જો અમેરિકા યુધ્ધ ઇચ્છે છે, તો અમે તેના માટે તૈયાર છીએઃ ચીને ટ્રમ્પને આપી ધમકી
ટેરિફ..વેપાર..કે અન્ય કોઈપણ યુધ્ધ અમે અંત સુધી લડીશું

નવી દિલ્હી, તા.૫: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિ પર વળતો પ્રહાર કરતા ચીને કહયું કે જો અમેરિકા વેપાર પ્રતિબંધોના રૂપમાં યુદ્ધ શરૂ કરે છે, તો તે તેની સામે લડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ચીને એ પણ સ્પષ્ટ કર્યું કે જો અમેરિકાએ ટ્રેડ વોર ચાલુ રાખવાનું મન બનાવી લીધું છે તો ડ્રેગન આ યુદ્ધ અંત સુધી લડશે.
ચીનના યુએસ દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જો અમેરિકા યુદ્ધ ઇચ્છે છે, પછી ભલે તે ટેરિફ યુદ્ધ હોય, વેપાર યુદ્ધ હોય કે અન્ય કોઈપણ પ્રકારનું યુદ્ધ હોય, અમે તેને અંત સુધી લડવા માટે તૈયાર છીએ. આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ૨ એપ્રિલથી ભારત, ચીન અને અન્ય દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત બાદ આવ્યું છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરતા કહયું કે ભારત અને ચીન સહિત અન્ય દેશો દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફ ખૂબ જ અન્યાયી છે. આ ચાર્જ ૨ એપ્રિલથી લાગુ થશે.
અન્ય દેશો દાયકાઓથી આપણી સામે ટેરિફનો ઉપયોગ કરી રહ્યા છે. હવે આપણો વારો છે કે આપણે તે દેશો સામે તેનો ઉપયોગ શરૂ કરીએ. યુરોપિયન યુનિયન, ચીન, બ્રાઝિલ, ભારત, મેક્સિકો, કેનેડા - શું તમે તેમના વિશે સાંભળ્યું છે? અસંખ્ય અન્ય દેશોએ આપણા પર એવા ટેરિફ લગાવ્યા છે જે આપણા કરતા ઘણા વધારે છે. તે ખૂબ જ અન્યાયી છે.ટ્રમ્પે કહ્યું. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે હવે અમેરિકાએ તે દેશો સામે બદલો લેવાનું મન બનાવી લીધું છે જેમણે અમેરિકન ઉત્પાદનો પર ઊંચા ટેરિફ લગાવ્યા છે.
ચીને આ પગલાનો વિરોધ કર્યો છે અને કહયું છે કે તે અમેરિકાની વેપાર વ્યૂહરચનાઓનો સામનો કરવા તૈયાર છે. આ સ્પષ્ટપણે તણાવપૂર્ણ વેપાર વાતાવરણ તરફ ઈશારો કરે છે, જ્યાં ચીન અને અમેરિકા પહેલાથી જ અનેક મુદ્દાઓ પર મતભેદો ધરાવે છે. ચીને કહયું કે તે કોઈપણ પ્રકારના આર્થિક સંઘર્ષથી પાછળ નહીં હટે અને અંત સુધી લડશે.આ વેપાર યુદ્ધને કારણે વૈશ્વિક બજારમાં અસ્થિરતા આવી શકે છે અને બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો પર ગંભીર અસર પડી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
