News of Thursday, 6th March 2025
ટ્રમ્પ ઝેલેન્સકીને ઉથલાવી પાડવાની તૈયારી કરી રહ્યા છે?
યુક્રેનમાં બળવાની સ્ક્રિપ્ટ તૈયાર છેઃ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પત્તા બિછાવ્યા?

વોશીંગ્ટન તા.૬: શું ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેનમાં રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને ઉથલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે? અમેરિકન અખબાર ધ પોલિટિકોના અહેવાલને કારણે આવી અટકળો વધુ તીવ્ર બની છે. તાજેતરમાં ઓવલ ઓફિસમાં ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે થયેલી ઉગ્ર વાતચીત આખી દુનિયાએ જોઈ, જ્યારે હવે પોલિટિકોએ અહેવાલ આપ્યો છે કે ટ્રમ્પના ચાર ટોચના અધિકારીઓએ ઝેલેન્સકીના મુખ્ય રાજકીય હરીફો સાથે વાતચીત કરી છે. આ વાતચીત અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી, પરંતુ આ સમાચાર બહાર આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકા અને રશિયા બંને કોઈપણ રીતે ઝેલેન્સકીને સત્તા પરથી દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પના નજીકના સાથીઓએ યુક્રેનિયન વિપક્ષી નેતા યુલિયા ટિમોશેન્કો અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પેટ્રો પોરોશેન્કોની પાર્ટીના વરિષ્ઠ સભ્યોને મળ્યા હતા. અહેવાલ મુજબ, આ વાટાઘાટો યુક્રેનમાં વહેલી રાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજવાની શકયતા પર કેન્દ્રિત હતી, જે હાલમાં માર્શલ લોને કારણે મુલતવી રાખવામાં આવી છે. ટીકાકારો કહે છે કે યુદ્ધગ્રસ્ત દેશમાં આવી ચૂંટણીઓ અરાજકતા ફેલાવી શકે છે અને રશિયાને ફાયદો પહોંચાડી શકે છે, જ્યાં લાખો સંભવિત મતદારો કાં તો મોરચે છે અથવા શરણાર્થી તરીકે વિદેશમાં રહે છે.
શું ટ્રમ્પની રણનીતિ કામ કરશે?
ટ્રમ્પના સાથીઓને વિશ્વાસ છે કે યુદ્ધના થાક અને દેશમાં વ્યાપક ભ્રષ્ટાચાર સામે લોકોના ગુસ્સાને કારણે ઝેલેન્સકી કોઈપણ ચૂંટણી હારી જશે. જોકે, તાજેતરના વ્હાઇટ હાઉસ વિવાદ બાદ ઝેલેન્સકીની લોક-યિતામાં વધારો જોવા મળ્યો છે. તાજેતરના મતદાન મુજબ, ૪૪% લોકો હજુ પણ ઝેલેન્સકીને ટેકો આપે છે, જ્યારે તેમના નજીકના હરીફ વેલેરી ઝાલુઝની તેમનાથી ૨૦ પોઈન્ટ પાછળ છે.
મોઢામાં રામ, બગલમાં છરી!
ટ્રમ્પ વહીવટીતંત્ર કહી રહ્યું છે કે તેઓ યુક્રેનના આંતરિક રાજકારણમાં દખલ કરી રહ્યા નથી. યુએસ વાણિજ્ય સચિવ હાર્વર્ડ લુટનિકે આ અઠવાડિયે દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફક્ત શાંતિ માટે સાથી ઇચ્છે છે. પરંતુ જમીની વાસ્તવિકતાઓ કંઈક બીજું જ ઈશારો કરે છે.
ટ્રમ્પે પોતે ઝેલેન્સકીને ચૂંટણી વિનાનો સરમુખત્યાર કહ્યા છે, જ્યારે યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે યુક્રેનિયન સરકાર પર ચૂંટણી રદ કરવાનો ખોટો આરોપ લગાવ્યો છે. જોકે, વાસ્તવિકતા એ છે કે ટિમોશેન્કો અને પોરોશેન્કો જેવા વિપક્ષી નેતાઓ પણ યુદ્ધ સમાપ્ત થાય તે પહેલાં ચૂંટણી કરાવવાના પક્ષમાં નથી.
ગુપ્ત બેઠકમાં રશિયાની પણ ભૂમિકા હતી?
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ગુપ્ત બેઠકોમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ હતો કે રાષ્ટ્રપતિની ચૂંટણીઓ કામચલાઉ યુદ્ધવિરામ પછી અને સંપૂર્ણ શાંતિ વાટાઘાટો શરૂ થાય તે પહેલાં યોજવી જોઈએ. આ એ જ રણનીતિ છે જેને રશિયા પણ લાંબા સમયથી સમર્થન આપી રહ્યું છે. યુક્રેનમાં સત્તામાં પાછા ફરવાની આશા રાખતા ટિમોશેન્કો અને પોરોશેન્કોએ જાહેરમાં ચૂંટણી યોજવાનો વિરોધ કર્યો છે, પરંતુ આંતરિક સૂત્રો કહે છે કે બંને નેતાઓ ટ્રમ્પ કેમ્પ સાથે ગુપ્ત સંપર્કમાં છે અને પોતાને અમેરિકા માટે વધુ સારા વિકલ્પ તરીકે રજૂ કરી રહ્યા છે.
પોલિટિકોના જણાવ્યા અનુસાર, જ્યારે ટિમોશેન્કોના પ્રવક્તા નતાલ્યા લિસોવાને પૂછવામાં આવ્યું કે શું તેઓ ખરેખર ટ્રમ્પ વહીવટીતંત્રના સંપર્કમાં છે, ત્યારે તેમણે ફક્ત એટલું જ કહ્યું કે,અમે હમણાં આ અંગે કોઈ ટિપ્પણી કરીશું નહીં.ૅ
આ ઘટનાક્રમ સ્પષ્ટપણે દર્શાવે છે કે અમેરિકા, રશિયા અને યુક્રેનની અંદર સત્તા સંઘર્ષ વધુ તીવ્ર બની રહ્યો છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે ઝેલેન્સકી આ પડકારનો સામનો કરી શકશે કે નહીં.(૩૮.૨૫)
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
