યો.

સુપ્રીમ કોર્ટે કહયું કે જો કોઈ મહિલા લાંબા સમયથી લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે, તો તે તેના પાર્ટનર પર ફક્‍ત લગ્નના બહાને તેની સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવી શકે નહીં. કારણ કે આટલા લાંબા સમય પછી એ સાબિત કરવું મુશ્‍કેલ છે કે સંબંધ ફક્‍ત લગ્નના વચનને કારણે જ બંધાયો હતો.

એક બેંક અધિકારી પર બળાત્‍કારનો આરોપ લાગ્‍યો. તેના લિવ-ઇન પાર્ટનર, જે એક લેક્‍ચરર છે, તેણે કહયું કે તેણીએ લગ્નના વચન પર ૧૬ વર્ષ સુધી તેની સાથે સંબંધ ચાલુ રાખ્‍યો. ન્‍યાયાધીશ વિક્રમ નાથ અને ન્‍યાયાધીશ સંદીપ મહેતાની બેન્‍ચે મહિલાની દલીલ સ્‍વીકારી ન હતી અને બેંક અધિકારી સામેનો કેસ ફગાવી દીધો હતો. કોર્ટે કહ્‍યું કે તે બંને શિક્ષિત હતા અને આ સંબંધ તેમની સંમતિથી હતો. બંને અલગ અલગ શહેરોમાં પોસ્‍ટિંગ હોવા છતાં પણ એકબીજાના ઘરે જતા રહેતા હતા. કોર્ટે કહ્‍યું કે આ પ્રેમ સંબંધ કે લિવ-ઇન રિલેશનશિપનો કેસ છે જે ખરાબ થયો.

કોર્ટે કહયું, એ માનવું મુશ્‍કેલ છે કે ફરિયાદી લગભગ ૧૬ વર્ષ સુધી અપીલકર્તાની માંગણીઓ સામે ઝૂકી રહી અને ક્‍યારેય વિરોધ ન કર્યો કે અપીલકર્તા લગ્નના ખોટા વચનના બહાને તેનું જાતીય શોષણ કરી રહયો છે. ૧૬ વર્ષનો લાંબો સમયગાળો, જે દરમિયાન બંને પક્ષો વચ્‍ચે જાતીય સંબંધો અવિરત ચાલુ રહયા, તે એ નિષ્‍કર્ષ પર પહોંચવા માટે પૂરતો છે કે સંબંધમાં ક્‍યારેય બળજબરી કે છેતરપિંડીનો કોઈ તત્‍વ નહોતો. સ્‍પષ્ટ શબ્‍દોમાં કહીએ તો, કોર્ટને લાગ્‍યું કે ૧૬ વર્ષ સુધી કોઈ પણ પ્રતિકાર વિના સંબંધ રાખવો એ દર્શાવે છે કે તેમાં કોઈ બળજબરી સામેલ નથી.

કોર્ટે વધુમાં કહયું કે આવા કિસ્‍સાઓમાં, જો એવું માની લેવામાં આવે કે ખોટું વચન આપવામાં આવ્‍યું હતું, તો પણ આટલા લાંબા સમય સુધી સંબંધ ચાલુ રહેવાને કારણે મહિલાની દલીલ નબળી પડી જાય છે.

મહિલાએ કહયું કે તેણીને ગેરસમજ હતી કે આરોપી તેની સાથે લગ્ન કરશે, પરંતુ ૧૬ વર્ષ સુધી કોઈ પણ પ્રશ્ન વગર સંબંધ ચાલુ રાખવાથી આ દલીલ નબળી પડે છે. કોર્ટે કહ્‍યું કે આટલા લાંબા સમય સુધી ચૂપ રહેવું સમજની બહાર છે. જો ખરેખર વિશ્વાસઘાત થયો હોય, તો પછી આટલા વર્ષો સુધી આ સંબંધ કેમ ચાલુ રહયો? આ એક મોટો પ્રશ્ન છે.

(3:39 PM IST)