<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

ટ્રમ્‍પના ટેરિફથી બચી શકે છે ભારતઃ મોદી સરકાર તોડ કાઢી રહી છેઃ તુરતમાં ફેંસલો

ભારત-અમેરિકા મંત્રણા શરૂ થઈઃ નીકળશે રસ્‍તો

નવી દિલ્‍હી, તા.૬: અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે પોતાના ઉત્‍પાદનો પર ટેરિફ લાદવાના બદલામાં ભારત સહિત અનેક દેશો પર આયાત ડ્‍યુટી લાદી છે. ટ્રમ્‍પે બ્રાઝિલ અને ચીન સાથે ભારત પર ટેરિફ લાદ્યો છે, પરંતુ એવી અપેક્ષા છે કે ભારતને આ ટેરિફમાંથી રાહત મળી શકે છે જે ૨ એપ્રિલથી અમલમાં આવશે. ભારતીય અધિકારીઓએ નવી દિલ્‍હી અને વોશિંગ્‍ટન વચ્‍ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો તરફ ઈશારો કરીને વહેલા ઉકેલની આશા વ્‍યક્‍ત કરી છે.

ટ્રમ્‍પે ભારત સહિત વિવિધ વેપાર ભાગીદારો પર પારસ્‍પરિક ટેરિફ લાદવાની યોજના બનાવી છે, જેનો ઉલ્લેખ તેમણે મંગળવારે યુએસ કોંગ્રેસના સંયુક્‍ત સત્રને સંબોધન કરતી વખતે કર્યો હતો. આનાથી વેપાર યુદ્ધની ચિંતા વધી છે, જે વૈશ્વિક આર્થિક વિકાસને અસર કરી શકે છે. ટ્રમ્‍પની આ ટિપ્‍પણી એવા સમયે આવી છે જ્‍યારે વાણિજ્‍ય મંત્રી પીયૂષ ગોયલ વેપાર વાટાઘાટો માટે એક અઠવાડિયાની અમેરિકાની મુલાકાતે છે.

આ બાબતથી પરિચિત લોકો કહે છે કે ભારતીય પક્ષ ટ્રમ્‍પ દ્વારા ૨ એપ્રિલથી લાદવામાં આવેલા ટેરિફથી બચી શકે છે. આનું કારણ એ છે કે બંને પક્ષો ટેરિફ અને નોન-ટેરિફ અવરોધો સહિત એકબીજાની ચિંતાઓને દૂર કરવા માટે રચનાત્‍મક સંવાદમાં સક્રિયપણે રોકાયેલા છે.

વાણિજ્‍ય મંત્રી ગોયલના નેતળત્‍વમાં એક ભારતીય પ્રતિનિધિમંડળ મહત્‍વપૂર્ણ બેઠકો માટે અમેરિકામાં છે. ગોયલના નેતળત્‍વમાં અમેરિકી અધિકારીઓ સાથે વાતચીત ચાલી રહી છે અને એવું માનવામાં આવે છે કે પરસ્‍પર ફાયદાકારક દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કા પર માર્ચના અંત સુધીમાં સંમતિ થઈ શકે છે. આના કારણે, ભારતને તાજેતરની આયાત જકાતમાંથી મુક્‍તિ મળે તેવી પૂરી શકયતા છે. આ બાબતથી વાકેફ બીજા એક અધિકારીએ જણાવ્‍યું હતું કે ભારતીય પ્રતિનિધિમંડળ ૧૩ ફેબ્રુઆરીએ રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પ અને વડા પ્રધાન મોદી વચ્‍ચેની બેઠક દરમિયાન અંતિમ સ્‍વરૂપ આપવામાં આવેલા સંયુક્‍ત નિવેદન અનુસાર વેપાર મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ મુલાકાત દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાની વાટાઘાટોના પ્રયાસોનો એક ભાગ છે. આ કરારથી બંને દેશોને ફાયદો થાય અને ભારત પણ તાજેતરના ટેરિફમાંથી મુક્‍તિ મેળવી શકે તે માટે પ્રયાસો કરવામાં આવશે.

(11:23 AM IST)