<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

૬ મહિલા સરપંચોની જગ્‍યાએ તેમના પતિઓએ લીધા શપથ

છત્તીસગઢમાં વીડિયો વાયરલ થતાં તપાસના આદેશ અપાયા

કબીરધામ,તા.૬: છત્તીસગઢના કબીરધામ જિલ્લાના એક ગામ ખાતે નવનિર્વાચિત ૬ મહિલા સરપંચોની જગ્‍યાએ તેમના પતિઓએ લીધા શપથ લીધા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થતાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્‍યા છે. ગત સોમવારે પંડરિયા વિકાસખંડના પરસવારા ગ્રામ પંચાયત ખાતે આ ઘટના બની હતી. જ્‍યારે કબીરધામ જિલ્લા પંચાયતના સીઈઓ અજય ત્રિપાટીએ જણાવ્‍યું હતું કે, ‘પરસવારા ગામની પંચાયતના સરપંચોના શપથ ગ્રહણનો વાઈરલ વીડિયો ગઈકાલે મંગળવારે સામે આવ્‍યો હતો. જેને લઈને પંડરિયા જિલ્લા પંચાયતના અધિકારીએ સમગ્ર મામલે તપાસ કરવા જણાવ્‍યું હતું.'

ત્રિપાઠીએ કહ્યું કે, ‘રિપોર્ટના આધારે આ મામલે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લામાં તાજેતરમાં પૂર્ણ થયેલી ત્રિ-સ્‍તરીય પંચાયત ચૂંટણીના નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓનો શપથગ્રહણ સમારોહ ગત સોમવારે યોજાયો, જે તેમના સંબંધિત વિસ્‍તારોમાં પ્રથમ બેઠક દરમિયાન યોજાયો હતો.' અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, પરસવારા ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા ૧૧ વોર્ડ સરપંચોમાંથી છ મહિલા છે, જ્‍યારે સરપંચ એક પુરુષ છે. આ છ મહિલા સરપંચોના સ્‍થાને પંચાયત સચિવે તેમના પતિઓ અને અન્‍ય ચૂંટાયેલા પ્રતિનિધિઓને પદના શપથ લેવડાવ્‍યા હતા. વીડિયોમાં બધા પુરુષ સભ્‍યો શપથ લેતા જોવા મળ્‍યા હતા.

જ્‍યારે કેટલાક લોકો અને સામાજિક કાર્યકર્તાઓએ આ ઘટનાને મહિલા સશક્‍તિકરણનો મજાક ઉડાવ્‍યો હોવાનું ગણાવ્‍યું હતું.  અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ ઉઠી રહી છે. આમ જો કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો આ સમાજ માટે ખોટું ઉદાહરણ સાબિત થશે.(૪૦.૬)

(10:36 AM IST)